Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

૧૮ વર્ષની મિનાઝ ઘરેથી ચોકલેટ લેવા ગયા બાદ ચોથા માળેથી પટકાતાં મોત

જામનગર રોડ પર શેઠનગર પાછળ ગોડાઉન રોડ પર બનાવ

રાજકોટ તા. ૯: જામનગર રોડ પર શેઠનગર પાછળ એફસીઆઇ ગોડાઉન રોડ પર ભાડેથી રહેતાં પરિવારની ૧૮ વર્ષની યુવતિ મિનાઝ શેરખાન પઠાણ ઘર નજીક ચોથા માળેથી પડી જતાં મોત નિપજતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. ઘરેથી દસ રૂપિયાની નોટ લઇને ચોકલેટ લેવા નીકળેલી મિનાઝ એપાર્ટમેન્ટના ચોથા માળે શું કરવા ગઇ હતી? કઇ રીતે પડી ગઇ? તે અંગે પોલીસે તપાસ કરતાં અકસ્માતે પડી ગયાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું.

શહેનાઝ પઠાણ ચોથા માળેથી પડી જતાં ગંભીર ઇજા થતાં પરિવારજનો દોડી ગયા હતાં અને તેણીને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટીના હેડકોન્સ. ભગીરથસિંહ ખેર તપાસ માટે દોડી ગયા હતાં.

મૃત્યુ પામનાર મિનાઝ ચાર બહેન અને એક ભાઇમાં નાની હતી. તેના પિતા હયાત નથી. બે બહેનો નોકરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે. માતાના કહેવા મુજબ મિનાઝ તેની પાસેથી દસ રૂપિયા લઇ ઘર નજીક દૂકાને ચોકલેટ લેવા ગઇ હતી. એ પછી તે દૂકાનવાળા એપાર્ટમેન્ટના ચોથા માળેથી પડી ગયાની અમને જાણ થઇ હતી. તે ત્યાં શું કરવા ગઇ હતી? કેવી રીતે પડી ગઇ? તે અમને જાણવા મળ્યું નથી. પગ લપસતા પડી ગયાનું પોલીસનું પ્રાથમિક તારણ છે.

(3:15 pm IST)