Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

અસલી બાનાખત નહિ આપે તો જીવતો નહિ જઇ શકે!: તત્‍કાલીન પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ જોગરાણા સહિતની સામે ગુનો

ઉંઝાના વેપારીને રાજકોટ ઉઠાવી લાવી ગેરકાયદે અટકાયતમાં રાખ્‍યાની ફરિયાદઃ ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં માર મારી વેપારીને કહેવાયું હતું કે... : રૈયા સર્વેની ૩૦ એકર જમીનનું અસલી બાનાખત વેપારી મહેશભાઇ પટેલ પાસેથી કઢાવવા માટે ત્રાસ ગુજારાયાનો આક્ષેપઃ પીઆઇ, પીએસઆઇ અને રાઇટરે પણ માર માર્યાનો ઉલ્લેખઃ પ્ર.નગરમાં ગુનો નોંધાતા એસીપી પંડયાએ તપાસ આરંભી : ૨૧/૧/૨૨ના ઉંઝાથી ઉઠાવી ત્રણ દિવસ રાજકોટમાં સિતમ ગુજારી બાદમાં અસલી બાનાખત આપવાની ખાત્રી વેપારીએ આપતાં છોડી મુકાયેલઃ અગાઉ મુખ્‍યમંત્રી-ગૃહમંત્રી-માનવ અધિકાર પંચ સુધી અરજી થઇ હતીઃ તેના આધારે ગુનો દાખલ થયો

રાજકોટ તા. ૯: શહેર પોલીસની ક્રાઇમ બ્રાંચના તત્‍કાલીન પીઆઇ અને પીએસઆઇ વિરૂધ્‍ધ ઉંજાના વેપારીને જમીન વિવાદની અરજીના આધારે ઉંઝાથી ઉઠાવી લાવી ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી, ગાળો દઇ માર મારી, જમીનનો અસલ બાનાખત કઢાવવા પ્‍લાસ્‍ટીકના પાઇપથી માર મારી ગુનાહીત કૃત્‍ય આચર્યાનો ગુનો પ્ર.નગર પોલીસમાં નોંધાતા પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે. આ ગુનાની તપાસ એસીપીએ હાથ ધરી છે.

આ બનાવમાં પોલીસે મહેસાણાના ઉંજામાં રામપાર્કમાં રહેતાં અને મંગલમુર્તિ સિલિયમ ઇન્‍ડસ્‍ટ્રીઝ નામે ઇસબગુલનો વેપાર કરતાં મહેશભાઇ ગોવિંદભાઇ પટેલ (ઉ.વ.૪૯)ની ફરિયાદ પરથી પોલીસે ક્રાઇમ બ્રાંચના તત્‍કાલીન પીઆઇ વી. કે. ગઢવી અને પીએઅસાઇ જોગરાણા તથા અન્‍ય વિરૂધ્‍ધ આઇપીસી ૩૪૨, ૩૩૦, ૩૪૭, ૩૪૮, ૪૬૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬, ૩૪ મુજબ ગુનો નોંધ્‍યો છે.

આ પ્રકરણ લાંબા સમયથી ગાજતું હતું. અગાઉ તા. ૨૫/૧/૨૨ના રોજ વેપારી મહેશભાઇ પટેલે મુખ્‍યમંત્રી, પોલીસવડાને અરજી કરી હતી. તેમાં જણાવ્‍યું હતું કે હું તા. ૨૧/૧/૨૨ના રોજ નિત્‍યક્રમ મુજબ જયવિજય સોસાયટી રોડ પર પોતાની ઓફિસે હતાં ત્‍યારે અજાણ્‍યા શખ્‍સે ફોન કરી બાલાજી કુરીયરમાંથી આઇડી પ્રુફ બતાવી પાર્સલ લઇ જવાનું મેં ઓફિસે કુરીયર આપી જવાનું કહ્યું હતું. એ પછી સાંજે પાંચ વાગ્‍યે નંબર પ્‍લેટ વગરની કારમાં ચાર જણા રિવોલ્‍વર સાથે ધસી આવ્‍યા હતાં અને મને ધાકધમકી આપી ઉંજા પોલીસ સ્‍ટેશને લઇ ગયા હતાં. ત્‍યાં પીઆઇ વાઘેલાને મળી આ લોકો મને રાજકોટ લઇ જઇ રહ્યા છે તેમ કહ્યું હતું.

