Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

રાહત... સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૪૦થી વધુ અધિકારી- કર્મચારીઓએ કોરોનાને હરાવ્યા.. તમામ પૂર્ણ સ્વસ્થ

કુલપતિ પેથાણી, સીન્ડીકેટ સભ્ય કોઠારી - ભીમાણી, કુલસચિવ સોની, પરમાર, જોષી, ધામેચા સહિત ૪૦નો કવોરન્ટાઈન સમય પૂર્ણ : આવતા અઠવાડીયે ફરજ પર હાજર થશે

રાજકોટ, તા. ૯ : ૧૫ દિવસ પૂર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોના બ્લાસ્ટ થયો હતો. કુલપતિ પ્રો. નીતિન પેથાણી સહિત ૪૦થી વધુ અધિકારી - કર્મચારીઓ સંક્રમિત થયા હતા. મોટાભાગના હોમ આઈસોલેશન અને સમરસ હોસ્ટેલમાં સારવાર આપવામાં આવી હતી.

કોવિડ-૧૯થી સંક્રમિત થયેલા ૩૫થી વધુ કર્મચારીઓનો કવોરન્ટાઈન સમય પૂર્ણ થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાહત છવાય છે. તમામ કર્મચારીઓએ કોરોનાને હરાવીને પુનઃ સ્વસ્થ થયા છે. છતા હજુ ૪ થી ૭ દિવસ વધારાનો સમય કાળજી અને સાવચેતી રાખીને પછી ફરજ પર હાજર થશે.

કુલપતિ પ્રો. નીતિન પેથાણી, કાર્યકારી કુલપતિ જતીન સોની, ડે.રજીસ્ટ્રાર રમેશ પરમાર, જી.કે. જોષી, પ્લાનીંગ ઓફીસર મનીષ ધામેચા, સીન્ડીકેટ સભ્ય ડો.ભાવીન કોઠારી, ગીરીશ ભીમાણી, પરીક્ષા વિભાગ અને વહીવટી વિભાગના કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવતા યુનિવર્સિટીમાં સોપો પડી ગયો છે. આજની તારીખે પણ યુનિવર્સિટી ખાલી ખાલી લાગી રહી છે.

આરોગ્ય મંત્રાલયના ૧૪ દિવસના કવોરન્ટાઈન પીરીયડ પૂર્ણ થયા બાદ યુનિવર્સિટી પરિવારમાં રાહતની લાગણી છવાઈ છે.

ત્રણ દિવસ પહેલા અંગ્રેજી ભવનના પ્રો. કમલ મહેતા બાદ આજે અન્ય એક અધ્યાપક સંક્રમિત થયાનું જાણવા મળે છે.

(4:18 pm IST)