Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

આત્‍મીય યુનિવર્સિટીના સાધુ ત્‍યાગવલ્લભદાસ, ટ્રસ્‍ટીઓએ કરેલી ૩૩ કરોડ ૩૬ લાખની ઉચાપતમાં તપાસનો ધમધમાટ

હરીપ્રસાદ સ્‍વામીજીના અવસાન થયા બાદ તેના તાબા હેઠળના તમામ ટ્રસ્‍ટો સંબંધે ડમી ખાતા ખોલાવી ગેરરીતી આચર્યાનો આરોપઃ આત્‍મીય વિદ્યાધામના પવિત્રભાઇ જાનીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી : ૨૦૧૪થી આજ સુધી સર્વોદય કેળવણી ટ્રસ્‍ટ સંચાલીત જુદી જુદી સંસ્‍થાઓમાં ભુતીયા કર્મચારીઓ ઉભા કરી તેના નામે બેંક ખાતાઓ ખોલી તેમાંથી રકમ ઉપાડી લીધાનો આરોપ

રાજકોટ તા. ૧૦: શહેરની આત્‍મીય યુનિવર્સિટીના સાધુ ત્‍યાગ વલ્લભદાસ, ટ્રસ્‍ટી, તેના પત્‍નિ સહિત ચાર વિરૂધ્‍ધ આણંદના વિદ્યાનગર  બાકરોલના આત્‍મીય વિદ્યાધામ ખાતે રહેતાં અને પ્રભુસેવા કરતાં પવિત્રભાઇ હર્ષદરાય જાની (ઉ.વ.૪૮)એ છેતરપીંડીની ફરિયાદ દાખલ કરાવતાં ચર્ચા જાગી છે. તાલુકા પોલીસે સર્વોદય કેળવણી મંડળ ટ્રસ્‍ટના સેક્રેટરી ત્‍યાગ વલ્લભદાસ, ટ્રસ્‍ટી ધર્મેશ રમેશચંદ્ર જીવાણી, તેના પત્‍નિ વૈશાખીબેન ધર્મેશ જીવાણી, નિલેષ બટુકભાઇ મકવાણા વિરૂધ્‍ધ રૂા. ૩૩ કરોડ ૩૬ લાખની ઠગાઇ કર્યાના આરોપ સાથેની એફઆઇઆર દાખલ કરી પુરાવા એકઠા કરવા તપાસ આરંભી છે. હરિધામ સોખડાના સ્‍વામી હરિપ્રસાદ દાસજીના અવસાન બાદ તમામ ટ્રસ્‍ટોના વહિવટ દરમિયાન મસમોટી રકમોની ગોલમાલ આચરી બેંક કર્મચારીઓના ભુતિયા ખાતા ખોલાવી રકમ ટ્રાન્‍સફર કરવામાં આવ્‍યાનો આરોપ મુકાયો છે.

પવિત્રભાઇ જાનીએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું કે મેં શ્રી હરિપ્રસાદ દાસજીના તાબા હેઠળ સન્‍યાસ લીધો છે અને હું તેમનો પર્સનલ આસીસ્‍ટન્‍ટ તરીકે ૨૮ વર્ષ સુધી રહ્યો છું. હાલ સ્‍વામિનારાયણ સંપ્રદાયના સેવક તરીકે કાર્યરત છું. આત્‍મીય વિદ્યાધામમાં હું ૨૧/૪/૨૨થી રહુ છું. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી આત્‍મીય યુનિવર્સિટી કે જે સર્વોદય કેળવણી મંડળ નામના ટ્રસ્‍ટ દ્વારા ચાલતી સંસ્‍થા છે. તે ટ્રસ્‍ટના મૂળભુત ટ્રસ્‍ટીઓ પાસેથી ૧૯૮૬માં હરીપ્રસાદ દાસજીએ શૈક્ષણિક હેતુ માટે લીધી હતી. તે સોખડા હોવાના કારણે આ ટ્રસ્‍ટની જવાબદારી ત્‍યાગ વલ્લભદાસને સોંપાઈ હતી. હરીપ્રસાદ સ્‍વામીના સેવકો તથા શ્રદ્ધાળુઓ દાન કરતા હોય તે ધર્માદાની રકમથી આ સંસ્‍થા જુદી-જુદી શૈક્ષણિક કોલેજનું સ્‍થાપન કરાયું હતું. આ સંસ્‍થા દ્વારા થતી સર્વોદય કેળવણી ટ્રસ્‍ટમાં જમા કરાવી અને ટ્રસ્‍ટના મુળભૂત હેતુ માટે ઉપયોગમાં લેવાતી હતી.

ફરિયાદમાં આગળ જણાવ્‍યું છે કે ૧૯૮૬થી ટ્રસ્‍ટના પી.ટી.આર. પર પ્રેસીડેન્‍ટ તરીકે હરીપ્રસાદ સ્‍વામીનું નામ આજદિન સુધી ચાલતું હતું. પરંતું ત્‍યાગ વલ્લભદાસ રેકર્ડ પર સેક્રેટરી હોવાના નાતે ટ્રસ્‍ટ અને ટ્રસ્‍ટ દ્વારા સંચાલીત આત્‍મીય યુનિવર્સિટી અને બીજી શૈક્ષણિક સંસ્‍થાનો તમામ વહીવટ કરતા હતા. ત્‍યારબાદ ૨૦૨૧માં હરીપ્રસાદ સ્‍વામીજીનું અવસાન થયા બાદ તેના તાબા હેઠળના તમામ ટ્રસ્‍ટો સંબંધે સાધુ ત્‍યાગ વલ્લભ અને પ્રમસ્‍વરૂપ દાસે ગેરરીતિઓ આચરી હોવાનું ધ્‍યાને આવ્‍યું હતું. આથી મેં અને ધર્મદીપભાઈ પટેલે જુદા જુદા ટ્રસ્‍ટોની શોધખોળ શરૂ કરી હતી. આ શોધખોળમાં ઓડીટ રીપોર્ટ અને બેંક સ્‍ટેટમેન્‍ટ અને અન્‍ય કાગળોના આધારે તેને જાણવા મળ્‍યું હતું કે આ ટ્રસ્‍ટના સેક્રેટરી અને ટ્રસ્‍ટી ધર્મેશ જીવાણી, તેના પત્‍નિ વૈશાખીબેન અને નિલેશ મકવાણાએ મેળાપણું કરી ટ્રસ્‍ટના આશરે ૩૩ કરોડ ૩૬ લાખ રૂપિયાની ઉચાપત કરી છે.

