Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટર ખાતે સંક્રમિત દર્દીઓ સાથેની એમ્બ્યુલન્સની કતારોઃ તેમાં જ દર્દીઓને તપાસવાનું શરૂ થયું

એક પેશન્ટને એટેન્ડ કરી દાખલ કરવાની કાર્યવાહી સુધી બીજા દર્દીને લઇને આવતી એમ્બ્યુલન્સને રાહ જોવી પડતી હોઇ તેમાં રહેલા દર્દીની તકલીફ વધે નહિ તે માટે તબિબો અને સ્ટાફ સતત એલર્ટઃ સતત કેસો વધી રહ્યા છે સામે દર્દીઓ સાજા પણ થઇ રહ્યા છે, તો અમુક હતભાગીના શ્વાસ પણ થંભી રહ્યા છે...ત્યારે લોકો માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ-સેનેટાઇઝર સહિતના નિયમોનું સખ્ત પાલન કરે તે અત્યંત આવશ્યક

રાજકોટઃ કોરોનાના કેસ અતિ ગતિ સાથે વધી રહ્યા છે. સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ ઉપરાંત શહેરની લગભગ તમામ ખાનગી હોસ્પિટલો પણ હાઉસફૂલ થઇ ગઇ છે. રાજકોટ શહેર જીલ્લામાં કોરોનાએ આજે ૩૪ લોકોના મોત થયા છે. સિવિલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ સંક્રમિતોની આવક સતત વધી ગઇ હોવાથી અહિ અગાઉ કોવિડ સેન્ટર જે પાંચ માળમાં ચાલે છે એ સિવાયના બીજા વોર્ડ એટલે કે વોર્ડ નં. ૭, ૧૦ અને ૧૧ તથા માનસિક રોગ વિભાગમાં પણ કોવિડ દર્દીઓ માટે બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગઇકાલે સિવિલ હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાંથી હાડકાના દર્દીઓને રેલ્વે હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી આ વોર્ડમાં કોવિડ દર્દીઓ માટે ૮૦ પથારીઓની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. તેમજ ઓપીડીના સર્જરી વિભાગમાં ૧૨૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ વધુ ૨૦૦ બેડની સુવિધા મળી છે. પરંતુ પોઝિટિવ દર્દીઓ સતત વધ્યા હોઇ સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ તથા અન્ય એમ્બ્યુલન્સ મારફત સતત દર્દીઓ આવી રહ્યા હોઇ એમ્બ્યુલન્સની કતાર જામી જાય છે. સતત આવા દ્રશ્યો સર્જાતા રહે છે. એક દર્દીને એટેન્ડ કરી દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થાય ત્યાં સુધીમાં બીજી એમ્બ્યુલન્સ અને તેની પાછળ ત્રીજી, ચોથી, પાંચમી...એમ સતત નવા દર્દીઓ સાથે એમ્બ્યુલન્સ આવતી રહે છે. તકલીફ ધરાવતાં દર્દીઓને જ્યાં સુધી એડમિશન ન મળે ત્યાં સુધી તેની તકલીફ વધી ન જાય એ માટે આજથી મેડિસિન વિભાગના હેડ અને તેમની ટીમે એમ્બ્યુલન્સમાં જ દર્દીઓને તપાસવાનું શરૂ કરી દીધું હતું. વધુ તકલીફવાળા દર્દીઓને તારવીને એમનું એડમિશન સારી હાલત ધરાવતાં દર્દીઓ કરતાં પહેલા થઇ જાય તેવા પ્રયાસો પણ કરાયા હતાં. સતત અવિરત સંક્રમિત દર્દીઓ સિવિલમાં આવી રહ્યા હોઇ હોસ્પિટલનું સમગ્ર તંત્ર કલેકટરશ્રીની રાહબરીમાં સતત રાત દિવસ દોડધામ કરી રહ્યું છે. દર્દીઓને સાજા કરીને ઘરે મોકલવાનો પ્રયાસ સતત થઇ રહ્યો છે. પરંતુ આ વચ્ચે મૃત્યુ પણ થઇ રહ્યા છે એ પણ હકિકત છે. તસ્વીરમાં દર્દીઓ સાથેની એમ્બ્યુલન્સની કતાર, દર્દીઓને દાખલ કરાવવા માટે દોડધામ કરતો કોવિડનો સ્ટાફ અને સોૈથી છેલ્લે દર્દીઓને એમ્બ્યુલન્સની અંદર જ તબિબોએ તપાસવાનું શરૂ કર્યુ એ દ્રશ્ય જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:56 pm IST)