Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

જૈન સમાજના રાજકોટમાં ૮ અને અમદાવાદમાં ૪ મહાસતીજીઓ કોરોના પોઝીટીવ

રાજકોટમાંથી વધુ ૩ મહાસતીજીઓના RT-PCR ટેસ્ટ માટે સેમ્પલ મોકલાયા છે : શ્રાવક-શ્રાવીકાઓમાં પૂ. સાધુ-સાધ્વીજીઓના દર્શન-વંદન બંધ કરવા ઉઠતો સુર

રાજકોટ તા. ૧૦ :.. કોરોનાએ આખા વિશ્વમાં કહેર મચાવ્યો છે. અબાલ-વૃધ્ધ સૌ તેના સંક્રમણનો શિકાર બની રહ્યા છે, ત્યારે રાજકોટમાં બિરાજીત જૈન સમાજના ૮ મહાસતીજીઓ કોરોના પોઝીટીવ આવતા ચિંતાની લાગણી પ્રસરી ગઇ છે.

શહેરના દિવાનપરા સંઘાણી ઉપાશ્રયમાં બિરાજમાન પૂ. જયશ્રીજી મ.સ. આ. ઠા.-૩, પૂ. ગુરૂદેવ રાજેશમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ. ચંદનજી મ.સ., પૂ. કુસુમજી મ.સા., પૂ. મૈત્રીજી મ.સ., અને પૂ. રશ્મિતાજી મ.સ.નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

જયારે પૂ. ગુરૂદેવ ધીરજમુની મ. સા. ના આજ્ઞાનુવર્તી તપસ્વી પૂ. પદ્માજી મ.સ.ને પણ કોરોના સંક્રમણ થયું છે. હાલ બધા પૂ. મહાસતીજીઓ ઉપાશ્રયોમાં કવોરન્ટાઇન છે.

ઋષભદેવ ઉપાશ્રયમાં ૪ મહાસતીજીઓ, વોકહાર્ટ હોસ્પીટલની સામે સુભાષભાઇ મહેતાના એપાર્ટમેન્ટમાં ર અને સંઘાણી ઉપાશ્રયમાં ૩ મહાસતીજીઓ કવોરન્ટાઇન થયા છે. જૈન સમાજમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી ગઇ છે અને દર્શન - વંદન બંધ કરવા સમાજમાં સૂર ઉઠયો છે.

ઉપરાંત અમદાવાદ ખાતે ગોંડલ સંપ્રદાયના ઉત્તમ પરિવારના પૂ. ચંદનબાઇ મ. સ. આ. ઠા.-૪, મહાસતીજીઓ પણ કોરોનાગ્રસ્ત થયા. તેઓ ઉપાશ્રયમાં કવોરન્ટાઇન થયેલ છે. તેમની તબીયત સારી છે.

જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાંથી એક વરિષ્ઠ મહાસતીજી સહિત ૩ મહાસતીજીઓના આરટી-પીસીઆર. ટેસ્ટ માટે સેમ્પલ મોકલાયા છે. જેનો બપોરે રિપોર્ટ આવવાની શકયતા છે.

(11:45 am IST)