Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

જળક્રાંતિ ટ્રસ્‍ટનું છઠ્ઠુ અભિયાન : હવે પ્રાકૃતિક પધ્‍ધતિથી જંગલ નિર્માણ

વર્ષાઋતુના પ્રારંભે કાંટાવાળા વૃક્ષોના ઝુંડમાં દેશીકુળના બીજનું વાવેતર કરવા મનસુખભાઇ સુવાગીયાની અપીલ : ૫૦ ગામોને ૧૦૦ પ્રકારના દેશી કુળના વૃક્ષો-વેલાના બીજ અને ૨૫ પ્રકારની દેશી કેરીના ગોટલા અર્પણ : પ્રાંસલા અને વડેખણમાં સેમીનારો સંપન્ન : અંબાલાલ પટેલ સહિત ૧૫ વર્ષા જયોતિકારોનું સન્‍માન

રાજકોટ તા. ૧૦ : દેશને જળક્રાંતિ, ગીર કાંકરેજ ગોક્રાંતિ, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, લુપ્‍ત થતા દેશી કૃષી બીજ અને દેશી આંબાની સુરક્ષા, જળ-જમીન-જંગલ-જીવસૃષ્‍ટિ અને જનસમાજનું જતન-વિકાસની દિવ્‍યગ્રામ યોજના પછી જળક્રાંતિ ટ્રસ્‍ટના પ્રણેતા મનસુખભાઇ સુવાગીયા દ્વારા છઠ્ઠા અભિયાનરૂપે પ્રાકૃતિક પધ્‍ધતિથી જંગલ નિર્માણનો પ્રારંભ કરાયો છે.

આ છઠ્ઠા કદમના ભાગરૂપે વૃક્ષો, ક્ષુપ, છોડ અને વેલાના ૧૦૦ પ્રકારના દેશી બીજનું કાંટાવાળા વૃક્ષોના ઝુંડમાં વર્ષાઋતુના પ્રારંભે બીજથી વાવેતર કરીને પ્રાકૃતિક પધ્‍ધતિથી જંગલ નિર્માણના નવા અભિયાનનો પ્રારંભ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે મનસુખભાઇ સુવાગીયાએ ૩૦ વર્ષની ઉંમરે ગૌચર ભુમિમાં થોર, ચણીબોર, કંથાર, કરમદા, કેરડા, તલ બાવળ જેવા કાંટાવાળા ક્ષુપના ઝુંડ વચ્‍ચે લીમડો, જાંબુડો, પીપળો, વડ, પીપર, ગુંદો, ગોરસ આમલી, પીલુડી, રતગરોહીડો, ખાખરો જેવા દેશી કુળના વૃક્ષોને કુદરતી રીતે જ બીજથી ઉગીને ૧૫ થી ૨૫ ફુટ સુધી વિકસેલા જોયા.

તેઓને કુદરતની યોજના સમજાઇ ગઇ કે પક્ષીઓ પાકા ફળ ખાઇને કાંટાવાળા વૃક્ષોમાં રાત્રી નિવાસ કરે છે. ત્‍યારે તેમની ચરકમાં બીજ છોડે છે અને બાદમાં એ બીજ વર્ષાઋતુમાં ઉગીને કાંટાવાળા વૃક્ષોના સુરક્ષા કવચ વચ્‍ચે આરામથી ઉછરે છે. આમ કુદરતી જંગલનું નિર્માણ આગળ ધપતું રહે છે.

તેની સામે જંગલ ખાતુ ગામે ગામ ચોરસ માપથી રોપા વાવે છે. જેની નોંધપાત્ર સફળતા આજસુધી કયાંય જોવા મળી નથી. દર વર્ષે અબજો રૂપિયા અને માનવ શક્‍તિ વેડફાય જાય છે. ત્‍યારે હવે કુદરતી જંગલ નિર્માણની દિશામાં જ આગળ વધવા જળક્રાંતિ ટ્રસ્‍ટે પ્રેરક નિર્ણય લીધો છે અને આ માટે છઠ્ઠુ અભિયાન હાથ ઉપર લીધુ છે.

