Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રણછોડદાસબાપુ આંખ હોસ્પિટલ : ચાર દાયકાની દ્રષ્ટિવંત સેવા

આ સાર્વજનિક હોસ્પિટલની સને ૧૯૭૮માં સ્થાપના કરવામાં આવેલ : આ હોસ્પિટલમાં રોજના અંદાજીત ૪૦૦ થી ૪૫૦ મોતીયાના વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે : આ હોસ્પિટલ નજીક અમદાવાદ રોડ ઉપર અંદાજીત ૮૫૦૦ ચો.વાર. જમીન ઉપર અતિ આધુનિક અને વિશાલ હોસ્પિટલ ઉભી કરવાના ટ્રસ્ટીઓની ભાવનાને ઇચ્છા ટુંક સમયમાં પૂર્ણ થશે : આ હોસ્પિટલમાં ૧૫ જેટલા અનુભવી તબીબો ૯ ઓપરેશન થિયેટર વિશાળ સ્ટાફ સાથે સતત કાર્યરત છે : ઓપરેશન બાદ તમામ દર્દીઓને જરૂરી દવા-ટીપા, ચશ્મા અને એક ધાબળો પણ આપવામાં આવે છે : તમામ સેવા નિઃશુલ્ક હોવા છતાં દર્દીઓને : માન - સન્માન સાથે ઉત્તમ સગવડતા આપવામાં આવે છે : મોતીયાના તમામ ઓપરેશન અતિ આધુનિક ફેકો મશીનથી સોફટ ફોલ્ડેબલ લેન્સ ફીટ કરી નિઃશુલ્ક કરી આપવામાં આવે છે : અહીં સમાજના તમામ વર્ગના ગરીબને જરૂરતમંદ દર્દીઓને ચા-નાસ્તો બે વખત સાત્વીક ભોજન, બહારગામના દર્દીઓને અને તેના સાથીને આવવા-જવાની વાહનની સગવડતા આપવામાં આવે છે

રાજકોટ : સંત શિરોમણી પ.પુ. ગુરૂદેવના અનન્ય ભકત સેવક તખુભા રાઠોડ વાંચકોને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આંખ હોસ્પીટલની અતિ ઉત્તમ પ્રકારની સેવાની સવિસ્તાર માહિતી આપતા જણાવે છે.

આ દેશની પવિત્ર ભુમિ ઉપર અનંતકાળથી હિંદુ સનાતન ધર્મના રક્ષણ અને ધર્મના પ્રસાર–પ્રચાર માટે સમગ્ર દેશમાં યુગે યુગે અગણીત મહાન સંતો, રૂષિ મુનીઓ એ અવતાર લીધેલ અને લે છે, તેઓની સાધના સિદ્ઘિ અને ધર્મના રક્ષણ અને પ્રચાર માટે, સમગ્ર માનવ જાતિના કલ્યાણ, ઉથાન અને સેવા માટે આપેલ યોગદાનથી તેઓએ પ્રજાના હદયમાં પુજનીય , વંદનીય અને ભગવાન સમકક્ષ સ્થાન પ્રાપ્ત કરેલ છે.

શ્રી રામ ભગવાનના અવતાર સમા ગણી લાખો ગુરૂ ભાઇ બહેનો જેમની પુજા–અર્ચના અને ભકિત કરે છે એવા સંત શિરોમણી અને માનવ સેવાના મહાન ભેખધારી પુજ્ય ગુરૂ ભગવાન શ્રી રણછોડદાસજી બાપુ ના અનંત આર્શીવાદ ને કૃપાથી સમાજના ગરીબ અને જરૂરતમંદ વર્ગ માટે ઉત્ત્।મ સેવા ભાવથી સતત કાર્યરત રહેતી રાજકોટની આંખની હોસ્પીટલની સેવા અને કાર્ય નિતીની એક ઝલક રજુ કરવા નમ્ર પ્રયાસ કરૂ છુ.

પુજય વંદનીય ગુરૂદેવની માનવ સેવા પ્રવૃતિઓથી દેશ અને વિદેશ સારી રીતે વાકેફ છે. માનવ સેવા કાર્યમાં ગુરૂદેવશ્રી ને અતિ પ્રિય ગરીબ અને જરૂરતમંદ લોકોની અતિ મૂલ્યવાન આંખના જતન રક્ષણ અને આંખને સુરક્ષિત રાખવા અંગેની સેવા પ્રવૃતિ અનહદ પ્રિય હતી. દેશમાં એક સમય એવો હતો કે આંખની જાળવણી અને સારવાર અંગે પ્રજામાં ખૂબ જ ઓછી જાગૃતિ હતી. આંખની સારવાર માટે જરૂરી સાધન સામગ્રી અને તબીબોની પણ અછત હતી અને સારવાર ખૂબ જ ખર્ચાળ હતી. જેના કારણે અસંખ્યા લોકો આંખના વિવિધ રોગથી રીબતા પીડાતા અને આંખની રોશની ગુમાવી અંધ બની લાચારી ભરી જીંદગી જીવતા આવા સમયે પણ ગુરૂદેવએ ગરીબ, જરૂરમંદ પ્રજા માટે દેશના વિવિધ રાજ્યમાં નેત્રયજ્ઞ મારફત વિશાળ સેવા પરબ શરૂ કરેલ જે આજ પણ ગુરૂદેવના આર્શીવાદથી અનેક રાજ્યમા અવિરત પણે ચાલુ છે.

