Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

સિવિલ હોસ્‍પિટલના સુવિધા મેડિકલ સ્‍ટોરનું ટેન્‍ડર પુરુ થઇ ગયું છતાં આગળની કાર્યવાહી કેમ નહિ?

પ્રદેશ કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાની તબિબી અધિક્ષકને વિસ્‍તૃત રજૂઆતઃ વિવિધ સવાલોના જવાબો માંગ્‍યા

રાજકોટ તા. ૧૦: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ શ્રીમતિ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ તબિબી અધિક્ષકને લેખિત રજૂઆત કરી સિવિલ હોસ્‍પિટલમાં આવેલા સુવિધા મેડિકલ સ્‍ટોરનું ટેન્‍ડર પુરુ થઇ ગયું હોવા છતાં શા માટે રીન્‍યુ કરવાની કાર્યવાહી થઇ નથી? આ સહિતની બાબતે તપાસ કરવા માંગણી કરી છે.

તેમણે લેખિત રજૂઆતમાં જણાવ્‍યું છે કે સિવિલ હોસ્‍પિટલમાં મુખ્‍ય પ્રવેશદ્વાર નજીક જ આવેલા સુવિધા મેડિકલ સ્‍ટોરના ટેન્‍ડરનો સમયગાળો પુરો થઇ ગયો છે કે કેમ? તેની તત્‍કાલ તપાસ કરવી જરૂરી છે. આ મેડિકલો સ્‍ટોર ચલાવતી એજન્‍સી પાસેથી ટેન્‍ડરની શરતો મુજબ વસુલવામાં આવતી રકમ અત્‍યાર સુધી વસુલવામાં આવી છે કે કેમ? કોઇ લેણી રકમ બાકી નીકળતી હોય તો તેની રેવન્‍યુ ન વસુલવાના કારણો અને તે અંગેના જવાબદાર અધિકારી-કર્મચારી સામે તેમજ આ કામની જેની જવાબદારી છે તેની સામે પગલા લઇ સરકારી નાણાની વસુલાત કરવા માંગણી છે.

આગળ જણાવાયું છે કે હોસ્‍પિટલમાં આવેલા સુવિધા મેડિકલ સ્‍ટોરનું લાઇટ બીલનું ચુકવણુ જે તે એજન્‍સી મારફત થાય છે કે હોસ્‍પિટલ મારફત? તેની તપાસ કરી કાર્યવાહી કરવી જરૂરી છે. મેડિકલ સ્‍ટોરમાં શરતો મુજબ ફરજ બજાવતાં ફાર્માસિસ્‍ટ, કર્મચારીઓની સંખ્‍યા તેમને ચુકવવામાં આવતાં વેતન બેંક એકાઉન્‍ટમાં જમા થાય છે કે કેમ? તેની પણ તપાસ કરવી જરૂરી છે. તેમ વધુમાં શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ જણાવી તાકીદે કાર્યવાહી કરવા માંગણી કરી છે.

(4:14 pm IST)