Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

સમાધાન માટે આવેલા સાળાને સલિમભાઇએ છરી ઝીંકતા બે સાળા સહિત ૭ જણે પત્નિ-બે ભાણેજની નજર સામે તેને રહેંસી નાંખ્યા

તારા માવતર સાથે મારે વ્યવહાર નથી છતાં તું કેમ તારી ભત્રીજીની સગાઇમાં કીધા વગર ગઇ?...પતિએ પત્નિ સાથે શરૂ કરેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો : મામા સલિમભાઇને બચાવવા વચ્ચે પડેલા બે ભાણેજ બિલાલ ઉર્ફ જીશાન અને અકરમને પણ ઇજાઃ સલિમભાઇના બે સાળા સાજન, વિજય તથા તેના સગાઓ સંજય, કેવલ, અશ્વિન, લાંબા વાળવાળો અને સંજયનો ભાઇ તલવાર-ધારીયા-કુહાડા-છરી-પાઇપ-ધોકાથી તૂટી પડ્યા ને ક્રુરતાથી લોથ ઢાળી દીધી : સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં હત્યા-હુમલાની ઘટનામાં સામ-સામી ફરિયાદઃ એક સકંજામાં, છ ફરાર

તસ્વીરમાં ઘટના સ્થળે સલિમભાઇનો લોહીભીનો મૃતદેહ, તેનો ફાઇલ ફોટો, ભાઇઓના હાથે જ પતિ ગુમાવનાર મીરાબેન, ઘટના સ્થળે પોલીસ અધિકારીઓ તથા ઘટના સ્થળે મામાને બચાવવા જતાં ઘાયલ થયેલા બે ભાણેજ બિલાલ ઉર્ફ જીશાન અને અકરમ તથા સૌથી છેલ્લે હત્યાનો ભોગ બનનારનો સાળો સાજન સારવાર હેઠળ નજરે પડે છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૦: ખોખડદળ નદી કાંઠે સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતાં અને છુટક કામ કરતાં સલિમભાઇ દાઉદભાઇ અજમેરી નામના યુવાનને તેના જ બે સાળા અને સાળાના સગાઓ મળી ૭ જણાએ આડેધડ ધારીયા, છરી, તલવાર, કુહાડા, ધોકા, પાઇપના ઘા ઝીંકી તેના બે ભાણેજ અને પત્નિની નજર સામે જ ક્રુરતાથી રહેંસી નાંખતા અરેરાટી વ્યાપી ગઇ હતી.  હત્યાનો ભોગ બનનાર સલિમભાઇની પત્નિ મીરાબેન પતિને કીધા વગર પોતાની ભત્રીજીની સગાઇમાં ગઇ હોઇ તે કારણે શરૂ થયેલો ઝઘડો પતિ સલિમભાઇની હત્યા સુધી પહોંચ્યો હતો. આ ઝઘડાના સમાધાન માટે ઘરે આવેલા સાળાને સલિમભાઇએ ગાળો દઇ છરી ઝીંકી દેતાં વાત વણસી હતી અને તેની લોથ ઢળી હતી. થોરાળા પોલીસે સામ સામી બે ફરિયાદ નોંધી છે.

સમગ્ર ઘટનાની વિગતો જોઇએ તો પોલીસે આ બનાવમાં હત્યાનો ભોગ બનેલા સલિમભાઇ દાઉદભાઇ અજમેરી (ઉ.વ.૩૨)ના ભાણેજ જંગલેશ્વર મેઇન રોડ રાધાકૃષ્ણનગર-૧૩માં રહેતાં અને સિઝનેબલ ધંધો કરતાં તેના ભાણેજ બિલાલ ઉર્ફ જીશાન સલિમભાઇ અજમેરી (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી હત્યાનો ભોગ બનેલા સલિમભાઇના સાળા સાજન પ્રભાતભાઇ સોલંકી, વિજય પ્રભાતભાઇ, સંજય ઉમેશભાઇ, કેવલ ભરતભાઇ, અશ્વિન સુરેશભાઇ, એક લાંબા વાળવાળો શખ્સ તથા સંજયના ભાઇ વિરૂધ્ધ આઇપીસી ૩૦૨, ૩૨૬, ૩૨૪, ૫૦૪, ૪૪૯, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ (૧) મુજબ રાયોટીંગ-હત્યાનો ગુનો નોંધ્યો છે.

