Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

કોરોના કાબુમાં લેવા હજુ કન્‍ટેન્‍ટમેન્‍ટ ઝોન કડક બનાવોઃ કેન્‍દ્રીય આરોગ્‍ય ટીમનું સૂચન

ટેસ્‍ટીંગ બુથ, ૧૦૪ એમ્‍બ્‍યુલન્‍સ, વેકસીનેશન, ધન્‍વંતરી-સંજીવની રથની કામગીરીની કેન્‍દ્રીય અધિકારીઓ પ્રભાવિતઃ કોલ્‍ડ સ્‍ટોરેજ, કોવિડ વોર્ડ સહિતના સ્‍થળોની રૂબરૂ મુલાકાત લઈ ચેકીંગઃ મ્‍યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે સમગ્ર વ્‍યવસ્‍થા-એકશનપ્‍લાનની વિગતો રજૂ કરી

રાજકોટ, તા. ૧૦ :. શહેરમાં કોરોનાની સ્‍થિતિ અત્‍યંત ગંભીર હોવાના અહેવાલોના પગલે આજે દિલ્‍હીથી કેન્‍દ્રની આરોગ્‍ય વિભાગની ટીમ રાજકોટ દોડી આવી હતી અને મનપા તથા કલેકટર, સિવીલ હોસ્‍પીટલ વગેરે દ્વારા કોરોના સંબંધી થઈ રહેલી કામગીરીનું ચેકીંગ કર્યુ હતુ. આ ચેકીંગ દરમિયાન કેન્‍દ્રની ટીમ રાજકોટ મનપાની ટેસ્‍ટીંગ, ૧૪૦ એમ્‍બ્‍યુલન્‍સ અને ધન્‍વતરી તથા સંજીવની રથની કામગીરીથી પ્રભાવિત થયેલ. જો કે આ ટીમે તંત્રને એવી ટકોર કરી હતી કે કોરોનાને કાબુમાં લેવા કન્‍ટેન્‍ટમેન્‍ટ ઝોનની કામગીરી હવે કડક બનાવો.

આ અંગેની સત્તાવાર પ્રાપ્‍ત માહિતી મુજબ રાજકોટ આવેલી કેન્‍દ્રના આરોગ્‍ય વિભાગની ટીમે મનપાના નાનામૌવા આરોગ્‍ય કેન્‍દ્ર સહિત કેટલાક આરોગ્‍ય કેન્‍દ્રો તથા શહેરમાં જાહેર સ્‍થળોએ ચાલી રહેલા કોરોના ટેસ્‍ટીંગ બુથની મુલાકાત લઈ અને ટેસ્‍ટીંગ, વેકસીનેશન વગેરે કામગીરીનું રૂબરૂ ચેકીંગ કરેલ. ત્‍યાર બાદ મનપાના કોલ્‍ડ સ્‍ટોરેજ ઉપરાંત સિવીલમાં કોવિડ વોર્ડ વગેરેની મુલાકાત પણ લીધી હતી.

દરમિયાન કેન્‍દ્રની આ ટીમ સમક્ષ મ્‍યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે મનપા દ્વારા કોરોના સંક્રમણ રોકવા અને કોરોનાના દર્દીને શોધી તેની તાત્‍કાલીક ઘરે બેઠા અથવા ગંભીર સ્‍થિતિ હોય તો હોસ્‍પીટલમાં સારવાર મળી રહે તે બાબતની કામગીરીના એકશનપ્‍લાનની વિગતો રજૂ કરી હતી.

જેમાં સૌ પ્રથમ ડોર ટુ ડોર સર્વે, જાહેર સ્‍થળોએ કોરોના ટેસ્‍ટીંગ, પોઝીટીવ આવનાર વ્‍યકિતનું રજીસ્‍ટ્રેશન અને પોઝીટીવ દર્દીને સંજીવની તથા ધન્‍વંતરી રથ મારફત સારવાર તેમજ પોઝીટીવ આવનાર દર્દીના રહેણાક વિસ્‍તારમાં માઈક્રો કન્‍ટેન્‍ટમેન્‍ટ બનાવવા અને તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓને ૧૦૪ એમ્‍બ્‍યુલન્‍સ મારફત સારવાર સહિતની વ્‍યવસ્‍થાઓની વિગતો સમજાવાય હતી. આમ મનપાની આ કામગીરીથી કેન્‍દ્રના આરોગ્‍ય વિભાગની ટીમ પ્રભાવિત થઈ હતી. તેઓએ માઈક્રો કન્‍ટેન્‍ટમેન્‍ટ ઝોનની કામગીરી બને તેટલી વધુ કડક બનાવી અને પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં કોઈ સામાન્‍ય વ્‍યકિત ન આવે તેટલી હદે કડક કાર્યવાહી કરવા સૂચન કર્યુ હતુ તેમ મ્‍યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્‍યુ હતું.

(3:46 pm IST)