Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

હસનવાડીમાં નિરજ મસરાણીના ઘરમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ જૂગાર રમતાં ૬ શખ્સ પકડાયા

નાલ ઉઘરાવી રમાડતો હતોઃ અડધા લાખની રોકડ કબ્જે થઇ : એભલભાઇ બરાલીયા અને ધર્મેન્દ્રસિંહ ઝાલાની બાતમી : પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એમ. વી. રબારીની ટીમનો દરોડો

રાજકોટ તા. ૧૦: બાબરીયા કોલોની નજીક હસનવાડી-૩ બંધ શેરીમાં રહેતો નિરજ દિનેશભાઇ મસરાણી (ઉ.૩૪) ઘરમાં માણસો ભેગા કરી નાલ ઉઘરાવી જૂગાર રમાડતો હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી તેના સહિત ૬ને પકડી લઇ રૂ. ૫૨૪૦૦ની રોકડ અને ગંજીપાના કબ્જે કર્યા છે.

ડીસીબીની ટીમ દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્યારે એભલભાઇ બરાલીયા અને ધર્મેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળતાં નિરજ મસરાણીના હસનવાડીના ઘરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તે પ્રાઇવેટ નોકરી કરે છે અને અહિ ગિરીશભાઇ પટેલના મકાનમાં ભાડેથી રહે છે. પોલીસે નિરજ તથા બીજા પાંચ શખ્સો પિયુષ પ્રાણજીવન રાધનપુરા (ઉ.૪૨-રહે. કુંભારવાડા-૧૧), ભાવેશ પરષોત્તમભાઇ ડોબરીયા (ઉ.૪૫-રહે. સુભાષનગર મેઇન રોડ હરિ ધવા માર્ગ), કાદર બાવામિંયા કાદરી (ઉ.૫૮-રહે. રિધ્ધી સિધ્ધી સોસાયટી દૂધ સાગર રોડ બ્લોક નં. ૧૦૨૧/એમ), કિશોર બચુભાઇ ગમઢા (ઉ.૬૦-રહે. ચંદ્રેશનગર મેઇન રોડ વિશ્વનગર-૬) તેમજ ઇસ્માઇલ દાઉદભાઇ દલ (ઉ.૪૩-રહે. ભીસ્તીવાડ મોરબી હાઉસ પાસે)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રોકડ-ગંજીપાના કબ્જે કર્યા હતાં.

આ છમાંથી પિયુષ, કાદર, કિશોર અને ઇસ્માઇલ અગાઉ પણ જૂગાર રમતાં પકડાઇ ચુકયા છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એમ. વી. રબારી, એએસઆઇ જયુભા પરમાર, કોન્સ. એભલભાઇ બરાલીયા, પુષ્પરાજસિંહ જાડેજા, ધમભા ઝાલા, અશોકભાઇ ડાંગર અને સોકતભાઇ ખોરમે આ કામગીરી કરી હતી.

(2:53 pm IST)