Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

સમરસ કોવિડમાં નાના કર્મચારીઓની ઇમાનદારીઃ રેઢી મળેલી રકમ પરત કરી

એચઆર મેનેજર મહિપાલસિંહ જેઠવાએ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને જાણ કરતાં તેમણે હિસ્ટ્રી ચેક કરાવ્યા બાદ મૃતકના સગાને શોધાવી રકમ પરત કરાવીઃ આઉટસોર્સિંગ સ્ટાફની કામગીરી બિરદાવી

રાજકોટ તા. ૧૦:સમરસ હોસ્ટેલ ખાતેના સિવિલ હોસ્પિટલના કોવિડ હેલ્થ સેન્ટરમાં તબિબો અને નર્સિંગ સ્ટાફની સતત જહેમતથી દર્દીઓ સાજા થઇ રહ્યા છે. તો આ સ્ટાફની સાથે આઉટસોર્સિંગ એજન્સીનો સ્ટાફ પણ સતત પોતાની ફરજ બજાવી રહ્યો છે. સેવા સાથે ઇમાનદારીના દાખલા પણ તે બેસાડી રહ્યા છે. તા. ૯/૫ના રોજ સવારે કોરોનાના દર્દીના પલંગની ચાદર બદલવાની કામગીરી વખતે પેશન્ટ એટેન્ડન્ટ મહેશ મકવાણા અને કુ. તેજલ ચાઉઉ તથા સેનેટરી ઇન્સ. રાજ હુણને ચાદર નીચેથી રોકડ રકમ મળતાં તેણે તુરત જ એજન્સી કોન્ટ્રાકટર એમ. જે. સોલંકીના સમરસ ખાતેના એચઆર મેનેજર મહિપાલસિંહ જેઠવાને જાણ કરતાં તેમણે અધ્યક્ષ અને પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલને જાણ કરી હતી.

તેમણે જ્યાંથી રકમ મળી હતી એ બેડના દર્દીની હિસ્ટ્રી ચેક કરાવી હતી. એ દર્દી મૃત્યુ પામનાર રમેશભાઇ માનસિંગભાઇ ખીમાનીયાની હોવાનું સ્પષ્ટ થતાં તેમના સગાનો સંપર્ક કરાવ્યો હતો. વહિવટી તંત્રએ નાના કર્મચારીઓની ઇમાનદારીને બીરદાવી હતી.  તેમજ તેમની કામગીરીના પણ વખાણ કર્યા હતાં. આ કર્મચારી ભાઇ-બહેનો દર્દીઓના હાથ પગ દબાવવા, માથુ દબાવી આપવું, માથામાં તેલ નાખી આપવા સહિતની સેવા પણ કરે છે.

(1:18 pm IST)