Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ચેતન હાર્ડવેરની ૧૯ લાખની ચોરીમાં કર્મચારી સહિત ત્રણ પકડાયાઃ ૧૪ લાખ લઇ યુપીનો અઝીમ છનનન

પાંચ લાખનો ભાગ પાડવા જીલ્લા ગાર્ડન પાસે ભેગા થયા ને એ-ડિવીઝન પોલીસે બાતમી પરથી પકડી લીધા

વિરેન્દ્રસિંહ ઝાલા,  ક્રિપાલસિંહ ઝાલા અને કોન્સ. સાગરદાન દાતીની બાતમી પરથી પીઆઇ સી. જી. જોષી, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, એએસઆઇ બી. વી. ગોહિલ અને ટીમની કાર્યવાહી.

 રાજકોટ તા. ૧૦: કેનાલ રોડ પર આવેલી ચેતન હાર્ડવેર નામની દુકાનમાંથી પાંચ દિવસ પહેલા તા.૪ના રાત્રીના સમયે થયેલી રૂ. ૫,૦૬,૦૦૦ની રોકડની ચોરી થઇ હતી. એ-ડિવીઝન પોલીસે આ ભેદ ઉકેલી દૂકાનના જ એક કર્મચારી જંગલેશ્વરના શખ્સ સહિત ત્રણની ધરપકડ કરી રોકડ કબ્જે કરી છે. જો કે ચોરીનો આંક ૧૯ લાખ હોવાનું અને બાકીના ૧૪ લાખ પકડાયેલા પૈકીના બે શખ્સનો યુપીનો મિત્ર લઇને છનનન થઇ ગયાનું ખુલતાં તેની શોધખોળ હાથ ધરાઇ છે.

આ બનાવમાં પ્રહલાદ પ્લોટમાં રહેતાં ચેતન હાર્ડવેરવાળા વિવેકભાઇ પંકજભાઇ કોટકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પ્રારંભે આંકડો રૂ. ૫ લાખ હતો. પણ તપાસ કરતાં બીજા ખાનામાંથી પણ રોકડ ગઇ હોઇ કુલ રૂ. ૧૯ લાખની ચોરી થયાનું જણાયું હતું. ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા ટીમ કામે લાગી હતી તે દરમિયાન હેડકોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા તથા ક્રિપાલસિંહ ઝાલા અને કોન્સ. સાગરદાન દાતીને બાતમી મળી હતી કે ચેતન હાર્ડવેરમાં જ કામ કરતો  જંગલેશ્વર એકતા કોલોનીમાં રહતો ગુલામહુશેન ઉર્ફ મોહીન કાદરભાઇ બોઘાણી (ઉ.૨૧) તથા તેના બે મિત્રો જંગલેશ્વર ગાંધી સોસાયટી મેઇન રોડ જ્ઞાનોદય સ્કૂલ પાસે રહેતો અવેશ ગફારભાઇ પીલુડીયા (ઉ.૨૦) તથા જંગલેશ્વર-૩૨માં રહેતો ઇમરાન કાદરભાઇ પીપરવાડીયા (ઉ.૩૦) જીલ્લા ગાર્ડમાં પૈસાનો ભાગ પાડવા ભેગા થયા છે.આ માહિતીને આધારે ત્રણેયને પકડી લઇ તલાશી લેતાં રૂ. ૫,૦૬,૦૦૦ની રોકડ મળી હતી. આકરી પુછતાછમાં આ ચોરી ચેતન હાર્ડવેરમાંથી કરી હોવાનું અને બાકીના ૧૪ લાખ મુળ યુપીનો અઝીમ શમશાદ પઠાણ લઇને ભાગી ગયાનું કબુલ્યું હતું. 

પકડાયેલા પૈકીનો અવેશ ઇંડાની લારી રાખી ધંધો કરે છે, ઇમરાન રિક્ષા હંકારે છે. આ બંનેને પૈસાની જરૂર હતી અને ગુલામહુશેન પણ આર્થિક ભીંસમાં હોઇ દૂકાનમાં મોટી રોકડ હોવાની જાણ હોવાથી આ બંનેને ચોરીની ટીપ આપી હતી. રોકડ યુપીના અઝીમના ઘરે રાખી હતી. જે અઝીમ લઇને ભાગી ગયો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે.એસ.ગેડમની સુચના મુજબ આ કામગીરી પીઆઇ સી. જી. જોષી, પીએઅસાઇ જે. એમ. ભટ્ટ, એએસઆઇ ભરતસિંહ વી. ગોહીલ, હેડકોન્સ. વીરેન્દ્રસિંહ ઝાલા, કે. એસ. ઝાલા, કોન્સ. હરપાલસીહ જાડેજા, સાગરદાન દાંતી, હરવિજયસિંહ ગોહિલ અને મેરૂભા ઝાલાએ કરી હતી.

(2:55 pm IST)