Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

૧૨૫ વર્ષ જૂની ભીડભંજન શેરીની ગરબીમાં મુસ્લિમ યુવકની ફરી વખત બઘડાટી

બે વર્ષ પહેલા ચાલુ ગરબીએ ઘરમાંથી દારૂની ખાલી બોટલોના ઘા કરી માથાકુટ કરેલીઃ વિસ્તારમાં હુસેન ચૌહાણનો અકારણ અનહદ ત્રાસ હોવાની પોલીસ કમિશ્નર સમક્ષ રજૂઆત

ભીડભંજન શેરીની ગરબીમાં બે વર્ષ પૂર્વે બઘડાટી બોલાવનાર હુસેન ચૌહાણે ગઈરાત્રે ફરીથી ડીંગલ કરતા માઈભકતોમાં કચવાટ ફેલાયો છે. આ બારામાં પોલીસ કમિશ્નર કચેરીએ રોષભેર રજૂઆત કરવામાં આવી હતી

રાજકોટ, તા. ૯ :. રંગીલુ રાજકોટ શહેર કોમી એખલાસમાં તહેવારો ઉજવવા માટે જાણીતુ છે છતાં અમુક તત્વો અવારનવાર વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરતા હોય છે. દાણાપીઠની ભીડભંજન શેરીમાં સવા સો વર્ષ જૂની પુરૂષોની પરંપરાગત ગરબીમાં ગઈકાલે હુસેન ચૌહાણ નામના શખ્સે દારૂ પી ફરીથી માથાકુટ કરતા ગરબા લઈ રહેલા માઈભકતોની લાગણીને ઠેસ પહોંચી હતી. આજે બપોરે આ બારામાં પોલીસ કમિશ્નર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી.

સટ્ટાબજાર ચોક નજીક ભીડભંજન શેરી નં. ૮મા વર્ષોથી ગરબીનું આયોજન થાય છે. જેમાં વિસ્તારના યુવાનોથી આધેડ વયના પુરૂષો ભકિતભર્યા માહોલમાં ગરબે રમી માતાજીની આરાધના કરતા હોય છે. કોઈપણ કારણોસર આ વિસ્તારમાં રહેતો હુસેન ચૌહાણ નામનો શખ્સ કોઈપણ સામુહિક આયોજનમાં હવનમાં હાડકા નાખવાનું કામ કરતો હોવાનો રજૂઆતકર્તાઓએ આક્રોશ ઠાલવી બે વર્ષ પૂર્વે ગરબીમાં દારૂની ખાલી બોટલ ફેંકી બોલાવેલી બઘડાટીના પુરાવા અને જે તે સમયે અખબારોમાં છપાયેલા અહેવાલોને આધાર બનાવી આ શખ્સના અકારણ ત્રાસમાંથી છોડાવવા રજૂઆત કરી હતી. ગઈકાલની આ ઘટનાના કારણે આયોજકોમાં કચવાટ ફેલાયો છે અને પોલીસ અધિકારીઓ આ મામલે કાયમી ઉકેલ લાવી વિસ્તારમાં શાંતિનું વાતાવરણ સર્જે તેવી માંગણી કરી રહ્યા છે. હુસેન ચૌહાણ નામના અસામાજિક તત્વ ઉપર ચારેકોરથી ફીટકાર વરસી રહ્યો છે અને પોલીસ ખાખીનો રંગ બતાવે તેવી લાગણી-માગણી વ્યાપી રહી છે.

(3:14 pm IST)