Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

સી.પી.એસ.પી.જી રેસીડન્ટ ડોકટરોનો સ્ટાયપેન્ડ વધારો ન થતા અન્યાયની માંગણી

નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નિતીન પટેલને પત્ર પાઠવી મેડિકલ કોલેજના રેસીડેન્ટની ડોકટરો જેવા જ નિતીનિયમ લાગુ કરવા માંગ

રાજકોટ,તા. ૧૦: સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતાં સી.પી.એસ. રેસિડન્ટ ડોકટરોને સ્ટાયપેન્ડ, ઇન્સેટીવ સહિતની બાબતોમાં અન્યાય થતો હોય આ ડોકટરો માટે મેડીકલ કોલેજના રેસિડન્સી ડોકટરોના નિયમોમાં આવરી લેવા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નિતીનભાઇ પટેલને પત્ર પાઠવી રજુઆત કરાઇ છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે ગુજરાત રાજય સરકારશ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત કોલેજ ઓફ ફિઝિશ્યન એન્ડ સર્જન મુંબઈ દ્વારા સંચાલિત પી.જી. ડિપ્લોમા કોર્ષ અંતર્ગત કાર્યરત સરકારી ડીસ્ટ્રીકટ, સબ ડીસ્ટ્રીકટ, સી.એચ.સી. તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો માં રેસિડન્ટ ડોકટરો તરીકે ફરજ બજાવીએ છીએ, હાલ માં કોરોના કાળ માં દેશ જયારે કપરી પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યો છે ત્યારે કોવિડ હોસ્પિટલો માં અમો અમારા રેસીડેન્સી વર્ક ઉપરાંત કોરોના દર્દીઓ ની સારવાર અર્થે અમારા જીવ ના જોખમે વધારા ની ડયુટી કરીએ છીએ, અંતરિયાળ વિસ્તાર માંથી આવતા દર્દીઓની સારવાર કરી અમો પણ દેશ ની સેવા માં ફાળો આપીએ છીએ એ વાતનું અમોને ગર્વ છે.  અમારી નીચે મુજબની માગણીઓ સત્વરે ધ્યાને લઇ અમલીકરણ કરવા નમ્ર રજૂઆત છે.

આ ડોકટરોને માસિક સ્ટાયપેન્ડ ફકત ૨૫૦૦૦ રૂપિયા આપવામાં આવે છે, અને એ પણ અમો એ ચૂકવેલ ફી માંથી આપવામાં આવતું હોય છે, જે અન્ય કોઈ પણ અનુસ્નાતક શાખામાં આપવામાં આવતા સ્ટાયપેન્ડ કરતા ઘણું ઓછું છે, સી.પી. એસ કોર્ષ શરૂ થવાને લીધે અને દૂરોગામી વિસ્તારમાં ૨૪ર્ં૭   ડોકટરો મળવાને લીધે  ખાસ કરીને માતા તથા બાળ દર્દીઓને સેવા મળી રહે છે અને જેથી ગુજરાત રાજયના માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો થવામાં અમારો પણ સિંહફાળો છે. જેથી અમારી કામગીરી ના પ્રોત્સાહન ના ભાગરૂપે અમારું સ્ટાયપેન્ડ વધારવામાં આવે.

ઉપરાંત કોરોના કાળની આ મહામારીમાં સરકારે તમામ મેડિકલ કોલેજો માં ફરજ બજાવતા પી.જી. રેસિડન્ટ ડોકટર્સ ના સ્ટાયપેન્ડ માં માસિક ૪૦ ટકા નો વધારો કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, પરંતુ તેમાં આ ડોકટરોનો કયાંય ઉલ્લેખ નથી તેમજ તેના કાર્યની નોંધ લેવાયેલ નથી, જેથી હતોત્સાહ અને અસમાનતા ની લાગણી ઉભી થઇ છે. આ ડોકટરો ખંત થી અંતરિયાળ વિસ્તારમાંથી આવતા કોરોના દર્દીઓ ની સારવાર કરે છે.કામની પણ નોંધ લઇ તેઓને  કોવીડ હોસ્પિટલમાં આપતી ડયુટી માટે અલગ થી ઇન્સેટિવ  આપવામાં આવે.

સી.પી.એસ. ડિપ્લોમા અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ સી.પી.એસ. ડોકટરો ને સરકારશ્રી દ્વારા ૧ વર્ષ માટે બોન્ડ સમયગાળા અંતર્ગત મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવવામાં આવે છે, જેથી સ્પેશિયલઇઝેશનના કામથી વિમુખ થઈ અને ૨ વર્ષ નો પી.જી. અભ્યાસક્રમ પૂર્ણ કર્યા હોવા છતાં નિષ્ણાત તરીકેની સેવા આમ જનતાને આપી શકતા નથી અને અભ્યાસક્રમનો સદુપયોગ કરી શકતા નથી, જેથી અમારી માંગ છે કે, ડિપ્લોમા પી જી. અભ્યાસક્રમ બાદ ૧ વર્ષના પોસ્ટિંગ દરમિયાન ફકત સ્પેશિયલઇઝેશનનું કામ સોંપવામાં આવે, મેડિકલ ઓફિસર તરીકેનું કામ ન સોંપવામાં આવે, જેથી આમ જનતાને નિષ્ણાત તરીકેની સેવાનો લાભ આપી શકીએ. ઉપરાંત સરકારશ્રીને સી.એમ. સેતુ યોજના  તેમજ અન્ય યોજના અંતર્ગત નિષ્ણાત ડોકટરોની નિમણુક કરવાની જરૂર ન રહે અને સરકારી ખર્ચ નું ભારણ ઘટે અને સરકારી હોસ્પિટલો માં નિષ્ણાત ડોકટર તરીકે ની સેવા પણ મળી રહે.

આ ઉપરાંત સી.પી.એસ મુંબઈ દ્વારા ગુજરાત રાજય સરકારના સંકલનથી એમ.સી. આઇ..માન્ય પી.જી. ડિપ્લોમા કોર્ષ છેલ્લા ૩ વર્ષથી રાજયની અલગ અલગ હોસ્પિટલો માં શરૂ કરવામાં આવેલ છે ત્યાં રેસિડન્ટ ડોકટરો સરકારી મેડિકલ કોલેજ ના રેસિડન્ટ ડોકટરો જેવી સેવા આપીએ છીએ જેથી સી.પી.એસ.  રેસિડન્ટ ડોકટરો  ને સરકારી મેડિકલ કોલેજ રેસિડન્ટ ડોકટરો ને લાગુ પડતાં નીતિનિયમો લાગુ કરવામાં આવે અને એ નિયમો અંતર્ગત આવરી લેવામાં આવે તેવી માંગ છે.

(3:14 pm IST)