Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ખાનગી કોવિડ હોસ્પિટલમાં તંત્ર ત્રાટકયુ : પાંચ સ્થળે ચેકીંગ

પશ્ચિમ મામલતદાર ભગોરા-પુરવઠાનાં માનસતાની ટીમોનું ચેકીંગ : દર્દીનાં નિવેદનો લેવાયા : ચાર્જ, ભોજન, દવા, સ્વચ્છતાં સહિતની બાબતોનું ચેકીંગ

રાજકોટ, તા. ૯ :  શહેરમાં મ.ન.પા.ની મંજુરીવાળી કોવિડ હોસ્પિટલમાં વધુ પડતો ચાર્જ, દર્દીને સુવિધાનો અભાવ સહિતની ફરીયાદો કલેકટરને મળતાં આજે સવારથી કલેકટર અને મ્યુ. કોર્પોરેશનની ટીમોએ શહેરની પાંચ જેટલી ખાનગી હોસ્પિટલોમાં ઓચિંતુ ચેકીંગ હાથ ધર્યુ હતું.

આ અંગે કલેકટર તંત્રનાં સત્તાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ આજે સવારે ૧૧ વાગ્યાથી પુરવઠા વિભાગનાં અધિકારી શ્રી માનસતા ત્થા પશ્ચિમ મામલતદાર શ્રી માનસતાની ટીમો ત્થા મ્યુ. કોર્પોરેશનની ટીમોએ ક્રાઇસ્ટ હોસ્પિટલ સહિત પાંચ જેટલી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ઓચિંતુ ચેકીંગ હાથ ધર્યુ હતું.

આ ચેકીંગ દરમિયાન હોસ્પિટલો દ્વારા દર્દી પાસેથી કેટલો ચાર્જ લેવાય છે ? ભોજન કેવું અપાય છે ? સ્વચ્છતા કેવી છે? દવા નિયમિત અપાય છે ? જરૂરી સાધનો  છે કે નહીં ? વગેરે તમામ પાસાઓની તપાસ કરાયેલ અને આ બાબતે હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓનાં નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા.  આ તમામ ચેકીંગનો રીપોર્ટ સાંજે કલેકટર રેમ્યા મોહનને સુપ્રત કરવામાં આવનાર છે.

બે કોવિડ હોસ્પિટલો બીજી વખત જવાબ માંગ્યો

દરમિયાન જાણવા મળ્યા છે મુજબ શહેરની બે ખાનગી કોવિડ હોસ્પિટલોની ફરીયાદ મળતાં આ હોસ્પિટલોનાં સંચાલકોને ગઇકાલે કલેકટર તંત્રએ બોલાવી. જવાબો માંગ્યા હતા પરંતુ તે જવાબો સંતોષકારક ન હોય આજે ફરીથી આ બંન્ને હોસ્પિટલ સંચાલકોને ફરીથી જવાબ રજુ કરવા બોલાવાયા છે.

(3:52 pm IST)