Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

રાજકોટ ચેમ્બરના 'સ્વૈચ્છીક-સ્વયંભુ' વેપાર-ધંધા લોકડાઉનના એલાનનો ફીયાસ્કોઃ તમામ બજારો-દુકાનો ખુલ્લીઃ સંકલનના અભાવના આરોપો

રાજકોટઃ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કોરોનાની ચેઈન તોડવા માટે શનિ-રવિ વેપાર-ધંધા સ્વૈચ્છીક-સ્વયંભુ બંધ રાખવાના આપેલા એલાનનો ફીયાસ્કો થયો હોવાનું જાણવા મળે છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા છેલ્લા બે-ત્રણ દિવસથી લોકડાઉન લાદવા સરકાર ઉપર દબાણ લાવવામાં આવ્યુ હતુ અને સરકારને એવી ચિમકી આપવામાં આવી હતી કે જો સરકાર કોઈ નિર્ણય નહિ લ્યે તો રાજકોટના તમામ વેપારીઓ શનિ-રવિ વેપાર-ધંધા બંધ રાખશે. સરકારે લોકડાઉનની જાહેરાત નહિ કરતા ચેમ્બરે શનિ-રવિ વેપાર-ધંધા બંધ રાખવાનું એલાન આપ્યુ હતુ. જે માટે એવો દાવો કરવામાં આવ્યો હતો કે તમામ એસોસીએશનોને વિશ્વાસમાં લઈ બે દિવસના લોકડાઉનનું એલાન કરવામાં આવ્યુ છે પરંતુ આજે જ્યારે લોકડાઉનનો અમલ શરૂ થાય તે પહેલા જ રાજકોટની મોટાભાગની બજારો જેમ કે યાજ્ઞિક રોડ, પરાબજાર, દાણાપીઠ, ગુંદાવાડી, લાખાજીરાજ રોડ, સોનીબજાર, પેલેસ રોડ, ઘી કાંટા રોડ, ગરેડીયા કુવા રોડ, રૈયા રોડ, મવડી રોડ, સાંગણવા ચોક, ધર્મેન્દ્ર રોડ, દિવાનપરા મેઈન રોડ, કોઠારીયા નાકા સહિતના વિસ્તારોની બજારો અને દુકાનો રાબેતા મુજબ ખૂલી રહી હોવાનું જણાય રહ્યુ છે. ચેમ્બરના એલાનની કોઈ અસર જોવા મળી નથી અને વેપાર ધંધા રાબેતા મુજબ ધમધમતા જોવા મળી રહ્યા છે. રાજકોટ ચેમ્બરે શુભઆશયથી લોકડાઉનની તરફેણ કરી હતી પરંતુ આજના સંજોગોમાં વેપાર-ધંધા બંધ રાખવા કોઈને પોસાય તેમ ન હોવાથી અંદરખાને કોઈપણ લોકડાઉન માટે તૈયાર નહિ હોવાનું જાણવા મળે છે. એટલુ જ નહિ વેપારીઓનુ એવુ પણ કહેવુ છે કે ચેમ્બરે લોકડાઉનનું એલાન તો આપી દીધુ પરંતુ વિવિધ વેપારી એસોસીએશનોને સંપૂર્ણપણે વિશ્વાસમાં લેવામા આવ્યા નથી એટલુ જ નહિ લોકડાઉન માટે સંકલનનો પણ અભાવ જોવા મળ્યો હતો. જો કે ચેમ્બરે એવો દાવોે કર્યો હતો કે તમામ એસોસીએશનોનો અમોને લોકડાઉન માટે ટેકો પ્રાપ્ત થયો છે અને રાજકોટમાં બે દિવસ સ્વયંભુ - સ્વૈચ્છીક બંધ રહેશે. ચેમ્બરનું એવુ કહેવુ છે કે કોરોનાની ચેઈન તોડવા લોકડાઉન જરૂરી છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(12:50 pm IST)