એ પછી મને લઇને રવાના થયા બાદ જે ચાર શખ્‍સો હતાં તેમાંથી બે લીંબડી અને ચોટીલા ઉતરી ગયા હતાં. મોડી રાતે મને રાજકોટ ક્રાઇમ બ્રાંચની કચેરીએ લાવી લોકઅપમાં પુરી દીધો હતો. એટલુ જ નહિ મારી બિમારીની દવાઓ પણ મને લેવા દીધી નહોતી. મારી સાથે આતંકવાદી જેવુ વર્તન થયું હતું. મેં કયા ગુનામાં મને અહિ લાવવામાં આવ્‍યો છે? તેવું એનકવખત પુછવા છતાં કોઇ જવાબ મળ્‍યો નહોતો. આખી રાત મને લોકઅપમાં પુરી રખાયો હતો. બીજા દિવસે પીઆઇ વી. કે. ગઢવી પાસે લઇ જવામાં આવતાં મને ડંડા મારી ગાળો દઇ અહિથી જીવતા જવું હોય તો અમે કહીએ તે અસલ બાનાખત પાછુ આપવુ પડશે તેમ કહેતાં મેં તેને કયુ બનાખત એમ પુછતાં વર્ષ ૨૦૧૧માં શ્રી ગાયત્રીનગર કો-ઓપરેટીવ સોસાયટીના રાજેન્‍દ્ર પ્રભુદાસ જસાણીએ નોટરી રૂબરૂ કરી આપેલા બાનાખતની વાત કરી હતી. 

આથી મેં મોબાઇલ ફોનમાં પીડીએફ ફાઇલમાં પડેલા બાનાખતની કોપી આપવા તૈયારી બતાવી હતી. પરંતુ મને અસલી બાનાખત આપવાનું કહેવાયું હતું અને ગમે તેની લાગવગ કરીશ તો પણ બાનાખત ન મળે ત્‍યાં સુધી છોડવામાં નહિ આવે તેવી વાત કરી હતી. મેં તેમને આ કોર્ટ મેટર છે હું અસલી બાનાખત તમને નહિ આપી શકુ  તેમ કહેતાં પીઆઇ ગઢવી ખુબ ઉશ્‍કેરાઇ ગયેલ અને ગાળો દઇ પ્‍લાસ્‍ટીકના પાઇપથી માર માર્યો હતો. એ પછી મને ફરીથી લોકઅપમાં પુરી દીધો હતો.  ત્‍યારબાદ તા. ૨૨/૧ના મારી તબિયત બગડતાં મને કોઇ હોટેલમાં લઇ ગયા હતાં. ત્‍યાં પણ ખાવા-પીવા કે દવા આપી નહોતી.

ત્‍યારપછી ૨૩મીએ ફરીથી ગઢવી સાહેબની ઓફિસમાં લઇ જવાયો હતો અને ફરીથી માર મારી તારે અહિથી જવું હોય તો અસલ બાનાખત પાછુ આપવુ પડશે તેમ કહી ત્રાસ ગુજાર્યો હતો. ૨૩મીએ ફરીથી મારા પર ત્રાસ ગુજાર્યો હતો. મને હાઇબ્‍લડપ્રેસર અને હાઇકોલેસ્‍ટ્રોલ હોઇ મારી તબીતય ગમે ત્‍યારે બગડી જાય તેવું લાગતું હોઇ મેં ગઢવીસાહેબને કહેલુ કે મને ઘરે જવા દો હું અસલી બાનાખત લઇને પાછો આવી જઇશે. આથી તેણે આ બાબતનું લેખિત લખાણ મારી પાસે કરાવી ડરાવીને સહી કરાવી હતી. મેં મારા બચાવ માટે સહી કરી આપી હતી. એ પછી સાંજે છ વાગ્‍યે મને મુક્‍ત કરતાં રાતે એક વાગ્‍યે એટલે કે ૨૪/૧/૨૨ના હું ઉંઝા મારા ઘરે પહોંચ્‍યો હતો. જ્‍યાં મારા પત્‍નિ દિકરી પણ ગભરાયેલા હતાં.