બિલાલ ઉર્ફ જીશાને પોલીસને જણાવ્યું છે કે હું કુટુંબ સાથે રહુ છું. અમે પાંચ ભાઇ બહેન છીએ. મારા કૌટુંબીક મામા સલિમભાઇ દાઉદભાઇ અજમેરી તેના કુટુંબ સાથે ખોખડદળ નદીના પુલ પાસે નદી કાંઠે સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતાં હતાં. તેણે આઠેક વર્ષ પહેલા કોઠારીયા ચોકડી પાસે શાંતિનગર મફતીયાપરામાં રહેતી મીરા પ્રભાતભાઇ સોલંકી (દેવીપૂજક) સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. મામા સલિમભાઇના કુટુંબીજનો મોરબી વીસીપરાની ફુલછાબ સોસાયટીમાં રહે છે. સલિમભાઇને ત્રણ ભાઇ અને ત્રણ બહેનો છે.

મંગળવારે તા. ૯/૨ના બપોરે હું મારું એકટીવા લઇને કામ સબબ બહાર હતો ત્યારે ભકિતનગર સર્કલ પાસે પહોંચતા મામા સલિમભાઇએ મને ફોન કરી જણાવેલું કે તારા મામી સાથે બોલાચાલી થઇ છે, તું સમજાવવા મારા ઘરે આવ. આથી મેં મારા નાના ભાઇ અકરમને વાત કરતાં તેણે મને કહેલું કે હું અને મમ્મી નસીમબેન અહિ સલિમમામાના ઘરે જ છીએ. આથી હું પણ બાઇક લઇને ત્યાં જવા નીકળ્યો હતો. ઘરમાં મામા સલિમભાઇ, મામી મીરાબેન, મારો ભાઇ અકરમ, મારા મમ્મી નસીમબેન અને હું હતાં.

મને જાણવા મળ્યું હતું કે મામી મીરાબેન મારા મામા સલિમભાઇને કહ્યા વગર તેના ભાઇની દિકરીની શાંતિનગરમાં સગાઇ હોઇ ત્યાં જવા નીકળેલ હતાં. મામાને મામીના માવતર પક્ષ સાથે વ્યવહાર ન હોઇ મામી કહ્યા વગર ત્યાં ગયાનું સલિમમામાને જાણવા મળતાં એ બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. હું મામા-મામી બંનેને ઝઘડો નહિ કરવા સમજાવતો હતો. એ પછી મારા મમ્મીને મેં સલિમમામાના બંને છોકરાઓને લઇને અમારા ઘરે જતાં રહેવા રવાના કર્યા હતાં. ત્યારબાદ સલિમમામાએ મીરામામીના બંને ભાઇઓ સાથે ફોનથી વાત કરી હતી. મામીના ભાઇ સંજયએ ફોનમાં ઝઘડો કર્યો હતો. એ વખતે બપોરના સાડા ત્રણેક વાગ્યા હતાં.

એ પછી હું, ભાઇ અકરમ, સલિમમામા અને મામી રૂમમાં બેઠા હતાં ત્યારે ડેલી અંદરથી બંધ હતી. એ પછી સલિમમામાના સાળા સાજન પ્રભાત ધારીયા સાથે, વિજય પ્રભાત છરી સાથે અને સાળાઓના સગા સંજય ઉમેશ કુહાડો લઇને તેમજ કેવલ ભરતભાઇ તલવાર સાથે, અશ્વિન સુરેશભાઇ પાઇપ સાથે અને સંજયનો ભાઇ ધોકા સાથે તથા એક લાંબા વાળવાળો શખ્સ તલવાર લઇને ઘરમાં આવી ગયા હતાં અને મામાને ગાળો દેવા માંડ્યા હતાં તેમજ 'ફોનમાં શું ધમકી આપતો'તો?' તેમ કહી ઝઘડો કરતાં મેં આ લોકોને ઝઘડો ન કરવા સમજાવ્યા હતાં.

