Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

વૈદેહી કોવિડ-૧૯ હોસ્પિટલનો પ્રારંભ : ઓકસીજનની સુવિધા

મ.ન.પા.ના પૂ. રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ ખાતે બેકબોન સંચાલિત વૈદેહી ન્યુરોસાયન્સીસ એસોશિએટ્સની : આગામી દિવસોમાં વેન્ટીલેટરની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે : હાલ ૩૦ બેડ કાર્યરત

રાજકોટ તા. ૧૦ : મહાનગરપાલિકાના મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ એક યાદીમાં જણાવે છે કે, બેકબોન સંચાલિત ડોકટરોની ટીમ દ્વારા હાલની ઘાતક કોરોના મહામારીને ધ્યાનમાં રાખી કોરોના દર્દીઓને અદ્યતન સારવાર મળે તે ભાવના સાથે કોવીડ હોસ્પિટલ શરૂ કરવાની રજૂઆત કરવામાં આવેલ. જેનાં અનુસંધાને  મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ ખુબ જ અંગત રસ લઇ આ અંગે તુરંત નિર્ણય થાય તેવા પ્રયત્નો શરૂ કરવામાં આવેલ. જે અંતર્ગત સંસ્થા સાથે તા.૨૦/૦૪/૨૦૨૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકા સાથે જરૂરી એગ્રીમેન્ટ કરવામાં આવેલ.

બેકબોન સંચાલિત 'વૈદેહી' કોવીડ-૧૯ હોસ્પિટલ માટે ડો.અંકુર પાચાણી અને નયન રમેશભાઈ મકવાણાના નેતૃત્વ હેઠળ ડો. કુંજેશ રૂપાપરા(ચેસ્ટ સ્પે.), ડો. પ્રિયાંક ફૂલેત્રા(ક્રિટીકલ કેર સ્પે.), ડો. નીખીલા પાચાણી(કાર્ડીયોલોજીસ્ટ), ડો. જયદીપ ભીમાણી(સર્જન), ડો.વિવેક પટેલ(સર્જન), ડો. આકાશ પાચાણી (રેડીઓલોજીસ્ટ) ઉપરાંત શિક્ષિત અને અનુભવી નર્સિંગ સ્ટાફ દ્વારા કોવીડ-૧૯ હોસ્પિટલનું સંચાલન કરવામાં આવશે.સંસ્થા દ્વારા ઓકિસજનના ૨(બે) પ્લાન્ટની સુવિધા સાથે કરવાનું આયોજન હતુ. પરંતુ દેશમાં કોરોનાની પરિસ્થિતિને કારણે સંસ્થાને હજુ ઓકિસજન પ્લાન્ટ કંપની દ્વારા મળેલ નથી હોસ્પિટલ વહેલાસર શરૂ થાય તે માટે હાલ ઓકિસજન ટેંકની સુવિધા ઉભી કરી આજથી ૨૫ થી ૩૦ ઓકિસજન બેડ સુવિધા સાથે પ્રારંભ કરેલ છે. તબક્કાવાર વ્યવસ્થા થતા બેડની સંખ્યા વધારવામાં આવશે. ઉપરાંત, વેન્ટીલેટર આવ્યે વેન્ટીલેટર બેડની સુવિધા આપવામાં આવનાર છે. વિશેષમાં, ઇન્ડોર ફાર્માસીસ્ટ લેબોરેટરી, એસી, વિગેરે સુવિધા સભર અદ્યતન કોવીડ-૧૯ હોસ્પિટલ થનાર છે.

મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ સાથે ડોકટરોની ટીમના પરામર્શ સમયે રાજકોટ શહેરના કોવીડ-૧૯ના દર્દીઓને સારામાં સારી સારવાર મળેતેવી લાગણી વ્યકત કરેલ જે ગૌરવની બાબત છે.

(4:22 pm IST)