Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

બિરેન્દ્ર ભૈયાને કિશન દેત્રોજાએ બેફામ ફટકારી ડિવાઇડર પર સુવડાવી દેતાં ત્યાં જ મોત થયુ'તું

આજીડેમ પોલીસે ભેદ ઉકેલી આરોપી કિશન દેત્રોજાને દબોચ્યોઃ ઘટના નજરે જોનારા પણ મળ્યાઃ હત્યાનો ભોગ બનેલા બિરેન્દ્રને આગળ પાછળ કોઇ નહોતું: ૭મીએ સવારે છ વાગ્યે કિશને 'મારા ૧૫ હજાર આપી દે' કહી ધોલધપાટ ચાલુ કરી હતી : મારકુટ બાદ બિરેન્દ્ર પ્રોવિઝન સ્ટોર સામે સુઇ ગયેલોઃ કોઇએ પાણી પણ પીવડાવ્યું'તું: એ પછી કિશન એકટીવામાં હકાભાઇની મદદથી બિરેન્દ્રને વચ્ચે બેસાડી સામેના ડિવાઇડર પર સુવડાવી આવ્યો હતો

રાજકોટ તા. ૧૦: ગોંડલ રોડ ચોકડીથી આગળ શિવ હોટેલ પાસે રવેચીનગર સામેની સાઇડમાંથી શુક્રવારે મળી આવેલી અજાણ્યા યુવાનની લાશનું શનિવારે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ થતાં મારના નિશાન મળ્યા હોઇ હત્યા થઇ હોવાનું જણાતાં આજીડેમ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને કલાકોમાં ભેદ ઉકેલી નાંખ્યો હતો. હત્યાનો ભોગ બનનાર યુવાન મુળ ઉત્તરપ્રદેશનો વતની બિરેન્દ્ર ભૈયો હતો. તે વર્ષોથી જેની સાથે રહેતો હતો એ ગુનેગાર કિશન વિનુભાઇ દેત્રોજાએ જ તેને ૧૫ હજારની ઉઘરાણી મામલે ધોકાથી માર મારી પતાવી દીધાનું ખુલ્યું છે. ૭મીએ વહેલી સવારે કિશને 'મારા પંદર હજાર આપી દે' કહી બિરેન્દ્રની ધોલધપાટ ચાલુ કરી હતી. લોકોએ તેનેનહિ મારવા સમજાવ્યો હતો. એ પછી બિરેન્દ્ર નજીકમાં સુઇ ગયો હતો. તેને કિશને બીજા એક શખ્સની મદદ લઇ એકટીવામાં વચ્ચે બેસાડી નજીકના રોડ ડિવાઇડર પર સુવડાવી ચાદર ઓઢાડી દીધી હતી. અહિ સુતેલી હાલતમાં જ તે મોતને ભેટ્યો હતો.

લાશની ઓળખ કરવા આજીડેમ પોલીસ રવેચીનગરમાં પહોંચી હતી ત્યારે હત્યાનો ભોગ બનનાર શખ્સ યુપીનો બિરેન્દ્ર ભૈયો હોવાનું અને તે રવેચીનગરમાં બજરંગ સોસાયટી-૩માં સંગીતાબેનના મકાનમાં ભાડેથી રહેતાં કિશન વિનુભાઇ દેત્રોજા સાથે વર્ષોથી રહેતો હોવાનું લોકોએ કહ્યું હતું. વધુ તપાસ કરતાં આ વિસ્તારના દેવાભાઇ મોમભાઇ ઝાપડા (ઉ.૨૮) પોલીસને મળ્યા હતાં અને સમગ્ર ઘટના કઇ રીતે બેની તેની માહિતી આપતાં પોલીસે તેને જ ફરિયાદી બનાવી કિશન દેત્રોજા સામે હત્યાનો ગુનો નોંધી તેને સકંજામાં લીધો હતો.

દેવાભાઇ ઝાપડાએ પોલીસને કહ્યું હતું કે બિરેન્દ્રને બધા બિરેન્દ્ર ભૈયા તરીકે જ ઓળખે છે. તે વર્ષોથી આ વિસ્તારમાં રહેતો હતો. તેને આગળ પાછળ કોઇ નથી અને તેનું પુરુ નામ પણ કોઇને આવડતું નથી. હાલમાં તે કિશન દેત્રો સાથે રહેતો હતો. તા. ૭ના સવારે છએક વાગ્યે નળ આવતાં બધા શેરીમાં પાણી ભરતાં હતાં ત્યારે કિશન શેરીમાં બિરેન્દ્રને લાકડાના બડીકાથી મારતો હતો અને 'મારા પંદર હજાર આપી દે' તેમ કહેતો હતો. બિરેન્દ્ર પણ પોતે દ્વારકાધીશ દુકાનવાળા ભાઇ પાસેથી રૂપિયા ઉછીના લઇને આપી દેશે તેમ કહેતો હતો.

આમ છતાં કિશન તેને ગાળો દઇ વધુ માર મારતો હતો. જેથી લોકોએ તેને નહિ મારવા સમજાવતાં કિશને 'ભૈયો મરી જાય તો ભલે મરી જાય' તેમ કહી બિરેન્દ્રને ત્યાં જ છોડી દીધો હતો અને જતો રહ્યો હતો. એ પછી બિરેન્દ્ર દ્વારકાધીશ પ્રોવિઝન સામે સુઇ ગયો હતો. તેને પાણી પીવુ હોઇ એક યુવાને દસ રૂપિયાની બોટલ લઇને પાણી પીવડાવ્યું હતું.

ત્યારબાદ સાતેક વાગ્યે કિશન વિસ્તારના હકાભાઇને લઇને એકટીવા પર આવ્યો હતો અને બિરેન્દ્ર ભૈયાને એકટીવામાં વચ્ચે બેસાડી રવેચીનગરની સામેની સાઇડ રોડ ડિવાઇડર સુધી લઇ ગયો હતો. ત્યાં ડિવાઇડર પર બિરેન્દ્રને સુવડાવી માથે ચાદર ઓઢાડી દીધી હતી. ત્યારપછી બપોરબાદ ૧૦૮ આવી હતી અને બિરેન્દ્રને મૃત જાહેર કર્યો હતો. હત્યાના ગુનામાં આરોપી કિશન દેત્રોજાને પકડી લેવાયો છે. તે અગાઉ ૨૦૨૦માં રિક્ષામાં મુસાફરોને બેસાડી ખિસ્સા કાપવાના ગુનામાં પકડાયો હતો. મરનાર પણ તેની સાથે આવા ગુના આચરતો હોવાની શકયતા છે. પોલીસે આરોપી કિશન દેત્રોજાને સકંજામાં લઇ પુછતાછ આદરી છે. બિરેન્દ્ર ઉછીના લઇ ગયેલા પૈસા આપતો ન હોઇ માથાકુટ થયાનું કિશને રટણ કર્યુ હતું.

પોલીસ કમીશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એચ. એલ. રાઠોડની  સુચના મુજબ આ કામગીરી પીઅઇ વી.જે.ચાવડા તથા પો.સબ ઇન્સ. એમ.ડી.વાળા, એએસઆઇ જાવેદભાઇ રિઝવી, એએસઆઇ વાય. ડી. ભગત, હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા,  કૌશેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. કુલદિપસિંહ જાડેજા, જયપાલભાઇ બરાળીયા તથા ભીખુભાઇ મૈયડે કરી હતી.

(3:32 pm IST)