એ દરમિયાન સાજન, વિજય, સંજય, કેવલે સલિમમામાને આડેધડ તલવાર, ધારીયા, છરી અને કુહાડીના ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. અશ્વિન અને સંજયના ભાઇએ પાઇપ અને ધોકાથી તથા લાંબા વાળવાળાએ તલવારથી મારા મામાને ઘા ઝીંકયા હતાં. જેથી મામા રૂમમાં પડી ગયા હતાં. હું છોડાવવા વચ્ચે પડતાં મને કેવલે તલવારનો ઘા માથામાં મારી દીધો હતો.  તેમજ અશ્વિન અને સંજયએ પાઇપ-ધોકાના ઘા ફટકાર્યા હતાં. મારા ભાઇ અકરમને પણ છોડાવવા આવતાં વિજય, અશ્વિન અને સંજયના ભાઇએ છરી, ધોકા, પાઇપના ઘા માર્યા હતાં.

રાડારાડ દેકારો થતાં આ બધા ભાગી ગયા હતાં. મામા સલિમભાઇ લોહીલુહાણ થઇ ગયેલા પડ્યા હતાં. તેને છાતી, વાંસા, કમર, બંને હાથના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. મને કપાળ, ડાબા પગ અને શરીરે તથા મારા ભાઇને ડાબા હાથ, ડાબા પગ અને પેડુના ભાગે ઇજા થઇ હતી. કોઇએ ૧૦૮ બોલાવતાં તેના ડોકટરે સલિમમામાને મૃત જાહેર કર્યા હતાં. ત્યાં મારા મમ્મી, દાદી અને બીજા સગા આવી ગયા હતાં. અમને બંને ભાઇઓને હોસ્પિટલે ખસેડ્યા હતાં.

હત્યા-હુમલાનું કારણ એ છે કે સલિમમામાને તેના સાસરિયા સાથે વ્યવહાર ન હોઇ છતાં મીરામામી તેમને પુછ્યા વગર તેના માવતરે જતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી મામીએ તેના ભાઇઓને બોલાવ્યા હતાં અને તેણીના ભાઇઓ, તેના સગા સહિતે સશસ્ત્ર હુમલો કરતાં મામાની હત્યા થઇ હતી અને અમને બે ભાઇઓને ઇજા થઇ હતી. તેમ વધુમાં બિલાલ ઉર્ફ જીશાને જણાવતાં પોલીસે તે મુજબ એફઆઇઆર દાખલ કરી હતી.

સામા પક્ષે મુખ્ય આરોપી કોઠારીયા રોડ હુડકો ચોકડી પાસે શાંતિનગર મફતીયાપરામાં રહેતો સાજન પ્રભાતભાઇ સોલંકી (ઉ.વ.૩૨) પણ ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેણે હત્યાનો ભોગ બનેલા બનેવી સલિમભાઇ દાઉદભાઇ અજમેરી વિરૂધ્ધ ફરિયાદ કરતાં પોલીસે આઇપીસી ૩૨૪, ૫૦૪ મુજબ ગુનો નોંધ્યો હતો.

સાજને પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે હું કુટુંબ સાથે રહુ છું અને ગેસ લાઇટરના કારખાનામાં કામ કરુ છું. અમે પાંચ ભાઇ-બહેનો છીએ. જેમાં બીજા નંબરની બહેન મીરાબેને આઠ વર્ષ પહેલા સલિમ દાઉદભાઇ અજમેરી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. તેને સંતાનમાં બે દિકરા છે. અમારે બનેવી સલિમભાઇ સાથે કોઇ વ્યવહાર નહોતો. ૯/૨ના મારા મોટા ભાઇ વિજયભાઇની કિદરી રોશનીની સગાઇ હોઇ મારી બહેન મીરાબેન તથા પતિ સલિમને કહ્યા વગર અમારા ઘરે સગાઇમાં આવી હતી અને થોડીવાર રોકાઇ હતી. એ પછી મારી બહેને કહ્યું હતું કે હું અહિ આવી છું તેની સલિમને ખબર પડી ગઇ છે...તેમ કહી તે જતી રહી હતી.