પૂ. ગુરૂદેવ ને રાજકોટ અતિ પ્રિય હતુ. તેઓ રાજકોટને તેમનુ હદય ગણતા જેથી ગુરૂદેવના કૃપાપાત્ર શિષ્ય પરિવારે ગુરૂજીની  અતિ પ્રિય સેવા નેત્રયજ્ઞને અવિરત ચાલુ રાખવા શહેરની આજી નદીના સામે કાંઠે અમદાવાદ રોડ ઉપર ઉદાર દિલના સેવાભાવી  દાતાઓના સહયોગથી તા.૦૭–૦૯–૧૯૭૮ માં આંખની હોસ્પીટલની સ્થાપના કરેલ છે જેના સ્થાપક ટ્રસ્ટીઓ શ્રી શિવાનંદ અધર્વ્યુ શ્રી શશીકાંત મહેતા, શ્રી પ્રાણલાલ મહેતા અને શ્રી અમૃતલાલ વસાણી હતા તે પૈકી વસાણી પરિવાર (આજે શ્રી પ્રવિણભાઇ વસાણી અને ટ્રસ્ટીઓ) આજે પણ આ સેવા યજ્ઞમાં તન–મન–ધન થી સક્રિય છે.

આ હોસ્પીટલની સ્થાપનાથી જ ટ્રસ્ટીઓ અને વિશાળ ગુરૂભકતોનો ભાવ અને ઇચ્છા હતી કે આ હોસ્પીટલની તમામ સેવા નાત–જાતના ભેદભાવ વગર સમાજના જરૂરતમંદ તમામ વર્ગ ને વિના મુલ્યે જ આપવી જેથી ગરીબ અને જરૂરતમંદ લોકો વધુમાં વધુ લાભ લઇ શકે જે નીતિ આજ પણ અમલમાં છે.

આ હોસ્પીટલની તમામ સગવડતા સુવિધા સમાજના તમામ વર્ગના નાત–જાતના ભેદભાવ વગર ગરીબ અને જરૂરતમંદ દર્દીઓ માટે નિશુલ્ક છે. સેવા નિશુલ્ક હોવા છતા સુવિધા અને સગવડતા ઉત્ત્।મ છે.  આ હોસ્પીટલમાં સારવાર માટે બહાર ગામથી આવતા દર્દીઓને આવવા જવા માટે વાહનની સગવડતા રાખવામાં   આવેલ છે.

દર્દીઓ ને ચા, નાસ્તો, દુધ અને બે ટાઇમ સાત્વીક ભોજન સાથે રહેવાની સગવડતા આપવામાં આવે છે. ઓપરેશન પુરુ થયા બાદ તમામ દર્દીઓને ચોખ્ખા ઘી નો શીરો આપવામાં આવે છે.

હોસ્પીટલમા અનુભવી તબીબો અને તેના સબ સ્ટાફની પુરતી વ્યવસ્થા છે. અહી મોતિયાના તમામ દર્દીઓનુ ઓપરેશન આધુનિક ફેકો મશીન મારફત સોફટ ફોલ્ડેબલ નેત્રમણી પણ નિશુલ્ક ફીટ કરી આપવામાં આવે છે. સંપૂર્ણ સગવડતાથી સજ્જ નવ ઓપરેશન થિએટર છે. અહી થતા ઓપરેશન ખાનગી હોસ્પીટલમાં અંદાજીત ખર્ચ રૂપિયા દસ હજાર થી વધુ આવે .

ગુરૂદેવની લાગણી અને ભાવના મુજબ તમામ સ્ટાફ દર્દીને 'દર્દી ભગવાન' તરીકે બોલાવે છે ને પે્રમ ને લાગણી થી સારવાર કરે છે. દર્દીઓને ભગવાન જેવુ સન્માન આપવા દર્દીઓની સમુહમાં આરતી કરવાની પ્રથા છે. આ સન્માનથી દર્દીઓ અને તેના સાથી ખૂબ જ ભાવુક અને લાગણીમય બની જાય છે. દર્દીઓને રજા આપવાના સમયે ગુરૂદેવના અસ્થી સમાધી આશ્રમમા સમુહમાં રામધુન બોલાવી પવિત્ર ચરણામૃત, પ્રસાદ અને એક ગરમ ધાબળો ગુરૂદેવનો ફોટો સ્મૃતિ પેટે તમામ દર્દીઓને આપીને ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવે છે કે આ હોસ્પીટલની નિશુલ્ક સગવડતા અંગે સંતોષી થયા હોઇ તો તમારા સગા વ્હાલા સંબંધીઓને આ પ્રકારની સારવાર ની જરૂર પડે તો આ હોસ્પીટલે જવા ભલામણ કરજો.તમામ સગવડતા નિશુલ્ક છે.

