Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

નાકરાવાડીમાં અરેરાટીઃ પરિવારનો માળો પીંખાયો

કલેશથી કંટાળીને 'દયાહિન' બની 'દયા': બે પુત્રોને સળગાવી પોતે પણ સળગી મરી

૨૮ વર્ષની દયાબેન વિજય ડેડાણીયા અને બે પુત્રો મોહિત (ઉ.૭) અને ધવલ (ઉ.૪) ભડથું: પરિવારજનો અને ગામમાં અરેરાટી : સવારે સાતેક વાગ્યે બનાવઃ સાસુ-વહુ વચ્ચેની કલેશ કારણભૂતઃ દયા સામે સંતાનોની હત્યાનો ગુનો નોંધાશે : મુળ લાલપરીનો પરિવાર થોડા મહિના પહેલા જ નાકરાવાડી રહેવા આવ્યો છેઃ દયાબેનના માવતર બાજુના પીપળીયા ગામે રહે છે : સવારે પતિ અને દિયર ધુળધોવાનું કામ કરવા રાજકોટ ગયા ને સાસુ બાથરૂમ ગયા ત્યારે પાછળથી દયાબેને અગનખેલ ખેલ્યો

અરેરાટીઃ નાકરાવાડીમાં જ્યાં કમકમાટી ભરી ઘટના જ્યાં બની તે મકાન, ભડથું થઇ ગયેલા માતા-પુત્રોના મૃતદેહ, ઘટના સ્થળે એફએસએલ અધિકારી, વિલાપ કરતાં દયાબેનના સાસુ તથા સોૈથી નીચેની તસ્વીરમાં શોકમય ગ્રામજનો, સ્વજનો અને પળવારમાં પત્નિ અને બે લાડકવાયાને ગુમાવી બેઠેલો વિજય શોકમય નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)  

બે પુત્રોને સળગાવીને પોતે સળગી જઇ મોત વ્હાલુ કરનાર દયાબેનની લગ્ન વખતની તસ્વીર જોઇ શકાય છે. અન્ય તસ્વીર બે પુત્રો પૈકીના મોટા પુત્ર મોહિતની છે.

રાજકોટ તા. ૯: ગૃહકલેશની આગ ઘણી વખત હર્યાભર્યા પરિવારના માળા વેરણછેરણ કરી નાંખતી હોય છે. કુવાડવા રોડ પર નવાગામ સાત હનુમાન પાછળ સોખડા રોડ પર આવેલા નાકરાવાડી ગામમાં આજે સવારના પહોરમાં આવી જ એક ઘટના બની છે. જેમાં સાસુ સાથેના કહેશથી કંટાળી ગયેલી દયા નામની મહિલા ક્રોધમાં આવી દયાહિન બની ગઇ હતી અને પોતાના ૭ તથા ૪ વર્ષના બે પુત્રોને રૂમમાં લઇ જઇ તેના પર કેરોસીન છાંટી તેમજ પોતાના પર પણ છાંટી આગ ચાંપી લેતાં ત્રણેય જીવ ભડથું થઇ ગયા હતાં અને પરિવારનો હર્યો ભર્યો માળો પળવારમાં વેરણછેરણ થઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ નાકરાવાડી ગામમાં રામાપીરના મંદિર પાછળ રહેતાં એક મહિલા અને બે બાળકો દાઝી ગયાની જાણ થતાં ૧૦૮ની ટીમના ઇએમટી કોમલબેન અને પાઇલોટ ગોરધનભાઇ પહોંચ્યા હતાં. ઇએમટી તબીબની તપાસમાં મહિલા અને બંને બાળકોના મોત નિપજ્યાનું જણાતાં રાજકોટ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં ઇન્ચાર્જ મારફત કુવાડવા પોલીસને જાણ કરતાં કુવાડવાના પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ જે. કે. પાંડાવદરા, હિતેષભાઇ ગઢવી સહિતની ટીમ દોડી ગઇ હતી. એસીપી એસ. આર. ટંડેલ પણ પહોંચી ગયા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના સાસુ-વહૂના કલેશને કારણે બની હોવાનું સામે આવ્યું હતું. મહિલાએ પોતાના બાળકોને સળગાવ્યા હોઇ અને પોતે પણ સળગીને આત્મહત્યા કરી લીધી હોઇ તેની સામે હત્યાનો ગુનો નોંધવા તજવીજ કરવામાં આવી હતી.

