Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

જુના પોલીસ કેસનો ખાર રાખી સળીયા-પાઇપ ફટકારી ડેનીસ દેસાણીના પગ ભાંગી નખાયા

ભગતસિંહજી ગાર્ડન પાસે રહેતાં યુવાનની કાર મોટા મવા સ્‍મશાન પાસે આંતરી ‘કેમ સરખી નથી ચલાવતો?' કહી પ્રકાશ મહિડા, લાલો, રાહુલ અને અજાણ્‍યો તૂટી પડયાઃ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૯: યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે હાઉસીંગ ક્‍વાર્ટરમાં રહેતાં યુવાનની કારને મોટા મવા સ્‍મશાન નજીક ચાર શખ્‍સોએ આંતરી લોખંડના પાઇપ, સળીયાથી હુમલો કરી બંને પગ ભાંગી નાંખતા સારવાર માટે દાખલ થયો છે. એક વર્ષ પહેલા એ.જી. ચોકમાં પાણીપુરીની લારીએ થયેલી માથાકુટ અને પોલીસ કેસની અદાવત રાખી આ હુમલો કરાયાનું ખુલ્‍યું હતું.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભગતસિંહજી ગાર્ડન પાસે  હાઉસીંગ ક્‍વાર્ટર બ્‍લોક નં. ૪૧/૭૬૩માં રહેતાં અને મેટોડા જીઆઇડીસીમાં મજૂરી કરતાં ડેનિસ ભરતભાઇ દેસાણી (ઉ.૨૯)ની ફરિયાદ પરથી પ્રકાશ મહિડા, લાલો, રાહુલ અને અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. ડેનિસ ગઇકાલે પોતાની કાર લઇ મેટોડા ગયો હતો અને બપોરે રાજકોટ આવવા નીકળ્‍યો ત્‍યારે મોટા મવા સ્‍મશાન નજકી પહોંચ્‍યો તયારે બાઇક પર પ્રકાશ, લાલો અને રાહુલ તથા એક અજાણ્‍યો આવ્‍યા હતાં અને ‘ગાડી જોઇને કેમ ચલાવતો નથી?' કહી લોખંડનો સળીયો ડાબા પગે મારતાં હું પડી ગયો હતો.

એ પછી લાલાએ પણ સળીયાથી અને રાહુલે પાઇપથી હુમલો કર્યો હતો અને માર માર્યો હતો. તેમજ અજાણ્‍યાએ ઢીકાપાટુ  માર્યા હતાં. મેં બચાવો બચાવોની બૂમો પાડતાં નજીકમાં ગઢવીના વાડામાંથી યાલીમભાઇ ખોખર સહિતના આવી જતાં ચારેય જણા ભાગી ગયા હતા. હું યાલીમભાઇને ઓળખતો હોઉ તે મને સારવાર માટે લઇ ગયા હતાં. હુમલાને કારણે મારા ડાબા પગમાં ત્રણ અને જમણા પગમાં એક ફ્રેકચર થયું છે. તેમજ જમણા પંજામાં પણ એક ફ્રેકચર છે.

ડેનિસે વધુમાં જણાવ્‍યું હતું કે એક વર્ષ પહેલા મારે એકાદ વર્ષ પહેલા એ. જી. ચોકમાં પ્રકાશ મહિડાની પાણીપુરીની લારી છે ત્‍યાં નાસ્‍તો કરવા બાબતે માથાકુટ થઇ હતી અને મારામારી થઇ હતી. તે અંગે તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો હતો. જેના કારણે જુની અદાવતનો ખાર રાખી પ્રકાશ સહિતનાએ મને આંતરી હુમલો કરી બંને પગ ભાંગી નાંખ્‍યા હતાં. યુનિવર્સિટીના પીએસઆઇ વી. એન. બોદરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:39 pm IST)