Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

પ્રદ્યુમન પાર્કની સિંહણ ઋત્વીને સાપે દંશ દેતા સારવાર ચાલુઃ ગંભીર

ગઇ રાત્રે પીંજરામાં ઘુસેલા સાપે દંશ દીધોઃ સાપને શોધવા ઝૂ વિભાગ ઉંધા માથે

રાજકોટ તા. ૧૦ :.. મ.ન.પા. સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂની સિંહણ 'ઋત્વી' ને ઝેરી સાપે દંશ દેતા આ સિંહણની ગંભીર હાલતમાં સારવાર શરૂ કરાઇ છે. અને પીંજરામાં ઘુસેલા સાંપને શોધવા 'ઝૂ'નાં કર્મચારીઓએ મથામણ શરૂ કરી હતી.

આ અંગે મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યુ હતું કે 'પ્રદ્યુમન પાર્ક ઝૂ'માં આવેલ સિંહનાં પીંજરામાં ગઇ રાતે ઝેરી સાંપ ઘુસી ગયો હતો અને આ સાંપે સિંહણ ઋત્વીને  દંશ દેતા સિંહણની તબીયત લથડી હતી. આથી તુરત જ આ સિંહણને નિષ્ણાંત વેટરનરી ડોકટર દ્વારા સારવાર શરૂ કરાઇ છે. પરંતુ સિંહણની હાલત ગંભીર હોવાનું ડોકટરો જણાવી રહ્યા છે.

દરમિયાન પીંજરામાં સિંહણને દંશ દઇને સાંપ કયાં છૂપાયો છે. તેની શોધ ખોળ ઝૂ વિભાગનાં કર્મચારીઓએ શરૂ કરી હતી.

વર્ષો અગાઉ પણ સિંહનાં પીંજરામાંથી કોંબ્રા સાંપ ઝડપાયેલ

અત્રે એ નોંધનીય છે કે વર્ષો અગાઉ જયારે આજી ડેમ ખાતે 'ઝૂ' હતું ત્યારે પણ સિંહનાં પીંજરામાં ઝેરી કોંબ્રા સાપ ઘુસી ગયેલ પરંતુ તે વખતે પીંજરા નાના હોઇ સાંપ નજરે ચડી જતાં તત્કાલીન ઝૂ સુપ્રિન્ટેન્ટ ડો. મારડીયાનાં માર્ગદર્શન હેઠળ એ જબરા કોંબ્રા નાગને ઝડપી લેવાતા સિંહનાં જીવ બચી ગયેલ.

(3:03 pm IST)