Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ફોરવર્ડ કોન્ટ્રાકટ રેગ્યુલેશન એકટના ગુનામાં પકડાયેલ આરોપીનો છૂટકારો

રાજકોટ, તા.૯: અત્રે ફોરવર્ડ કોન્ટ્રાકટ રેગ્યુલેશન એકટ ગુન્હામાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે તા.૧૫-૧૧-૨૦૧૮ના રોજ એસ.ઓ.જી.બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ગળુ પોતાના સ્ટાફના માણસો સાથે ઓફીસમાં હાજર હતા ત્યારે સાથેના પો.કોન્સ.જીતેન્દ્રસિંહ, વિજેન્દ્રસિંહ, તથા ફીરોઝભાઇને હકીકત આપેલ કે પ્રતિક ગુલાબભાઇ વાગડીયા, રહે. કલ્યાણ પાર્ક, બીગબાઇટવાળી શેરી, રેસકોર્ષ રીંગ, રાજકોટવાળા પોતાના રહેણાંક અને કબજા ભોગવટાવાળા મકાનમાં ગેરકાયદેસર રીતે કોમોનીટી માર્કેટના કોમ્પ્યુટરમાં નેટ કનેકટ કરી ઓનલાઇન આવતા સોના, ચાંદી, કોપર ધાતુના ભાવનો તફાવત જોઇ જુદા જુદા ગ્રાહકો પાસેથી મોબાઇલ ફોન ઉપર સોદાઓ લઇ લે-વેચ નહી કરી ભાવના વધઘટના તફાવત ઉપર રૂપિયાની લેતીદેતી કરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવી ડબ્બા ટ્રેડીંગ ચલાવે છે. જેથી પોલીસે ઉપરોકત સ્થળે રેડ કરી આરોપી વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફોરવર્ડ કોન્ટ્રાકટ (રેગ્યુલેશ) એકટ ૧૯૫૨ની કલમ ૨૦(સી), ૨૧ (સી)(એફ), મુજબનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

આ કામમાં ફરીયાદી તથા તપાસ કરનાર અધિકારી એક હોય જે ફરીયાદ પક્ષે મહત્વની તૃટી કહી શકાય તેમજ હાલના કાયદામાં ધી ફોરવર્ડ કોન્ટ્રાકટ રેગ્યુલેશન એકટ-૧૯૫૨નો છે જે કાયદો તા.૨૮-૯-૨૦૧૫ના નોટીફીકેશન મુજબ તા.૨-૯-૨૦૧૫ના રોજ રદ થયેલ છે તેમજ સદરહું કામે કબ્જે લીધેલ ચીઠ્ઠીઓ ફોરવર્ડ કોન્ટ્રાકટના એકસ્પર્ટને વ્યવહાર શું બાબતના હતા તે બાબતે મોકલેલ નથી.

હાલના આરોપી એમ.સી.એકસ એક્ષચેન્ના કોઇપણ જાતના માન્ય સંસ્થાના સભ્યપદ કે કાયદેસરની મંજુરી લીધા વગર ફોરવર્ડ કોન્ટ્રાકટ એકટનો ભંગ કરી તથા એમ.સી.એકસ એક્ષચેન્જની માન્યતા વગર ડબ્બા ટ્રેડીંગના ગેરકાયદેસર ગોલ્ડ તથા સીલ્વરના સોદાઓ કરતા હોય તેવું સાબીત થતું ન હોય જેથી બચાવ પક્ષે આરોપીને નિર્દોષ છોડી મુકવા માટે દલીલો કરેલ.

ઉપરોકત દલીલોને ધ્યાને લઇ નામ.ચીફ અદાલતે આરોપી પ્રતિક ગુલાબભાઇ વાગડીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવેલ હતો.

આ કામે બચાવપક્ષે રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અમિત એન.જનાણી, જીતેન્દ્રસિંહ પરમાર, તથા ઇકબાલ થૈયમ રોકાયેલ હતા.

(3:23 pm IST)