સળગીને ભડથું થઇ ગયેલા મહિલાનું નામ દયાબેન વિજયભાઇ ડેડાણીયા (કોળી) (ઉ.વ.૨૮) તથા તેના બે પુત્રોના નામ મોહિત વિજયભાઇ ડેડાણીયા (ઉ.વ.૭) અને ધવલ  વિજયભાઇ ડેડાણીયા (ઉ.વ.૪) હોવાનું ખુલ્યું હતું. દયાબેને બાળકો પર તથા પોતાના પર કેરોસીન રેડી કાંડી ચાંપી લીધાની પ્રાથમિક વિગતો બહાર આવી હતી. દયાબેનના માવતર નાકરાવાડીની બાજુમાં જ આવેલા પીપળીયા ગામે રહે છે. તેણી ત્રણ ભાઇ અને ચાર બહેનમાં ચોથા નંબરે હતી.  લગ્ન નવ વર્ષ પહેલા થયા હતાં. પિતાનું નામ મનુભાઇ નરસીભાઇ દંડાયા અને માતાનું નામ શામુબેન છે. માતા હયાત નથી. દયાબેનનો પતિ  વિજય કેશુભાઇ ડેડાણીયા ધુળધોવાની મજૂરી કરે છે.

આ પરિવાર મુળ રાજકોટ લાલપરીનો છે. એકાદ વર્ષ પહેલા લાલપરીનું મકાન વેંચી નાકરાવાડીમાં મકાન લઇ અહિ રહેવા આવ્યો છે. ઘરમાં દયાબેન, તેના પતિ વિજયભાઇ, દિયર અને સાસુ સવિતાબેન તથા બે પુત્રોનો પરિવાર છે. સવારે દયાબેનના પતિ અને દિયર રાજકોટ ધુળધોવાની મજૂરી કરવા નીકળી ગયા હતાં અને સાસુ બાથરૂમ ગયા હતાં ત્યારે તેણીએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી બંને પુત્રો અને પોતાના પર કેરોસીન છાંટી અગનખેલ ખેલી લીધો હતો. પડોશીએ ધૂમાડા જોતાં તપાસ કરતાં દરવાજો અંદરથી બંધ હોઇ પતરા તોડીને જોતાં દયાબેન અને બે પુત્રો ભડથુ થયલા જોવા મળતાં પડોશીએ ૧૦૮ને બોલાવી હતી.પણ તેના ઇએમટીએ મા-છોરૂ ત્રણેયને મૃત જાહેર કર્યા હતાં. ઘટનાની જાણ થતાં રાજકોટ કામે ગયેલા પતિ વિજયભાઇ તથા તેના નાના ભાઇ તાબડતોબ નાકારવાડી પહોંચ્યા હતાં. પતિ વિજયભાઇએ કહ્યું હતું કે ગૃહકલેશને કારણે પત્નિએ આ પગલુ ભર્યુ હશું. સાસુ વહુ વચ્ચે નાની નાની વાતે અને ગઇકાલે રાતે રસોઇ બાબતે ચડભડ થઇ હતી. પોલીસ તપાસમાં કલેશ જ આ ઘટના પાછળ કારણભુત હોવાનું ખુલ્યું છે. દયાબેનના માવતર તરફથી તેણીના પતિ કે સાસરીયા વિરૂધ્ધ કોઇ આક્ષેપો કરવામાં આવ્યા નથી. દયાબેને સંતાનોને સળગાવ્યા હોઇ અને પોતે આપઘાત કર્યો હોઇ તેની સામે હત્યાનો ગુનો નોંધવા તજવીજ કરવામાં આવી છે.વધુ માહિતી મુજબ અઠવાડીયા પહેલા જ વિજયભાઇ રાશનમાંથી કેરોસીન લાવ્યા હતું. એ કેરોસીનનું ડબલુ ભરેલુ હોઇ તેનાથી જ દયાબેને અગ્નિસ્નાન કરી લીધું હતું. કલેશની આગમાં પરિવારનો માળો વેરણછેરણ થઇ જતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પીઆઇ એન. એન. ચુડાસમા, હિતેષભાઇ ગઢવી સહિતની ટીમ વધુ તપાસ કરે છે.

(3:17 pm IST)