Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

દેશ આખો એક બની કોરોના સામે લડી રહયો છે ત્યારે કોંગ્રેસ મનોબળ તોડવા પ્રયત્નો કરે છેઃ ભંડેરી-ભારદ્વાજ

રાજકોટ, તા.૧૦: કોંગ્રેસ અગ્રણીઓનાં ધરણા અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી અને ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજે જણાવ્યું હતું કે, કોરોના મહામારીનાં સમયમાં કોંગ્રેસનાં મિત્રો દ્વારા કરવામાં આવેલા ધરણા પ્રદર્શન શરમજનક છે. જયારે સમગ્ર દેશ, ગુજરાત અને રાજકોટ પણ કોરોના મહામારી સામે એક બની જંગ લડી રહયું છે ત્યારે કોંગ્રેસ આ જંગને કમજોર બનાવવાનાં અને નાગરિકોનાં મનોબળને તોડવાના પ્રયત્નો કરી રહી છે.

ભંડેરી - ભારદ્વાજે વધુમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં માર્ગદર્શનમાં ભાજપ સરકાર તથા કાર્યકરો કોરોનાની બીજી લહેરમાં હર સંભવ પ્રયત્નો દ્વારા કોરોનાને કાબૂમાં લેવા પ્રયત્ન કરી રહયા છે. રાજકોટ સહિત સમગ્ર રાજયમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે. કોરોના કેસમાં ઘટાડો અને રિકવરી રેટમાં વધારો થઇ રહયો છે.  ભાજપ સરકારની આ સમગ્ર કામગીરી કોંગ્રેસને ખૂંચી રહી છે. કોરોનાના નામે કોંગ્રેસ રાજકારણ રમી પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. આ ઘોર વ્યાધિમાં કોંગ્રેસ અને તેના નેતાઓ તથા કાર્યકરો કયાં ગુમ થઇ ગયા છે?

ટવિટર અને ફેસબુક પર આખો દિવસ કાઉં કાઉં કરવાથી સ્થિતી બદલાતી નથી. પરિસ્થિતીમાં સકારાત્મક પરિવર્તન આણવા મેદાનમાં ઉતરવું પડે છે, લોકો વચ્ચે જવું પડે છે, લોકોનાં આંસુ લુછવા પડે છે. ભાજપની સરકાર, નેતાઓ અને કાર્યકરોએ જ કરી રહયા છે. આ કળા અને પ્રતિબદ્વતા ભાજપ પાસેથી કોંગ્રેસ શીખવા જેવી છે.

કોંગ્રેસનો વ્યવહાર કાયમી પ્રજા વિરોધી છે. પ્રજાની સેવા કરવા નહીં સત્તામાં આવી સંપત્તિ કમાવવાનું કોંગ્રેસનું વલણ છે. સૌ કહે છે અને અમે પણ કહીએ છીએ કે, કોંગ્રેસ પાસે આ મહામારીમાં સેવાકાર્ય કરવાની ઉત્તમ તક છે અને કોંગ્રેસે આ તક ઝડપી સેવાકાર્યમાં જોડાઇ જવું જોઇએ. નાગરિકોને ધરણાની જરૂર નથી અને આ પ્રકારનાં ધરણા પ્રજાહિતમાં નથી તેમ ધનસુખભાઇ ભંડેરી અને નીતિનભાઇ ભારદ્વાજે અંતમાં જણાવ્યું હતું.

(4:20 pm IST)