Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

રાજકોટ ૭૦માં ભાજપને સર્વાધિક લીડ

ભાજપના રમેશભાઇ ટીલાળાને ૭૮,૨૦૪ મતોથી ભવ્ય વિજય : આ બેઠક પર બીજા ક્રમાંકે આમ આદમી પાર્ટીના શિવલાલભાઇ બારસિયાને ૨૨,૭૦૭ તથા કોંગ્રેસના હિતેષ વોરાને ૨૨,૩૭૭ મત મળ્યા

રાજકોટ તા. ૮ : રાજકોટ ૭૦ દક્ષિણ બેઠક પર પાટીદાર, સુવર્ણ, ઓબીસી મતક્ષેત્ર ધરાવતા આ વખતે ભાજપે ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી અને ઉદ્યોગપતિ રમેશભાઇ ટીલાળાને ટીકીટ આપી હતી તો કોંગ્રેસે રાજકોટ જિલ્લાના પૂર્વ પ્રમુખ અને યુવા નેતા હિતેષ વોરાને લડાવ્યા હતા. તો 'આપ' એ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીના પૂર્વ પ્રમુખ અને ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી શિવલાલ બારસીયાને જંગમાં ઉતાર્યા હતા. ત્રણેય ઉમેદવારો વિધાનસભાની ચૂંટણી પ્રથમ વખત લડી રહ્યા છે અને ત્રણેય લેઉવા પટેલ ઉમેદવારો હતા.

આ બેઠક પર કુલ ૨,૩૮,૩૪૩ મતદારો પૈકી ૧,૩૯,૮૪૫ મતદારોએ મતદાન કરતા ૫૮.૬૭ ટકા મતદાન થયું હતું. અહીં પહેલેથી જ ભાજપ તરફી લોકોનો જુવાળ જોવા મળતો હતો. અગાઉ બે ટર્મ ભાજપના જ ગોવિંદભાઇ પટેલ ધારાસભ્ય રહી ચૂકયા છે. આજે પરિણામ આવતા રાજકોટ ૭૦માં ભાજપના રમેશભાઇ ટીલાળાએ કોંગ્રેસના હિતેષ વોરાને ૭૮,૨૦૪ મતોથી હરાવ્યા છે. રમેશભાઇ ટીલાળાને ૧,૦૦,૯૧૧, કોંગ્રેસના હિતેષ વોરા ૨૨,૩૭૭ અને આપના શિવલાલ બારસિયાને ૨૨,૭૦૭ મત મળ્યા હતા.

(4:38 pm IST)