છઠ્ઠા અભિયાનની દાંડી પીટવા જળક્રાંતિ ટ્રસ્‍ટ દ્વારા તાજેતરમાં મોડલ ગામ પ્રાંસલા અને વડેખણ (તાલુકો ઉપલેટા) ખાતે સેમીનારોનું આયોજન કરાયુ છે. મનસુખભાઇ સુવાગીયાના માર્ગદર્શન હેઠળ ગ્રામજનોએ પ્રથમ વરસાદ પછી તરતજ પ દિવસનું શ્રમદાન કરી હજારો કાંટાવાળા ઝુંડમાં દેશી કુળના વૃક્ષોના બીજનું વાવેતર કર્યુ.  આ નવો વિચાર સફળ થયો અને ૯૦% બીજ ઉગી ગયા. આજે ઉજજડ ગૌચર ભુમિમાં આ વૃક્ષો ૧૫ થી ૨૦ ફુટ ઉંચા વિકસી ચુકયા છે. આ વૃક્ષોને પાણી પાવાની કે તાર ફેન્‍સીંગની કોઇ જરૂર નથી. ભારે પવન, વાવાઝોડુ, દુષ્‍કાળ પણ તેને નડતા નથી. આ સફળતાથી પ્રેરાઇને જળક્રાંતિ ટ્રસ્‍ટે પ્રાકૃતિક પધ્‍ધતિથી જંગલ નિર્માણની નવી યોજનાને રાષ્‍ટ્ર વિસ્‍તારીત કરવા સેમીનાર ગોઠવી ૫૦ ગામના ૨૦૦ લોકોને ભૌગોલિક વાતાવરણની પરખ, દેશી કુળના વૃક્ષો, ક્ષુપ, છોડ, વેલાનું મહત્‍વ અને તેના દ્વારા સરળ જીવસૃષ્‍ટિની સુરક્ષા અને સાચી જંગલ નિર્માણ પધ્‍ધતિ સમજાવવામાં આવી. જળક્રાંતિ ટ્રસ્‍ટ દ્વારા ૫૦ ગામોમાં જઇને ૧૦૦ પ્રકારના દેશી કુળના વૃક્ષોના બીજનું વિનામુલ્‍યે વિતરણ કરાયુ છે.

 સેમીદાનના અધ્‍યક્ષ ગાંધીવાદી વૈજ્ઞાનિક અને લોકભારતી વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્‍ટી અરૂણભાઇ દવે મનસુખભાઇ સુવાગીયાના આ નવતર અભિયાનને બિરદાવ્‍યુ છે અને આવી સેવાઓ બદલ તેઓનું ભારત રત્‍નથી સન્‍માન કરવા હીમાયત કરી છે.

આ સેમીનારના બીજા સત્રમાં વર્ષા વિજ્ઞાન સેમીનાર ગોઠવાયો હતો. જેમાં સૌરાષ્‍ટ્રમાંથી ૧૫ પુરૂષ વર્ષા જયોતિકારો અને એક ૮૦ વર્ષના અભણ મહિલા જીવતીબેન રોકડ ગામ મેવાસા, તા.જેતપુરથી ઉપસ્‍થિત રહ્યા હતા. સચોટ વર્ષા જયોતિષકાર અંબાલાલભાઇ પટેલ -દેત્રોજ અને રમણીકભાઇ વામજા - વંથલીનું આ તકે સફળ વર્ષા જયોતિષકાર તરીકે જળક્રાંતિ ટ્રસ્‍ટ દ્વારા સન્‍માન કરાયુ હતુ.

ધોરાજી કોલેજના પ્રિન્‍સીપાલ રવજીભાઇ રોકડે બન્ને સેમીનારોનું સંચાલન કરેલ. જળક્રાંતિ ટ્રસ્‍ટ અને મનસુખભાઇ સુવાગીયા (મો.૯૪૨૬૨ ૫૧૩૦૧)ની પરંપરા મુજબ દેશી ગાયના ઘી નો રાજગરાનો શીરો તેમજ સાથે પ્રાકૃતિક ભોજન પીરસાયુ હતુ. તેમ જળક્રાંતિ ટ્રસ્‍ટની એક યાદીમાં જણાવાયુ છે.

(3:56 pm IST)