Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

રાજકોટ જિલ્લાને કોરોના મુકત કરવાનો પડકાર ઝીલતા ૧૧૦૦થી વધુ ખાનગી ડોકટરોની ટીમ

આયુષ વિભાગના નિયામક ભાવનાબેન પટેલના હસ્તે તૈયાર કરેલ અમૃતપેય ઉકાળા અને આર્સોનિક આલ્બમ-૩૦ના પેકેટ અપાયા

રાજકોટઃ કોરોના સામે સાવચેતી એજ સલામતી છે. આ બાબતને ધ્યાને લઇને આજરોજ રાજકોટ સ્થીત મવડી ચોક પાસે આવેલ ખાનગી કિલનીક ખાતે ગુજરાત સરકારના આયુષ વિભાગના સહયોગથી ખાનગી ડોકટર્સ એશોસીએશનના દ્વારા આયુષ મંત્રાલય દ્વારા વિનામુલ્યે વિતરણ કરવા માટે આયુર્વેદિક ઉકાળાઓ અને હોમીયોપેથિક દવા આર્સોનિક આલ્બમ-૩૦ના પેકેટ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે આયૂષ વિભાગના નિયામકશ્રી ભાવનાબેન પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં કોરોનાની રોક થામ માટે વિભાગ દ્વારા તૈયાર કરાયેલ અમૃતપેય ઉકાળાઓ જેમાં પથ્યાદીકવાથ, દશમુલકવાથ તથા ગુડુચ્યાદી કવાથનો સામાવેશ થાય છે તેના પેકેટનો જથ્થો સાથે હોમીયોપેથીક દવા આર્સોનિક આલ્બમ-૩૦ના પેકેટોને ખાનગી પ્રેકટીસ કરતા સભ્ય ડોકટરો દ્વારા વિનામૂલ્યે વિતરણ માટે આપવામાં આવેલ છે. જે તેઓ તેમની કિલીનીક ખાતે આવતા દર્દીઓને વિતરીત કરી આખા કુટુંબને કોરોના સામે રોગ પ્રતિકારક શકિત વધારવાના પ્રયાસોમાં સહયોગી બનશે.

મવડી ડોકટર્સ એશોસીએશનના ફાઉન્ડર અને પ્રમુખ ડો. ભરત વેકરીયાએ કોરોના સંક્રમણને અટકાવવા માટે હરહંમેશ તમામ સભ્ય ડોકટરો પ્રતિબધ્ધ હોવાનું જણાવતા વધુમાં ઉમેર્યું હતું કે હાલ રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં કાર્યરત ૯ એસોસીશનમાં કુલ મળીને ૧૧૦૦ થી વધુ ખાનગી પ્રેકટીશનરો જોડાયેલા છે. અગ્ર સચિવ શ્રી જયંતી રવી અને મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ઉદીત અગ્રવાલ સાથે આ તમામ ડોકટરોના સહયોગ માટે મળેલી એાસેસીએશના હોદેદારોની બેઠક અન્વયે આ કાર્યક્રમ યોજાયો છે. આ તમામ ડોકટરો કોરોના સામેના ફ્રન્ટલાઇન યોધ્ધાઓ છે. કેમકે કોઇપણ દર્દી સૌ પ્રથમ ખાનગી ફેમીલી ડોકટરોનો સંપર્ક કરતા હોવાથી તેઓનો વિશ્વાસ સંપાદિત કરેલ હોય છે. જેનો સદઉપયેાગ કરી કોરોના રોક થામ માટે તેમનો સહયોગ મેળવાય તે મહત્વપૂર્ણ બાબત છે. આ તકે અમે સૌ ડોકટરો પ્રતિબધ્ધ છીએ કે કોરોનાના સંક્રમણને અટકાવવા અમારી તમામ શકિતઓનો ઉપયોગ લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા અર્થે કરીશું.

આ તકે આયુષ વિભાગના નિયામકશ્રી ભાવનાબેનના હસ્તે ખાનગી પ્રેકટીશન ડોકટરોને અમૃતપેય ઉકાળાઓ અને આર્સોનિક આલ્બમ-૩૦ ના પેકેટોનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં ખાનગી ડોકટર્સ એસોસીએશનના હોદેદારો અને સભ્ય ડોકટરો ઉપસ્થિત રહયા હતા.

(2:42 pm IST)