Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

રાજકોટમાં ૪ થી ૫ દિવસમાં કોરોના કાબુમાં લેવા તંત્રનો એકશન પ્લાન

૭ હજાર નવા બેડઃ રેમડેસિવિરનો નવો જથ્થો ફાળવાશેઃ ટેસ્ટીંગ વધારી કન્ટેઇનમેન્ટ ઝોન સીલ કરાશેઃ વિજયભાઇ

કલેકટર સાથેની ઇમરજન્સી બેઠક બાદ મુખ્યમંત્રી વિજયભાઇએ પત્રકાર પરિષદમાં શહેરની કોરોનાની સ્થિતિ વર્ણવીઃ રાત્રિ કર્ફયુનો કડક અમલ કરવા અને સ્વંયભૂ લોકડાઉન પાળવા લોકોને અપીલઃ માઇલ્ડ અને એ-સીમ્ટોમેટીક દર્દીઓએ હોમ આઇસોલેશનમાં રહી સારવાર લેવીઃ હોસ્પિટલના બેડ સિરીયસ દર્દીઓ માટે છેઃ લોકો સહયોગ આપશે તો અગાઉની જેમ આ વખતે પણ કોરોનાને હરાવીશુ

રાજકોટ તા. ૯: શહેરમાં કોરોનાની સ્થિતિ અત્યંત ગંભીર બની છે ત્યારે આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ખાસ દોડી આવ્યા છે અને બપોરે તમામ સનદી અધિકારીઓ સાથે ઇમરજન્સી બેઠક યોજી આગામી પાંચથી છ દિવસમાં કોરોનાની ગંભીર સ્થિતિને કાબુમાં લેવાનો એકશન પ્લાન કર્યો હતો.

આ એકશન પ્લાન અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યુ હતું કે, કોરોનાના ગંભીર દર્દીઓ માટે આગામી દિવસોમાં ૬૬૩૧ બેડ તાત્કાલીક ઉભા કરાશે. હાલમાં ૪૨૯૩ બેડ શહેર-જિલ્લામાં મળીને છે. તેમાંથી ૨૫૩૫ ભરેલા છે અને ૧૭૦૦ આજના દિવસે ખાલી છે. આ ઉપરાંત સમરસ હોસ્ટેલમાં ઓકિસજન પાઇપલાઇન નાખવાનું પૂર્ણતાના આરે છે. ત્યાંના આઠે આઠ માળમાં ૫૦૦ બેડની સુવિધા ઉભી થશે. સિવિલમાં પણ ટ્રોમા સેન્ટરમાં ૨૦૦ બેડ અને ઓકિસજન લાઇનની સુવિધા ઊભી કરાઇ રહી છે. ઉપરાંત મનપાના અમૃત ઘાયલ હોલમાં પણ ઓકિસજન લાઇન નાખી ૨૦૦ બેડની સુવિધા ઉભી કરાશે. જ્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે થયેલ બેઠકની ફળશ્રુતિ મુજબ રાજકોટના નાના-નાના નર્સીંગ હોમ ચલાવતા ડોકટરોએ પણ ૬૦૦ બેડ કોરોના દર્દીઓ માટે ફાળવવાની ખાતરી આપી છે. આમ આ બધા મળી આગામી ટૂંક સમયમાં જ રાજકોટમાં ૭ હજાર બેડની સુવિધા ઉભી થઇ જશે. જેથી કોઇપણ દર્દી હોસ્પિટલ સારવાર વગર રહે નહીં તેવુ આયોજન કરાયુ છે.

જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં જે-તે આરોગ્ય કેન્દ્ર અથવા કોઇ સમાજની વાડી કે મોટી જગ્યામાં ૧૫ બેડની વ્યવસ્થા પ્રત્યેક ગામ દીઠ કરવા સૂચના આપી દેવાઇ છે.

વિજયભાઇએ આ તકે ખાસ અપીલ કરી હતી કે, હાલમાં મોટાભાગના કેસ માઇલ્ડ અથવા એ-સીમ્ટોમેટીક કોરોનાના છે. માટે આવા દર્દીઓને ઘરે રહી ડોકટરના માર્ગદર્શન હેઠળ હોમ આઇસોલેશનમાં સારવાર લેવડાવવામાં આવે છે. આથી આવા લક્ષણો ધરાવતા લોકોને અપીલ છે કે, હોસ્પિટલનો આગ્રહ ન રાખે કે જેથી સિરીયસ દર્દીને હોસ્પિટલમાં બેડ મળી રહે.

રેમડેસિવિરની અછત અંગે વિજયભાઇએ જણાવેલ કે, હાલના સંજોગોમાં આ ઇન્જેકશનોની થોડી અછત છે તે હકીકત છે. પરંતુ સાવ મળતા નથી તેવુ નથી. સરકારે રાજકોટને ૧૫ થી ૧૬ હજાર ઇન્જેકશન આપી દીધા, પરંતુ આ ઇન્જેકશન કોઇને વ્યકિતગત નહીં અપાય, હોસ્પિટલને અથવા ડોકટરને આપવામાં આવે છે. ઉપરાંત નવા ૫૦ હજાર ઇન્જેકશનનો ઓર્ડર આપી દેવાયો છે. જે આગામી બે-ચાર દિવસમાં ફાળવી દેવાશે. આમ, આ ઇન્જેકશનની અછત દૂર થઇ જશે. કોઇએ પોતાની રીતે આ ઇન્જેકશનો લેવા નહીં, કેમ કે જરૂર વગર આ ઇન્જેકશન લેવાથી શરીરને નુકશાન થાય છે. ડોકટર સૂચવે તો જ તેને લેવાનું રહેશે.

કોરોનાને કાબુમાં લેવા સમગ્ર ભારતે રાત્રિ કર્ફયુનો અમલ શરૂ કર્યો છે. કેમ કે, દિવસના લોકડાઉનથી લોકોના ધંધા-રોજગારને માઠી અસર પહોંચે છે. ત્યારે નાગરિકોએ જ સમજીને રાત્રિ કર્ફયુનો કડક અમલ કરવો જોઇએ. ઉપરાંત કોઇપણ વ્યકિતએ ખાસ જરૂરિયાત વગર ઘરની બહાર નીકળવુ જોઇએ નહીં અને સ્વયંભૂ લોકડાઉન પાળવુ જોઇએ. તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલ સલાહનો ઉલ્લેખ કરી જણાવ્યુ હતું કે નવેમ્બરમાં જ્યારે કોરોના હતો ત્યારે આપણી પાસે પુરતા બેડ ન હતા. રેમડેસિવિર ઇન્જેકશન ન હતા, છતાં આપણે કોરોનાને હરાવ્યો હતો. ત્યારે હવે આપણી પાસે બધી સુવિધા છે તો થોડી સાવચેતીથી જરૂર કોરોના કાબુમાં આવશે. અંતમાં તેઓએ જણાવેલ કે, રાજકોટમાં ટેસ્ટીંગ વધારવા અને પોઝીટીવ દર્દીઓ બહાર ન રખડે તે માટે જે વિસ્તારમાં વધારે કેસ હશે તે વિસ્તારની શેરી, ફલેટને કન્ટેઇનમેન્ટ ઝોન બનાવી સીલ કરવા પોલીસ બંદોબસ્ત સહિતની કડક કામગીરી શરૂ કરી દેવા અધિકારીઓને સૂચનાઓ અપાઇ છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:54 pm IST)