Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કોરોના દર્દીને બચાવવામાં સરકાર નિષ્ફળ છેઃ હવે રસીકરણ બાબતે પૂરતુ આયોજન કરોઃ આવેદન

આમ આદમી પાર્ટીનું મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન

આમ આદમીએ આજે રસીકરણ બાબતે કલેકટરને આવેદન પાઠવ્યુ તે નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૦ :. આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી કોરોના રસીકરણને ગંભીરતાપૂર્વક સઘન અભિયાન રૂપે હાથ ધરવા તેમજ આમ આદમી પાર્ટી દ્વારા લોકજાગૃતિ માટે 'રસીકરણ જાગૃતિ અભિયાન' શરૂ કરવા બાબત અંગે રજૂઆતો કરી હતી.

વર્ષ ૨૦૨૦માં જ્યારે કોરોના વાયરસ આવ્યો ત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું ત્યારે આ વાયરસથી લોકોન બચાવવાની તમામ મેડીકલ સુવિધાઓ ઉભી કરવાની તક હતી. કોરોનાના પ્રથમ વેવમાં થયેલી જાનહાની અને સરકારની અપુરતી તૈયારીમાંથી તમારી સરકારે કોઈ બોધપાઠ લીધો નહીં તેમજ વૈજ્ઞાનિકો દ્વારા કોરોના બીજો વેવ પણ આવી શકે છે તેવી ચેતવણી આપ્યા પછી પણ પુરતી તૈયારી કરવાને બદલે આપની સરકારે કોરોના પર જાણે વિજય મેળવી લીધો હોય એમ ઉજવણીઓ શરૂ કરી અને લોકો સુધી ખોટો મેસેજ પહોંચ્યો જેથી લોકો પણ કોરોનાને ભૂલી રહ્યા હતા.

કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય રસીકરણ હોવા છતાંય પણ રસીકરણ બાબતે તમારી સરકાર ખૂબ ઉદાસીન અને બેદરકાર રહી છે. કોરોનાની ત્રીજી વેવ ન આવે તે માટે ગુજરાતના તમામ નાગરિકોનું સંપૂર્ણ રસીકરણ જરૂરી છે. અમે આપને વિનંતી કરીએ છીએ કે જલ્દીથી ગુજરાતમાં રસીનો પ્રયાપ્ત જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે અને હાલની રસીકરણ પ્રક્રિયા ખૂબ જ જટીલ અને અઘરી છે. સામાન્ય લોકો માટે રસીનું રજીસ્ટ્રેશન કરવું કે અપોઈન્ટમેન્ટ લેવી ખૂબ જ અઘરી છે. આ સમયે રસીકરણ પ્રક્રિયાને વધુ આયોજનબદ્ધ અને સરળ બનાવવી જોઈએ જેવી રીતે આયોજનના અભાવે કોરોનાના દર્દીઓને બચાવવામાં સરકાર નિષ્ફળ રહી તેવી જ રીતે રસીકરણ બાબતે નિષ્ફળ ન જાય તે માટે પૂરતુ આયોજન કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

(3:11 pm IST)