Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

પત્રકારને ધમકી આપનાર ભાજપના ધારાસભ્યને જેલ ભેગા કરોઃ કલેકટરને રજૂઆત

જીવનાં જોખમે લોકો સુધી સમાચારો પહોચાડનાર પત્રકારોને સુરક્ષા જરૂરીઃ રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એસો.નું આવેદન

પત્રકારોને ધમકી અંગે કલેકટરને આવેદન પત્ર પાઠવતાં પ્રેસ ફોટોગ્રાફરો તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીર :- સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧ :.. પત્રકારને ધમકી આપનાર વડોદરાનાં ભાજપ ધારાસભ્ય સાથે કડક કાયદાકિય પગલા લઇ તેઓને જેલ ભેગા કરવા અંગે રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એસો. દ્વારા કલેકટરને આવેદન પાઠવી અને રજુઆત કરી હતી. આ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતના સાંસ્કૃતિ નગરી તરીકે ઓળખાતા વડોદરામાં ભાજપના ધારાસભ્ય દ્વારા મંતવ્ય ન્યુઝ ચેનલના પત્રકાર અમિત ઠાકોરને ઓન કેમેરા મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના અહેવાલો પ્રસિધ્ધ થયા છે.

ત્યારે ભારતમાં લોકશાહીને જીવંત રાખવા માટે લોકશાહીના ચોથા સ્થંભના પ્રહરીઓ સતત જીવના જોખમે સમાચારો લોકો સુધી પહોંચાડે છે.  દેશની અંદર નાનામાં નાના લોકોનો અવાજ બનીને કાર્ય કરે છે ત્યારે તેને બંધારણે આપેલા સવાલ પુછવાના હકકને લઇને કોઇ વ્યકિત દ્વારા સરાજાહેર ધમકી આપવાનું કૃત્ય કરવું એ લોકશાહી માટે ખતરા સમાન છે. રાજયના મુખ્યમંત્રી કહી ચુકયા છે કે રાજયને ગુંડામુકત કરવું છે ત્યારે આ પ્રકરણમાં રાજય સરકારે બનાવેલ ગુજસી કોટ હેઠળ કેસ દાખલ કરી જેલમાં પુરવા અને તેની ગેંગના અને તેને સાથ આપનારા તમામ સામે ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરવા માંગ છે.

(3:59 pm IST)