Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

રાજકોટને ૧૦ હજાર રેમડેસીવિર ફાળવાયા : ગોટાળા કરનાર સામે ફોજદારી

પ્રત્‍યેક કોરોના દર્દીને જરૂરી સારવાર માટે તંત્ર સજ્જ છે : ૨૦૦૦ હજાર ઈન્‍જેકશન ખાનગી હોસ્‍પિટલ અને ૧૦૦૦ ગ્રામ્‍ય વિસ્‍તારને ફાળવી દેવાયા : સમરસ હોસ્‍ટેલમાં ૫૦૦ બેડ, સિવિલમાં ૫૬ બેડ તાત્‍કાલીક શરૂ કરાયા : સાંજ સુધીમાં વધુ ૧૮૦ બેડની સુવિધા થઈ જશે : ડે. કલેકટર પી.પી. પંડયા દ્વારા વિગતો જાહેર

રાજકોટ તા. ૧૦ : શહેરમાં કોરોના સંક્રમણ બેકાબુ બન્‍યું છે ત્‍યારે કલેકટર તંત્ર કોરોનાના દર્દીને જરૂરી સારવાર માટે સજ્જ છે તેમ ડે.કલેકટર પરિમલ પંડયાએ જાહેર કર્યું છે.

આ અંગે શ્રી પંડયાએ વિગતો જાહેર કરતા જણાવ્‍યું હતું કે સિવિલ કોવિડ હોસ્‍પિટલ માટે આજે ૧૦ હજાર રેમડેસીવિર ઇન્‍જેકશનનો જથ્‍થો ફાળવી દેવાયો છે.

જ્‍યારે ખાનગી કોવિડ હોસ્‍પિટલોને પણ ૨ હજાર રેમડેસીવિર આપી દેવાયા છે.

જ્‍યારે ગ્રામ્‍ય વિસ્‍તાર માટે પણ ૧૦૦૦ રેમડેસીવિર આપી દેવાયા છે. આમ, આજની સ્‍થિતિએ રાજકોટ શહેર - જિલ્લામાં રેમડેસીવિરનો જથ્‍થો ઉપલબ્‍ધ છે ત્‍યારે આ ઇન્‍જેકશન માટે જો કોઇ પણ હોસ્‍પિટલ કે ડોકટરો ગોટાળા કરતા હોવાની ફરિયાદ ઉઠશે તો તેની સામે સીધી ફોજદારી ફરિયાદ થશે.

જ્‍યારે દર્દીઓ માટે સમરસ હોસ્‍ટેલમાં ૫૦૦ બેડ તૈયાર કરી નંખાયા છે. સિવિલમાં ૫૬ વધુ બેડ રાખી દેવાયા છે.

ઉપરાંત સાંજ સુધીમાં વધુ ૧૮૦ બેડ ઉપલબ્‍ધ બનાવાશે. જેમાં ૧૨૦ બેડ, એચ.સી.જી. હોસ્‍પિટલમાં ૨૦ બેડ, બી.ટી.સવાણી કીડની હોસ્‍પિટલમાં ૨૫ અને શાંતિ હોસ્‍પિટલમાં ૨૦ બેડએ પ્રમાણે કોવિડ વોર્ડના બેડ ઉપલબ્‍ધ થઇ જશે.

આમ, કલેકટર તંત્ર કોરોનાના દર્દીઓ માટે બેડની અછત તથા દવા - ઇન્‍જેકશનોની અછત નિવારવા ઘનિષ્‍ઠ પગલા લઇ રહ્યું છે.

આમ, છતાં જો કોઇપણ હોસ્‍પિટલ સંચાલકો સામે કોવિડ બેડ, દવા કે ઇન્‍જેકશનની કૃત્રિમ અછત જેવા ગોટાળા કરતા હોવાની ફરિયાદ મળશે તો તુરંત જ તેની સામે ફોજદારી પગલા લેવાશે તેમ ડે.કલેકટર શ્રી પંડયાએ અંતમાં જણાવ્‍યું હતું.

 

(3:44 pm IST)