Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

આ મહિને વાવાઝોડું ઉદ્દભવશેઃ માવઠાના સંજોગો

અરબસાગરમાં મજબૂત સિસ્ટમ્સ બનવાની શકયતાઃ જો આ સિસ્ટમ્સ અરબસાગરમાં વધુ આગળ વધે તો વાવાઝોડામાં પરીવર્તીત થઈ શકે, હાલ સિસ્ટમ્સના ટ્રેક બાબતે અસમંજસતા : આવતીકાલથી ગરમીમાં ઘટાડોઃ હાલ કોઈ- કોઈ દિવસે છાંટાછુટી ઝાપટા ચાલુ રહેશેઃ તા.૧૭ થી ૨૩ મે આસપાસ વાવાઝોડાની અસરથી માવઠારૂપી વરસાદના વિસ્તારોમાં વધારો થશે

રાજકોટઃ હાલમાં તાપ સાથે અસહય ઉકળાટ બફારો પ્રર્વતતી રહ્યો છે. લોકો  અકળાયા છે. દરમિયાન આ મહિનામાં એક વાવાઝોડુ બનવાની પૂરી શકયતા છે. અરબસાગરમાં એક મજબૂત સિસ્ટમ્સ બનશે. જો આ સિસ્ટમ્સ વધુ આગળ વધશે તો વાવાઝોડામાં પરીવર્તીત થશે. હાલ આ સિસ્ટમ્સ અંગે અસમજસતા જોવા મળી રહી છે. તેમ હવામાનની એક ખાનગી સંસ્થાઓ જણાવ્યું છે. જયારે ગરમીમાં  આવતીકાલથી ઘટાડો થવાની શયકતા છે.

વેધરની ખાનગી સંસ્થા જણાવે છે કે ચોમાસાની શરૂઆત થાય તે પહેલા અને ચોમાસુ પુરૂ થયા પછી બંગાળની ખાડી કે અરબ સાગરમાં વાવાઝોડા બનતા હોય છે. ચોમાસાની શરૂઆત પહેલા એપ્રિલ,  મે, જુન માસમાં બંગાળની ખાડી અને અરબસાગરમાં વાવાઝોડા બનતા હોય છે.

વિંન્ડ પેટર્નને આધારે જોવા જઈએ તો એપ્રિલ અને મે માસ દરમ્યાન મોટાભાગે બંગાળની ખાડીમાં વધુ વાવાઝોડા બને તેવી શકયતા વધુ રહેતી હોય છે. અપવાદરૂપ કયારેક અરબ સાગરમાં વાવાઝોડા બનતા હોય. જયારે જુના માસમાં અરબસાગરમાં વાવાઝોડાની વધુ શકયતા રહેતી હોય છે.

છેલ્લા બે વર્ષથી અલગ- અલગ લોંગ વેધર ફોરકાસ્ટ મોડલના અભ્યાસને આધાર બનાવીને હમેંશા સારૂ વેધર એનાલિસિસ કરીને સત્યતાની નજીક રહે એવી આગાહી આપવાનો આંશિક પ્રયાસ અહિં રજૂ કરવામાં આવ્યો છે.

ગત તા.૭ માર્ચના રોજ અંદાજ આપેલ તેમા અરબસાગરમાં મે-૨૦૨૧માં વાવાઝોડું બને તેવી શકયતા દર્શાવેલ.

આગામી ૧૫/૧૬ તારીખ આસપાસ અરબસાગરમાં એક મજબુત સિસ્ટમ્સ બનવાની શકયતા છે. જે વાવાઝોડાના રૂપ લે તેવી શકયત છે. મોટાભાગે ફેરલના નિયમ મુજબ વાવાઝોડું મુખ્યત્વે પશ્ચિમ દિશા તરફ ગતિ કરતું હોય છે. એટલે અરબ સાગરમાં બનતા મોટાભાગના વાવાઝોડા યમન કે ઓમાન તરફ જ ગતિ કરતા હોય છે. એટલે ગુજરાત પર વાવાઝોડા આવવાની શકયતાઓ ખુબ જ ઓછી હોય છે. જવલ્લે અનુકુળ પરિબળો થકી ગુજરાત પર વાવાઝોડું આવી જતું હોય છે.  એટલે વાવાઝોડું બની જાય પછી તેના પર નજર રાખવી જરૂરી છે. દરમિયાન ગરમીની વાત કરી એ તો હાલ રાજ્યના અલગ અલગ મુખ્ય સેન્ટરો માં તાપમાન નો પારો ૪૦ ડીગ્રી થી ૪૩ ડીગ્રી આસપાસ જોવા મળે છે. જે આજ સુધી જળવાઇ રહેશે. બાદ તાપમાન ઘટાડા તરફ જતુ જોવા મળશે.ઘણા દિવસો થયા રાજ્યના અલગ અલગ વિસ્તાર માં વધતા ઓછા વિસ્તાર સાથે છાંટા છુંટી ઝાપટા કે વરસાદ સ્વરૂપે માવઠું જોવા મળે છે. જે હજુ પણ અમુક અમુક દિવસે જોવા મળી શકે છે. તા.૧૭ થી તા.૨૩ દરમ્યાન આસપાસ વાવાઝોડાની  અસર સ્વરૂપ ફરી વરસાદ ના વિસ્તારો વધે તેવી પુરેપુરી શકયતા છે.

(3:15 pm IST)