Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

રાજકોટ ૬૮માં ભારે સંઘર્ષ બાદ 'વિજયી' ઉદય

પૂર્વ બેઠક ઉપર ભાજપના ઉદય કાનગડની જીત પાછળના કારણો સ્પષ્ટ : ભાજપ ઓબીસીને ટીકીટ આપવામાં સફળ સાબિત

રાજકોટ તા. ૮ : શહેરના સામાકાંઠા વિસ્તારની ૬૮ (પૂર્વ) વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉદય કાનગડનો કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજયગુરૃ સામે ૨૨ હજારથી વધુ મતે વિજય થયો છે. આ બેઠક ઉપર મતદારોએ આપેલા ચૂકાદાનું પ્રાથમિક વિશ્લેષણ કરીએ તો એટલું સ્પષ્ટ થાય છે કે ભાજપ ઓબીસી ટીકીટ ફાળવવામાં સફળ થયું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઇ હતી. પ્રથમ તબક્કે રાજકોટ સહિત ૮૯ બેઠક ઉપર મતદાન થયું હતું. જેમાં રાજકોટ ૬૮માં સરેરાશ ૬૨.૨૦ ટકા મતદાન નોંધાયું હતું. આ બેઠક પર ભાજપે પૂર્વ મેયર અને પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડને મેદાનમાં ઉતાર્યા હતા તો પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૃને ટીકીટ આપી હતી. જ્યારે આપ આદમી પાર્ટીએ કોર્પોરેશન લડેલ અને ૧૦,૫૦૦ મત મેળવેલ યુવા અને શિક્ષિત રાહુલ ભુવાને મેદાનમાં ઉતાર્યા હતા. સમગ્ર રાજકોટની ૪ બેઠક પૈકી આ બેઠક પર ભારે રસાકસી જંગ જામ્યો હતો.

આ બેઠક પર કુલ ૨,૯૭,૫૮૩ મતદારો પૈકી કુલ ૧,૮૫,૧૦૧ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં આજે આવેલ પરિણામમાં ઉદય કાનગડે ૭૪,૫૫૯, ઇન્દ્રનીલ રાજ્યગુરૃએ ૫૦,૮૩૯ તથા રાહુલ ભુવાએ ૩૧,૩૧૬ મત મેળવ્યા છે.

(4:44 pm IST)