Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

રાવળ સમાજને હવે તો સ્મશાન ફાળવો

ગઈરાતે કોવિડના દર્દીનું અવસાન થતાં દફનવિધિ માટે માંડમાંડ જગ્યા મળી : રાજકોટ શહેરની આસપાસ કોઈપણ જગ્યા ફાળવે તો તે સ્વીકારવા રાવળ સમાજની તૈયારીઃ મુખ્યમંત્રી સુધીની રજુઆત કરેલી પણ....

રાજકોટ,તા.૧૦: સમસ્ત રાવળ સમાજને સ્મશાન ફાળવવા વધુ એક વખત રજુઆત થઈ છે. જ્ઞાતિના એક વ્યકિતનું કોવિડથી અવસાન થયું હોય, જુનુ સ્મશાન ફૂલ હોય, કયાંય પણ જગ્યા ન મળતાં અંતે રૈયા નજીક સ્મશાનમાં અંતિમવિધી કરવામાં આવી હતી.

રાવળ સમાજના પ્રમુખ ગોપાલભાઈ દોરાણા (મો.૯૭૨૬૦ ૦૦૦૪૪)એ જણાવ્યું હતું કે રાવળ સમાજને સ્મશાન આપવા માટે અમારી બે વર્ષથી માંગણી છે. આ મામલે મેયર, મ્યુ.કમિશ્નરશ્રી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી અને મુખ્યમંત્રીશ્રી સુધી રજુઆત કરવામાં આવેલી, જે બજેટમાં મંજૂર પણ થઈ ગયું છે. આમ છતાં જગ્યા ફાળવવામાં આવતી નથી.

રાજકોટ શહેરમાં આવેલ ચુનારાવાડનું સ્માશાન હવે ભરાઇ ગયું છે. ત્યાં હવે જગ્યા નથી. તંત્ર દ્વારા રાજકોટ શહેરની આસપાસના કોઈપણ વિસ્તારમાં સ્મશાન માટે જગ્યા આપે તે માટે તૈયાર હોવાનું ગોપાલભાઈએ જણાવ્યું હતું.

તેઓએ જણાવેલ કે ગઈકાલે રાવળ જ્ઞાતિના એક વ્યકિતનું અવસાન થતાં દફનવિધી માટે કયાંય પણ જગ્યા મળી ન હતી. આખીરાત દોડધામ કર્યા બાદ સવારે  રૈયા ગામે દફનવિધી માટે મંજુરી આપવામાં આવી હતી.

આમ, હવે સ્મશાન માટે જગ્યાની ફાળવણી તાત્કાલીક ધોરણે કરવા જણાવાયું છે. જો ત્વરીત ધોરણે જગ્યા ફાળવવામાં નહી આવે તો ન છુટકે આંદોલનો માર્ગ અપનાવવો પડશે તેમ અંતમાં જણાવાયું છે.

(4:19 pm IST)