ત્યારબાદ મારા બનેવી સલિમભાઇએ મારા બેન કંચનબેનના ફોનમાં ફોન કરી ઝઘડો કરી મને ગાળો દઇ કહેલું કે 'તારી બહેન મને કીધા વગર ત્યાં સગાઇમાં આવી હતી એટલે અમારે બોચાલી થઇ છે, તમે મારી માફી માંગી જાવ અને સમાધાન કરી જાવ'. આ વાત બનેવી સલિમભાઇએ કરતાં મારા મમ્મી હંસાબેન, મારી ઘરવાળી સંગીતા, કૌટુંબીક માસી મીનાબેન બપોરે દોઢેક વાગ્યે સમાધાન માટે ગયા હતાં. પણ બનેવીએ 'બૈરાઓ નહિ જણને મોકલજો' તેમ કહેતાં આ બધા પાછા આવી ગયા હતાં. એ પછી બપોર બાદ હું, મારો ભાઇ વિજય, મામાનો દિકરો સંજય, કૌટુંબીક બનેવીના ભાઇ કેવલ, જ્ઞાતિના અશ્વિન સુરેશભાઇ એમ બધા બનેવીના ઘરે મોટર સાઇકલ લઇને ગયા હતાં.

અમે ઘરમાં જતાં બનેવી સલિમભાઇ તથા તેના કૌટુંબીક ભાણેજો અકરમ અને બિલાલ તથા અમારા બહેન મીરાબેન ત્યાં હતાં. બનેવીને અમે ઝઘડો નહિ કરવા સમજાવ્યા હતાં કે અમારા બહેન કીધા વગર આવ્યા હોઇ  તેની ભુલ થઇ છે, અમે માફી માંગીએ છીએ. આમ કહેવા છતાં બનેવી સલિમભાઇએ અમને ભુંડાબોલી ગાળો દેવાનું ચાલુ કરતાં અને મને જમણા બાવણા પર તેણે છરીનો એક ઘા ઝીંકી દેતાં લોહી નીકળવા લાગતાં હું બહાર નીકળી ગયો હતો. અશ્વિન મને રણુજા મંદિર પાસે બાઇક પર મુકી ગયો હતો. ત્યાંથી ૧૦૮માં હું હોસ્પિટલે પહોંચ્યો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરી-સુચના મુજબ પીઆઇ જી. એમ. હડીયા, પીએઅસાઇ જી. એસ. ગઢવી, પીએસઆઇ બરવાડીયા, અજીતભાઇ ડાભી, કેલ્વીનભાઇ સાગર અને ડી. સ્ટાફની ટીમોએ ઘટના સ્થળે, હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી ફરિયાદો નોંધી હતી. એક આરોપી સાજન હોસ્પિટલમાં દાખલ હોઇ તેને રજા અપાયે અટકાયતમાં લેવાયો છે. બાકીના છ આરોપીને શોધી કાઢવા દોડધામ થઇ રહી છે.

સલિમભાઇએ સાસરિયાને ફોન કરી કહ્યું-માફી માંગી જાવઃ સાસુ-માસીજી સહિતના આવતાં  'બૈરા નહિ, જણને મોકલજો' કહી પાછા ધકેલ્યાઃ એ પછી 'જણ' આવ્યા ને 'જીવ' ગયો

હત્યાનો ભોગ બનનાર સલિમભાઇ વિરૂધ્ધ પણ તેના સાળા સાજન પ્રભાતભાઇએ ફરિયાદ કરી છે. સાજને કહ્યું હતું કે અમારી બહેન સગાઇમાં આવી તે બાબતે બનેવીએ તેની સાથે ઝઘડો કરી અમને ફોન કરી માફી માંગી જવા કહેતાં મારા મમ્મી, માસી, મારી પત્નિ સહિતના બનેવીના ઘરે તેમની માફી માંગવા, સમાધાન કરવા ગયા હતાં. પરંતુ તેણે 'જણને મોકલજો' તેમ કહી આ બધાને પાછા ધકેલી દેતાં બપોર પછી અમે બે ભાઇઓ અને અમારા સગા બનેવીના ઘરે ગયા હતાં અને અમારી બહેનની ભુલ થઇ ગઇ, અમને માફ કરી દો...તેમ કહી માફી માંગી હતી. આમ છતાં તેણે મને (સાજનને) છરીનો ઘા ઝીંકી દીધો હતો અને એ પછી ઝઘડો વકર્યો હતો.

જો સલિમભાઇએ સાસુ-માસીજી-સાળાવેલી આવ્યા તેની માફી માન્ય રાખી લીધી હોત તો કદાચ વાત હત્યા સુધી પહોંચી ન હોત તેવું સાજનની વાત પરથી તારણ નીકળે છે.

(1:55 pm IST)