Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

ગોવર્ધન ચોક પાસે કાર લે-વેચના ધંધાર્થી વિશાલભાઇ વાડોદરીયા સાથે ૩.૪૦ લાખની ઠગાઇ

ઇકો કારનું વેચાણ કર્યા બાદ ઇમરાન ડેલા અને તેનો મિત્ર દિલીપ અગ્રવાતે કાર લઇ ગયા બાદ પૈસા ન આપી છેતરપીંડી કરી : તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ

રાજકોટ,તા. ૧૦ : ચાલીસ ફુટ રોડ પર કાર લે-વેચના ધંધાર્થી પાસે ઇકો કાર સોદો કર્યા બાદ કાર અને કાગળો લઇ ગયા બાદ રૂા. ૩.૪૦ લાખ ન આપી છેતરપીંડી આચરતા બે શખ્‍સો સામે તાલુકા પોલીસમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મવડી બાપાસિતારામ ચોક પાસે પંચનાથ સોસાયટી શેરી નં. ૨માં રહેતા વિશાલ જમનભાઇ વાડોદરીયા (ઉ.વ.૨૮)એ તાલુકા પોલીસ મથકમાં ખોડીયાર પરાના ઇમરાન હનીફભાઇ ડેલા અને તેનો મિત્ર દિલીપ ત્રંબકલાલભાઇ અગ્રાવત સામે ફરિયાદ નોંધાવી છે. વિશાલે ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતે દોઢ સો ફુટ રોડ પર ગોવર્ધન ચોક ખાતે શિવમ ઓટો કન્‍સલ્‍ટન્‍ટ નામનું ગેરેજ ધરાવી ગાડી લે-વેચનું કામ કરે છે અને અશરફભાઇ પોતાના ગેરેજમાં મહેતાજીનું કામ કરે છે. અને મુકેશ ગેરેજમાં કલર અને બોડીકામ કરે છે તા. ૯/૪ના રોજ પોતે પોતાના ધંધાર્થી મિત્ર મોહસીન ગોંડલવાળા પાસેથી એક જીજે-૩કેએચ-૭૭૩૯ નંબરની ઇકો કાર ૨.૯૪ લાખમાં લીધી હતી. પોતે ગાડી લે-વેચનો ધંધો કરતા હોય અને પોતાને આ ગાડી કમીશનથી વેચવાની હોય જેથી પોતે આ કામ પોતાના નામે કરાવી ન હતી. બાદ પોતે આ ઇકો બાર વેચવા માટે મુકી હતી તા. ૧૦/૪ ના રોજ ગાડી લે-વેચનો ધંધો કરતો ઇમરાન હનીફભાઇ ડેલા આ ઇકોકાર જોવા માટે આવક્ષ્યો હતો અને આ કામ તેના મિત્ર દિલીપ ત્રબકલાલ અગ્રાવતને આ કારનો સોદો કરવાનું કહ્યું હતું. બાદ ઇમરાન અને તેનો મિત્ર દિલીપ બંને પોતાના ગેરેજ આવ્‍યા હતા અને કાર અને તેના કાગળો જોયા બાદ રૂો ૩.૪૦ લાખમાં કાર લેવાનું નક્કી કર્યું હતું. બાદ સાંજે ઇમરાન પોતાના ગેરેજ બાઇક લઇને આવ્‍યો હતો. તેમણે કહેલ કે ‘દિલીપભાઇનો ફોન આવ્‍યો હતો કે ગાડી અને ગાડીના કાગળો લઇ આવો અને પૈસા તૈયાર છે લઇ જાઓ તેમ વાત કરી હતી પોતે કૌટુંબીક કામથી રોકાયેલ હોય પોતે ગેરેજમાં કામ કરતા અશરફ અને મુકેશને ઇમરાન સાથે ગાડી અને તેના કાગળો લઇને દિલીપની મહાકાળી ગેરેજ મોકલી આપ્‍યા હતા ત્‍યાં દિલીપ અને તેનો મિત્ર પ્રવિણ હાજર હતા. અશરફે દિલીપભાઇ પુરા પૈસા આપવાનું કહેતા દિલીપે જાણી જોઇને ૩ લાખ રોકડા તેના માણસ ઇમરાનને આપ્‍યા હતા. અને બાકીના ૪૦ હજાર વિશાલના ખાતામાં ઓનલાઇન મોકલવાનું કહ્યું પરંતુ દિલીપે જાણી જોઇને ગાડી ગેરેજ પર પહોંચે ત્‍યારે તેનો માણસ ઇમરાનને ઓનલાઇન મોકલી આપશે તેમી કહી અશરફને પૈસા આપેલ નહીં તેમજ દિલીપે પોતાના કર્મચારી અશરફને કહેલ કે તમારા ગાડીના પૈસા પુરા મળી જાય ત્‍યારે આ ગાડીનું એશોસીએશનનું લખાણ મારે દિલીપને કરી આપવાનું છે. જેથી ગાડી અને ગાડીના કાગળો દીલીપને આપીને અશરફ અને મુકેશ તથા આ ઇમરાન ડેલા પોતાના ગેરેજ આવવા માટ. નિકળ્‍યા હતા જેમાં ઇમરાન ઇકોકાર ચલાવતો હતો અને રૂા. ૩ લાખ તેની પાસે હતા અને અશરફ અને મુકેશ બાઇક પર આવતા હતા ત્‍યારબાદ રૂા. ૩ લાખ ન આપી બાઇક લઇને ભાગી ગયો હતો. બાદ કર્મચારી મુકેશે પોતાને ફોન કરી ઇમરાન સોદાના પૈસા લઇને ભાગી ગયો છે તેમ વાત કરતા પોતે ગેરેજ આવ્‍યા બાદ પોતે પોલીસ સ્‍ટેશનમાં જાણ કરતા પોલીસે દીલીપને બોલાવેલ ત્‍યારે ગાડીનો કબજો લેવા બાબતે બંને વચ્‍ચે મતભેદ થતા પોતે ફરિયાદ કરી ન હતી. પરંતુ ઇમરાન ડેલાની શોધખોળ કરી છતા સોદાના રૂા. ૩.૪૦ લાખ ન મળતા પોતે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ પી.પી.ચાવડાએ તપાસ હાથ ધરી છે.

 

(4:38 pm IST)