સદગુરૂદેવશ્રી બિહારની ગરિબીથી સારી રીતે વાકેફ હતા જેથી બિહાર તરફ ની ગુરૂદેવશ્રીની લાગણી ને  લક્ષમાં રાખી વર્તમાન સંચાલન મંડળે બિહારના અતિ પછાત ભાગલપુર, બકસર જેવા વિસ્તારમાં નેત્રયજ્ઞ કેમ્પ કરી ગરીબો અને જરૂરતમંદની ખૂબ જ ઉત્ત્।મ પ્રકારની સેવા કરે છે. હાલ ઉતર પ્રદેશના બનારસમાં વિશાળ પાયે નેત્રયજ્ઞ ચાલુ છે. અંદાજે  રૂ।. ૧, ૦૮,૦૦૦  ઓપરેશન કરવાની ટ્રસ્ટની ઇચ્છા અને ભાવના છે. આ માનવ સેવા અતિ અભિનંદનને પાત્ર છે.

સમગ્ર રાજ્યમાં આ હોસ્પીટલની નિઃશુલ્ક ઉત્ત્।મ સગવડતા અને સેવાની આગવી ઓળખ ઉભી થઇ છે જેથી આંખની સારવાર માટે ગરીબ અને જરૂરતમંદ દર્દીઓ સમગ્ર ગુજરાતમાંથી સતત આવે છે. દર્દીઓ આ સેવાથી પ્રભાવિત થઇ ગુરૂદેવના ચરણોમાં  મસ્તક નમાવી ગુરૂદેવનો આભાર વ્યકત કરી સાથોસાથ સંચાલક મંડળને પણ આ સુંદર વ્યવસ્થા માટે અભિનંદન આપે છે.

વર્તમાન હોસ્પીટલમાં દર્દીઓની ખૂબ જ વધતી જતી સંખ્યાને લક્ષમાં રાખી અહી આવતા તમામ દર્દીઓને ઉતમ સગવડતા સાથે સારવાર મળે એ બાબતને પ્રાધાન્ય આપી સંચાલક મંડળે આ હોસ્પિટલની નજીક અમદાવાદ રોડ ઉપર અંદાજે ૮,પ૦૦ ચો.વાર જગ્યા ઉપર અતિ આધુનિક અને વિશાળ હોસ્પીટલ ઉભી કરવા ઘણા લાંબા સમયથી જે પ્રયાસ હાથ ધરેલ તે પ્રયાસ ને સફળતા મળી છે. ટુંક સમયમાં નવી હોસ્પીટલના નિર્માણની કામગીરી ગુરૂદેવના આર્શીવાદથી શરૂ થવાની આશા છે.

ગુરૂદેવશ્રી ની સ્મૃતિ સાથે દેશના વિવિધ રાજ્યમાં ઉભી થયેલ માનવ સેવા સંસ્થાઓ રાજકોટ, વાંસદા, અનંતપુર, ચિત્રકુટ અને પુષ્કર માં માનવ સેવાના યજ્ઞમાં ગુરૂદેવના કૃપાપાત્ર હજારો સ્ત્રી પુરૂષ, સ્વયં સેવકો કામધંધા છોડી તન, મન, ધન થી સેવા કરે છે, આ સેવા કઠીન અને મુશ્કેલ છે પણ ગુરૂદેવના આ મંત્ર ને આદેશ સમજી 'મુજે ભુલ જાઓ તો ચલેગા લેકીન નેત્રયજ્ઞ કભી મત ભુલના' આ મંત્ર ને જીવનમા ઉતારી સ્વયંસેવકો દેશના વિવિધ રાજ્યમાં માનવ સેવાના સેવાકાર્યમાં અને નેત્રયજ્ઞમાં ઉત્સાહ અને ઉમંગથી મહિનાઓ સુધી તન, મન અને ધન થી સેવા આપે છે. ં

સમાજના ગરીબ અને જરૂરતમંદ દર્દીઓની આ હોસ્પીટલમાં સન્માન સાથે જે સારવાર થાય છે તે અનન્ય છે. કોરોનાકાળ સમાપ્ત થાય એટલે અચૂક સહુ વાચકોને આ હોસ્પિટલની મુલાકાત લેવા અપીલ કરૃં છું.(૨૧.૪૩)

: સંકલન :

તખ્તસિંહ (તખુભા) રાઠોડ

મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦

(2:50 pm IST)