Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોરોના દર્દી સુધી પહોંચવામાં તંત્ર નિષ્ફળઃ મહેશ રાજપુત

શાસકો માત્ર નિવેદનોમાં જ હોશિયારઃ હકિકતમાં તંત્ર ઉણું ઉતરી રહયું છે

રાજકોટ, તા., ૯:  શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂતે  આક્ષેપો કરતા જણાવ્યું છે કે હાલ કોવીડ-૧૯ની ગંભીર પરિસ્થિતિઓમાં સમગ્ર વિશ્વ મહામારી સામે જ્જુમી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ અને રાજકોટ મનપા નું તંત્ર કોરોના સામે વામણું ઉતર્યું છે ત્યારે કોરોનાના કેસો કુદકે ને ભ્રુસકે વધી રહ્યા છે અને મનપાના તંત્રને ફકત ને ફકત વેકસીનમાં રસ દાખવ્યો છે અને કોરોનાના વધતા કેસો સામે મનપાના તંત્રએ કોઈ જ નક્કર પગલા ભર્યા નથી મનપાના શાસકો અને કમિશ્નર દ્વારા પ્રેસમાં નિવેદનો આપવા સિવાય કશું જ કર્યું નથી એ શાબિત થાય છે.

આ બાબતે શ્રી રાજપૂતે વિશેષ જણાવ્યું છે કે તેઓને માર્ચ  પોઝીટીવ રીપોર્ટ આવ્યો અને આ રીપોર્ટ આવ્યા બાદ રાજકોટ અને ગુજરાતના મીડીયાએ નોંધ લીધી હતી ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરેલ નથી કોરોના પોઝીટીવ આવ્યા બાદ છેક તા.૦૭ એપ્રિલ રાજકોટ મનપાના નંદનવન આરોગ્ય કેન્દ્રમાંથી ૧૩માં દિવસે ફોન કરવામાં આવ્યો. એ સ્પષ્ટ શાબિત થાય છે કે મનપાના તંત્રને અને લેબોરેટરીને સંકલન નથી.

  રાજ્ય સરકારના અધિકારીઓ ખાનગી લેબોરેટરી પાસેથી માહિતી મેળવતા નથી ? જે ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે સાચા આંકડા કોઈની પાસે નથી અને તંત્રને લેબોરેટરી દ્વારા તુરંત જાણ કરવામાં આવતી નથી. તેથી હવે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર જીલ્લા પંચાયતનું તંત્ર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી કામગીરી કરી રહી છે તે આ ઉપરથી સ્પષ્ટ થાય છે ઉપરાંત કોરોના મહામારીમાં જડીબુટ્ટી સમાન રેમડીસીવરના ઈન્જેકશન નો સ્ટોક નથી અને તેના ભાવો સરકાર દ્વારા નિયત કરેલા નથી જેથી દર્દીઓને આ ઈન્જેકશન રૂ.૪૫૦૦ થી લઇ ૬૦૦૦ સુધી કાળાબજારમાં લેવા પડે છે તેમજ ફેબી ફ્લુ નામની ટેબ્લેટ ની કીમત રૂ.૧૬૦૦ છે તો આ દવા કયાંક રૂ.૩૦૦૦ ની મળે છે તો કયાંક રૂ.૪૫૦૦/- ની મળે છે આથી આની શોર્ટેજ ખુબ જ રહે છે તો સરકાર દ્વારા આ દવા દર્દીઓને આરોગ્ય કેન્દ્ર મારફતે વિનામૂલ્યે આપવાની હોય છે તો આ દવાઓનો સ્ટોક આરોગ્ય કેન્દ્રમાં નથી તેમજ વિટામીન-સી માટેના પાઉંચ, દવા વગેરે સ્ટોકમાં નથી તેમજ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા માટેના રૂ.૭૦૦/- સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે અને જો કોઈ દર્દીમાટે ઘરે જઈ સેમ્પલ લેવામાં આવે તો રૂ.૯૦૦/- લેવાના આ સરકાર દ્વારા ભાવ નિયત કરેલ છે ત્યારે તેની સામે આજે ખાનગી લેબોરેટરી વાળા ટેસ્ટના રૂ.૧૧૦૦/- વસુલવામાં આવે છે જેથી  સામાન્ય જનતાએ તંત્રની આ તમામ બેદરકારીનો સામનો કરવો પડી રહ્યો છે અને પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ ઉપરથી એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે હવે પ્રજા રામ ભરોસે છે તેવું શ્રી રાજપૂતે અંતમાં જણાવ્યું છે.

(4:15 pm IST)