Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

કાલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ૧૫૦ બેડનો કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે રહેવા - જમવાનું - સામાન્ય સારવાર - યોગ - પ્રાણાયામ સહિતની સુવિધા : સહાયનો સાદ ઝીલતા કુલપતિ નીતિન પેથાણી અને કોર્પોરેટર નેહલ શુકલ દ્વારા તાબડતોબ સુવિધા ઉભી થઈ

રાજકોટ : મોડી રાત્રી સુધી કોવિડ સેન્ટરની સુવિધા ઉભી કરાવતા કુલપતિ નીતિન પેથાણી અને નેહલ શુકલ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૫)

રાજકોટ, તા. ૧૦ : કોરોનાનો વિકરાળ પંજો ફરી વળ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાય રહ્યા છે. બેડની ભારે અછત વર્તાય છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી અને સીન્ડીકેટ સભ્ય તેમજ ભાજપના કોર્પોરેટર નેહલભાઈ શુકલએ વર્તમાન કોવિડની સ્થિતિને ધ્યાને રાખીને રાતો રાત હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે નિઃશુલ્ક કોવિડ કેર સેન્ટરનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી આરએસએસના સંનિષ્ઠ કાર્યકર છે. તેઓએ અગાઉ પૂર હોનારત - વાવાઝોડા ભૂકંપ વખતે પણ અનન્ય સેવા કરી છે. જયારે બાત કમ કામ જયાદાના સિદ્ધાંતમાં માનનાર નેહલભાઈ શુકલએ પણ સરકાર સાથે સંકલન કરીને મોડી રાત્રી સુધી હાજર રહીને પ્રથમ તબક્કાનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યુ છે.

આવતીકાલથી ૪૦ બેડનો પ્રારંભ થશે. બાદમાં વિસ્તરણ કરાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની યાદી જણાવ્યા મુજબ વધતા જતા કોવિડના સંક્રમણને કારણે યુનિવર્સિટીના કર્મીઓ તથા રાજકોટના નગરજનો માટે આઈસોલેશન અને કોવિડ કેર તથા તેની ટ્રીટમેન્ટ માટે ૧૫૦ વ્યકિતઓને સમાવી શકાય તેવુ પ્રથમ તબક્કાનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવા જઈ રહ્યુ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાલની પ્રવર્તમાન કોવિડની પરિસ્થિતિને લઈને ખૂબ ચિંતિત છે અને પોતાની સામાજીક ઉત્તરદાયિત્વના ભાગરૂપે સંપૂર્ણ નિઃશુલ્ક કોવિડ કેર સેન્ટર રવિવાર તા. ૧૧ થી શરૂ કરવા જઈ રહ્યુ છે. હળવા લક્ષણો ધરાવતા જે દર્દીઓ કે જેમને ઓકિસજનની જરૂર નથી તેવા દર્દીઓને માત્ર ડોકટરની ભલામણને આધારે ભરતી કરશે અને સિવિલ હોસ્પિટલની જેમ જ સંપૂર્ણ નિઃશુલ્ક કોઈપણ જાતના ચાર્જ વિના દવા, જમવાનું સાથે મેડીકલ સ્ટાફની ટેમ્પરરી નિમણુંક કરીને શ્રેષ્ઠ સારવાર લોકોને મળી રહે તેવા હેતુથી એક સેવાનો પ્રયત્ન કરીને લોકોમાં પ્રસરી રહેલા ડરને દૂર કરવા માટે સનિષ્ઠ પ્રયત્ન કર્યો છે.

અહિંયા ઈમરજન્સી ઓકિસજન વ્યવસ્થા નથી. હળવા લક્ષણોવાળા જ દર્દીઓએ ભરતી થવુ.

વધુમાં દર્દીઓને રહેવા - જમવાનું, સામાન્ય સારવાર, ડોકટરની દેખરેખ તથા યોગ અને પ્રાણાયમથી સ્વસ્થ કરવા અને હકારાત્મક ઉર્જા પેદા કરવાનો ઉપક્રમ નિયત કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણી, સર્વે સીન્ડીકેટ સભ્ય ડો.મેહુલભાઈ રૂપાણી તથા ડો.નેહલભાઈ શુકલ તેમજ ડો.ધરમભાઈ કામ્બલીયા બધાના નામ કાર્યરત છે.

કુલસચિવ ડો.જતીનભાઈ સોની સાથે ડો.કલાધરભાઈ આર્ય તથા ડો.નિલેશભાઈ સોની તથા ડો.મીહીરભાઈ રાવલ અને સમગ્ર યુનિવર્સિટીના કર્મચારીઓ આ સેવા યજ્ઞમાં આહુતિ આપવા તૈયાર છે. કોવિડ દર્દીએ પોતાના જરૂરી સામાન સાથે આપેલ નં.૬૩૫૫૧ ૯૨૬૦૭ પર કોન્ટેક કરી પ્રવેશ મેળવવાનો રહેશે તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની યાદીમાં જણાવાયુ છે.

(4:22 pm IST)