Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

સિવિલના કોવિડ સેન્ટરમાં ઇશ્વરે મને સારા કાર્યની તક આપી છે... પૂણ્યનું ભાથું બાંધવાની શકિત પણ એ જ આપે છેઃ ડો. ઉર્વી દવે

કોવિડના દર્દીઓની સતત દેખરેખ સાથે મક્કમ મનોબળ રાખવું પણ અત્યંત આવશ્યક : અહિ આવતા દર્દીઓની મનોસ્થિતિ અત્યંત નબળી હોય છે, તેમની તમામ નાની જરૂરિયાતનું ધ્યાન રાખવું પડે છેઃ ડો. ભરત ગોહેલ

રાજકોટ તા. ૯ : 'ઇશ્વરે મને સારા કાર્ય માટે તક આપી છે. ત્યારે પરિવારથી દુર એવા દર્દીઓની સેવા કરી પૂણ્યનું ભાથું બાંધવાની શકિત પણ એ જ આપે છે.' આ ભાવપૂર્ણ શબ્દો છે ફરજને પરિવારથી પણ અગ્રીમસ્થાને રાખી રાજકોટની ડેડીકેટેડ કોવીડ-૧૯ હોસ્પીટલ ખાતે ક્રિટીકલ કેર વોર્ડમાં અતિગંભીર દર્દીઓની સેવામાં કાર્યરત ડો. ઉર્વી દવેના. તેઓ છેલ્લા ૧૦ વર્ષથી સીવીલ હોસ્પીટલના એનેસ્થેટીક વિભાગમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. હાલ તેઓ એપ્રીલ માસથી સમયાંતરે કોવીડ-૧૯ હોસ્પીટલમાં કન્સલટન્ટ એનેસ્થેટીસ તરીકે ફરજ બજાવે છે.

તેઓ વિશેષમાં જણાવે છે કે અહીં આવતા દર્દી ઘણી ગંભીર સ્થિતમાં હોય છે. આથી તેઓને સતત દેખરેખ અને મક્કમ મનોબળ બનાવી રાખવું આવશ્યક છે. માત્ર સારવાર નહીં તેઓની માનસીક પરિસ્થિતીની જાળવણી પણ જરૂરી છે. કોવિડ-૧૯ હોસ્પીટલના બીજા માળે આવેલ ક્રિટીકલ કેર વોર્ડમાં કાર્યરત એવા ડોકટરો, નર્સો અને પેરામેડીકલ સ્ટાફના સર્વે ટીમ વર્કથી કોરોના મુકત દર્દીના લક્ષ્યને સાધવા સતત ચોવીસ કલાક જહેમત ઉઠાવી રહ્યા છે.

કોવીડ-૧૯ હોસ્પીટલ ખાતે બીજા માળે આવેલ ક્રિટીકલ કેર વોર્ડ સહિતના ફલોર મેનેજર તરીકે ફરજ બજાવતા ડો. ભરત ગોહેલે અનુભવ સિધ્ધ તથ્યોને આગળ ધરી જણાવે છે કે એપેડેમીક ડીઝાસ્ટર સમી હાલની પરિસ્થિતીમાં કાર્યરીતીનો અનુભવ આગવો છે અહીં આવતા ગંભીર દર્દીઓની મનોસ્થીતી અત્યંત નબળી હોય છે. તેઓ ભયના ઓથાર હેઠળ હોવા ઉપરાંત પરિવારથી દુર હોય છે. ત્યારે તેઓને શ્વાસની તકલીફ ન પડે તે માટે ઓકસીજન, વેન્ટીલેટર સહિતના આધુનિક સાધનોથી સઘન સારવાર, સતત તકેદારી અને સુપોષણ તથા સ્વાસ્થ્યની વિશેષ જાળવણીની કઠીન જવાબદારીઓ સાથે તેઓની નાની –નાની જરૂરીયાતોનું પણ ધ્યાન રાખવું પડે છે. પરિવારથી દુર એવા દર્દીને પરિજનો સાથે મોબાઇલથી સંપર્કમાં રાખવાથી તેઓ માનસીક સ્વસ્થતાનો અનુભવ કરે તે માટે મોબાઇલ ચાર્જ કરી આપવો, તેઓને નેટવર્ક જોડી આપવું તેવી નાની બાબતો પણ મહત્વની બની રહે છે. આમ કોરોના દર્દીઓની  આરોગ્યલક્ષી સારવાર સાથે માનસીક મનોસ્થિતિની જાળવણી અત્યંત કપરી કામગીરી બની રહે છે. આમ છતાં કોરોના સંક્રમણના ભય વચ્ચે પણ પરિવારથી પર રહીને હસતામુખે સૌ આરોગ્ય કર્મીઓ દેશ પર આવેલા આ સંકટને નાથવા એકજુટ થઇ પરસ્પર સહકાર અને સંઘભાવનાથી કાર્યરત રહીએ છીએ. આમારી સૌની ભગવાનને એક માત્ર પ્રાર્થના એક જ છે કે અમે સૌ કોરોના વોરીર્યસ સવસ્થ રહીએ જેથી તમામ કોરોના દર્દીઓને રોગ મૂકત કરી પૂનઃ કોરોનામુકત વાતાવરણનું નિમાર્ણ કરી શકીએ.

આરોગ્ય કર્મીઓના આવા સેવાયજ્ઞને લોકસહયોગ મળે અને જાગૃત નાગરીક તરીકે સલામત ડીસ્ટન્સીંગ, વારંવાર હાથ ધોવા સાથે બહાર નકળતા સમયે માસ્ક પહેરી રાખે તે આવશ્યક છે. આખરે તો સાવચેતી એ જ સલામતી છે. કોરોના સંક્રમણથી બચીએ અને અન્યોને પણ બચાવીએ.

ગરૈયા કોલેજના સરકારી કોવિડ કેર સેન્ટરમાં ૩૧૫ દર્દી થયા સાજા

રાજકોટ તા. ૯ : રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સંયુકત પ્રયાસોથી કોરોના પ્રસારને કાબુમાં લેવા પ્રયાસો થઈ રહ્યા છે જેના ભાગરૂપે શ્રી બી.જી. ગરૈયા સરકાર માન્ય કોવિડ કેર સેન્ટર ખાતે અત્યાર સુધી કુલ  દર્દીઓ કોરોના સામેનું યુદ્ઘ જીત્યા છે અને તેમના પરિવાર સાથે સુખરૂપ જીવન વિતાવી રહ્યા છે.

કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને સામાન્ય સારવારથી સારું થઈ જતું હોય છે. આથી આવા દર્દીઓને સરકાર માન્ય કોવિડ કેર સેન્ટર ખાતે કોરન્ટાઇન કરી તદ્દન વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે. શ્રી બી.જી.ગ રૈયા કોવિડ કેર સેન્ટર આવું જ એક કેન્દ્ર છે, જયાં અત્યાર સુધી કુલ ૩૧૫ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચૂકયા છે.

આ સેન્ટર ખાતે તારીખ ૭ સપ્ટેમ્બર સુધી કુલ ૩૪૩ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જે પૈકી ૧૫ દર્દીઓને સમરસ કેર સેન્ટર ખાતે ખસેડાયા હતા અને અન્ય ૧૩ દર્દીઓને અન્ય હોસ્પિટલ ખાતે સારવાર માટે રીફર કરાયા હતા.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવશિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી અને આ સેન્ટરના નોડેલ ઓફિસર ડો. કે.જી. મોઢ દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

(2:46 pm IST)