આ ટ્રસ્‍ટના સેક્રેટરી અને મળતીયાઓએ ૨૦૦૪થી એક આત્‍મીય ટેક ઉત્‍કર્ષ નામનું ભુતીયું ખાતું બેકમાં ખોલાવી ટ્રસ્‍ટ સંચાલીત અનેક સંસ્‍થાઓમાંથી કટકે કટકે રૂા.૩ કરોડ ૩૬ લાખ ખાતામાં જમા કરાવ્‍યા હતા. ત્‍યારબાદ આ ભુતીયા ખાતામાંથી એક ઈન્‍ફીનીટી વર્ક્‍સ ઓમ્‍ની ચેનલ પ્રા.લી.માં ડમી એગ્રીમેન્‍ટના આધારે ૩ કરોડ ૩૬ લાખ જમા કરાવી દીધા હતા. બાદમાં આ ખાનગી કંપનીના ડિરેક્‍ટરોમાં ધર્મેશ, તેની પત્‍નિ વૈશાખીબેન અને નિલેશ મકવાણાના નામો હતો. કંપનીના ખાતામાંથી રકમ ટ્રસ્‍ટના સેક્રેટરીના મેળાપણાથી ઉપાડી લઈ ઉચાપત કરી હતી. આ ખાનગી કંપની અને ટ્રસ્‍ટની વચ્‍ચે ડમી આઈ.ટી. સર્વિસ રીલેટેડ એગ્રીમેન્‍ટ જનરેટ કરી તેના આધારે આત્‍મીય ઉત્‍કર્ષમાંથી ૩ કરોડ ૩૬ લાખ આ ડમી કંપનીમાં ટ્રાન્‍સફર કરી ઉચાપત કરી હતી.

આ પૈસાની ઉચાપત માટે જે સર્વિસ પ્રા.લિ. કંપનીએ આજ સુધી કોઈ દિવસ આપી જ નથી એવી સર્વિસના નામનો ડમી એગ્રીમેન્‍ટ ઉભો કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ઈન્‍કમ ટેક્ષ, ચેરીટી કમિશન અને ટ્રસ્‍ટના સભ્‍યો અને બેનીફીશીયરી સાથે છેતરપિંડી કરી હતી. તેમજ ૨૦૧૪થી આજ સુધી સર્વોદય કેળવણી ટ્રસ્‍ટ સંચાલીત જુદી જુદી સંસ્‍થાઓમાં ભુતીયા કર્મચારીઓ ઉભા કરી તેના નામ કર્મચારી તરીકે બતાવી જુદા જુદા બેંક ખાતાઓ ખોલી તે રકમ રોકડેથી ઉપાડી લીધા બાદ ટ્રસ્‍ટના સેક્રેટરી, ધર્મેશ જીવાણી અને સમીર વૈદ્યએ અંગત ઉપયોગમાં લઈ તે રીયલ એસ્‍ટેટમાં ઈન્‍વેસ્‍ટ કરી લીધા હતા.

ફરિયાદમાં પવિત્રભાઇએ આગળ જણાવ્‍યું છે કે ત્‍યાગ વલ્લભદાસએ જુદા જુદા સમયે ટ્રસ્‍ટમાંથી અને ટ્રસ્‍ટ સંચાલિત સંસ્‍થાઓમાંથી મોટાપાયે રોકડ બેંક ખાતામાંથી તેના અંગત ઉપયોગ માટે લઈ લીધી હતી. તેમજ આ રકમને ઉચાપત કરવાના ઈરાદે કોઈપણ કર્મચારીને ચુકવાયેલ ન હોવા છતાં આ રકમને સેલેરી એકાઉન્‍ટ ખાતે ઉધારી, ભુતીયા કર્મીઓના નામે ગેરકાયદે રોકડ વ્‍યવહારથી ૩૦ કરોડ અંગત લાભ માટે લઈ લીધા હતા.

૨૦૧૬-૧૭માં અમુક ખાતા સંબંધે ઈન્‍કમ ટેક્ષ શાખાનું ધ્‍યાન પડવાથી અમુક ખાતાઓ જાહેર કરાયા હતા. પરંતુ આ તમામ ખાતાઓ ડમી ખાતાઓ તરીકે ૨૦૧૪થી આજસુધી પૈસાની ઉચાપત માટે ઉપયોગમાં લેવાતા હતા. ડમી ખાતાઓને સાચા ખાતાઓ બતાવી ટ્રસ્‍ટના વ્‍હાઈટ પૈસા બ્‍લેકમાં કન્‍વર્ટ કરી અંગત હેતુ માટે ઉપયોગમાં લઈ ઉચાપત કરવામાં આવી હતી. તેમ એફઆઇઆરના અંતમાં જણાવાતાં તાલુકા પોલીસ મથકના પીઆઇ વી.આર. પટેલ દ્વારા ગુનો દાખલ કરી પુરાવા એકઠા કરવાની તજવીજ શરૂ થઇ છે.

(1:04 pm IST)