દિકરીએ વાત કરી હતી કે ૨૧/૧ના રોજ રાતે ચાર શખ્‍સો કાર લઇને આવ્‍યા હતાં અને ઘરમાં ઘુસી તારો લુખ્‍ખો બાપ ક્‍યાં છે? તેમ કહી ગાળો દીધી હતી. એ પછી તમારો પણ ત્રણ દિવસ સુધી અતોપતો ન હોઇ અમે ગભરાઇ ગયા હતાં અને કોઇને વાત પણ કરી નહોતી. આ વાત મારી દિકરીએ કરી હતી. ત્‍યારબાદ અમે આ ત્રાસની અરજીઓ કરી હતી. તેમ વેપારીએ અગાઉ ૨૫/૧ના રોજ કરેલી અરજીમાં જણાવ્‍યું હતું.

દરમિયાન ગત સાંજે પ્ર.નગર પોલીસમાં જે ગુનો નોંધાયો છે તેની ટુંક વિગતમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ જોગરાણા અને અન્‍યને આરોપી તરીકે દર્શાવાયા છે. પોલીસે માત્ર ટુંકી વિગતો જાહેર કરી છે. જેમાં નોંધાયું છે કે ફરિયાદી મહેશભાઇ પટેલે વર્ષ ૨૦૧૧માં શ્રી ગાયત્રીનગર કો.ઓ.હા.સોસાયટી લિ.ના રાજેન્‍દ્રભાઇ પ્રભુદાસ જસાણી (રહે.ર ાજકોટવાળા)ને રૈયા રે.સ.નં. ૨૫૦/૨ની ૩૦ એકર જમીનના ટુકડે-ટુકડે રૂા. પાંચ કરોડ ચુકવ્‍યા હોઇ તેના બદલામાં રાજેન્‍દ્રભાઇએ નોટરી રૂબરૂમાં અસલ બાનાખત કરી આપેલ હોઇ જે કિમતી જમીનનું અસલ બાનાખત ફરિયાદી મહેશભાઇ પાસેથી પરત મેળવી લેવાના સમાન ઇરાદાથી પીએસઆઇ જોગરાણા તથા તેની સાથેના ત્રણ જણાએ ઉંઝા પહોંચી મહેશભાઇને તેની ઓફિસેથી ઉંઝા પોલીસ સ્‍ટેશને લઇ જઇ ત્‍યાંથી કિયા સેલ્‍ટોસ ગાડીમાં રાજકોટ ખાતે અરજી તપાસના કામે પુછપરછ માટે લઇ આવી કોઇપણ ગુના વગર માનસિક ટોર્ચર કરી ગેરકાયદેસર અટકાયતમાં રાખી બીજા દિવસે રાઇટરે પણ ગાળો દઇ ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ પીઆઇ ગઢવીની ઓફિસમાં લઇ જતાં તેણે પણ ગાળો દઇ જમીનનો અસલ બાનાખત કઢાવાવ પ્‍લાસ્‍ટીકના પાઇપથી બેફામ માર મારી તા. ૨૩/૧/૨૨ના રોજ પીએસઆઇ જોગરાણાએ બીજી વખત પીઆઇ ગઢવીની ઓફિસમાં લઇ જઇ અસલ બાખાત પરત આપવાની કબુલાત કરાવી ગેરકાયદે અટકાયતમાં રાખ્‍યા હતાં. આરોપીઓ પોતે પોલીસ ખાતામાં રાજ્‍ય સેવક તરીકે ફરજ બજાવતાં હોવા છતાં કાયદાના આદેશની અવગણના કરી ફરિયાદી વેપારીને અટકાયતમાં રાખ્‍યાનું ફરિયાદમાં નોંધાયું છે. એસીપી કક્ષાના અધિકારીએ તપાસ આરંભી છે.

(2:10 pm IST)