Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

ગૂમ થયેલી ૩ વર્ષની દિકરીને ત્રણ કલાક શોધી, બાદમાં ભોં ટાંકામાંથી લાશ મળી

મોટા મવા સ્‍પીડવેલ પાર્ટીપ્‍લોટ પાસે પેન્‍ટાગોન સી-વીંગમાં બનાવ : પાણી ઠાલવવા આવેલુ ટેન્‍કર જતું રહ્યા બાદ ટાંકાનું ઢાંકણુ બંધ કરતાં ભુલાઇ ગયુ હતું: ચોકીદાર નેપાળી દંપતિએ લાડકવાયી ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૧૦: કાલાવડ રોડ મોટા મવામાં સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે આવેલા પેન્‍ટાગોન એપાર્ટમેન્‍ટ સી-વીંગમાં ચોકીદારી કરતાં અને ત્‍યાં જ રહેતાં નેપાળી દંપતિની ૩ વર્ષની દિકરી રમતાં રમતાં એપાર્ટમેન્‍ટના ભોં ટાંકામાં પડી જતાં મોત નિપજ્‍યું હતું. સાંજે પાંચ વાગ્‍યે આ બાળકી ગૂમ થતાં પરિવારજનોએ ઠેર ઠેર શોધખોળ કરી હતી. પછી ત્રણેક કલાક બાદ ભોં ટાંકામાં તપાસ કરતાં તેની લાશ મળી હતી.

જાણવા મળ્‍યા મુજબ મુળ નેપાળનો ભૂપેશ વુડા અને તેની પત્‍નિ દેવી વુડા એકાદ વર્ષથી પેન્‍ટાગોન એપાર્ટમેન્‍ટમાં ચોકીદારી કરે છે અને ત્‍યાંની રૂમમાં જ રહે છે. ગત સાંજે પાંચેક વાગ્‍યે તેની દિકરી રિયાંશી (ઉ.વ.૩) કમ્‍પાઉન્‍ડમાં રમતી રમતી ગૂમ થઇ ગઇ હતી. આકુળ વ્‍યાકુળ થઇ આ દંપતિ અને તેના બીજા સગાએ બાળકીની ખુબ શોધખોળ કરી હતી. એ દરમિયાન સાંજે આઠેક વાગ્‍યે ભોં ટાંકો ખુલ્લો જોવા મળતાં તેમાં તપાસ કરતાં રિયાંશી અંદર તરતી હોઇ બધા ચોંકી ગયા હતાં. બેભાન હાલતમાં બહાર કાઢી સિવિલ હોસ્‍પિટલમાં  ખસેડી હતી. પરંતુ અહિ તેને મૃત જાહેર કરવામાં આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. મૃત્‍યુ પામનાર રિયાંશી એક ભાઇથી નાની હતી. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના તોૈફિકભાઇ જૂણાચે કરતાં તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.

(11:42 am IST)