Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ગુરૂવાર સુધી ઠંડી યથાવત રહેશે : અશોકભાઈ પટેલ

મંગળ-બુધ-ગુરૂ ઠંડીનો પારો ૮ થી ૧૧ ડિગ્રી વચ્ચે ઘૂમતો જોવા મળશે : ૧૪મીથી ફરી તાપમાન વધવા લાગશે : ૧૭મી સુધીમાં નોર્મલ તરફ પહોંચી જશે : દિવસનું તાપમાન પણ વધશે : મુખ્યત્વે વાતાવરણ ચોખ્ખુ રહેશે : તા.૧૧ થી ૧૭ જાન્યુઆરી સુધીની આગાહી

રાજકોટ, તા. ૧૦ : સમગ્ર રાજયમાં ઠંડીનો જોરદાર રાઉન્ડ છે ત્યારે હજુ આવતા ગુરૂવાર સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. તા.૧૧-૧૨-૧૩ મંગળ-બુધ-ગુરૂ ન્યુનતમ તાપમાન ૮ થી ૧૧ ડિગ્રી વચ્ચે જ જોવા મળશે. ૧૪મી જાન્યુઆરીથી ફરી ન્યુનતમ તાપમાનમાં ક્રમશઃ વધારો થતો જશે. ૧૭મી સુધીમાં ન્યુનતમ તાપમાન નોર્મલ તરફ પહોંચી જશે. દિવસના તાપમાનમાં પણ વધારો થશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે ગત ૩ જાન્યુઆરીએ આપેલ આગાહી મુજબ માવઠુ થશે અને ત્યારબાદ ઠંડી વધશે. તે અનુસંધાને માવઠુ થયેલ અને ઠંડીમાં પણ વધારો થયો છે. આજે ન્યુનતમ તાપમાનનો પારો સિંગલ ડીજીટમાં પહોંચી ગયો છે. જેમ કે ગાંધીનગર ૭.૧, કેશોદ ૮.૮, વડોદરા, કંડલા એરપોર્ટ ૮.૯, અમદાવાદ ૯.૮, ડિસા ૯.૫, રાજકોટ ૯.૭ ડિગ્રી તાપમાન નોંધાયેલ. વડોદરામાં નોર્મલથી ૫ ડિગ્રી નીચુ તાપમાન નોંધાયેલ. એટલે કે કોલ્ડવેવ કહેવાય.

રાજકોટમાં હાલ નોર્મલ ન્યુનતમ તાપમાન ૧૩ ડિગ્રી ગણાય. તેવી જ રીતે મહત્તમ તાપમાન ગઈકાલે અમદાવાદ ૨૪, રાજકોટ ૨૪.૫ (બંને નોર્મલથી ૪ ડિગ્રી નીચું), વડોદરા ૨૪.૧ અને ડિસા ૨૪.૨ (બંને નોર્મલથી ૫ ડિગ્રી નીચુ) તાપમાન નોંધાયેલ.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૧૧ થી ૧૭ જાન્યુઆરી સુધીની આગાહી કરતાં જણાવેલ કે તા.૧૧-૧૨-૧૩ મંગળ-બુધ-ગુરૂના ઠંડીનું જોર યથાવત રહેશે. ન્યુનતમ તાપમાનનો પારો ૮ થી ૧૧ ડિગ્રી વચ્ચે જોવા મળશે. ત્યારબાદ ૧૪મી જાન્યુઆરીથી દરરોજ આંશિક વધારો થતો જશે. ૧૭મી સુધીમાં ન્યુનતમ તાપમાન હાલના પ્રવર્તતા તાપમાન કરતાં ચારેક ડિગ્રી વધી જશે. એટલે કે નોર્મલ આજુબાજુ આવી જશે. દિવસનું તાપમાન પણ ૧૭મી જાન્યુઆરી સુધીમાં વધી જશે. પવન ઉત્તર પૂર્વના ૧૦ થી ૨૦ કિ.મી.ની ઝડપે ફૂંકાશે. વાતાવરણ મુખ્યત્વે ચોખ્ખુ રહેશે.

(3:57 pm IST)