Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

શહેરમાં ટીટીસી એપ્‍લીકેશન મારફતે લોકો સાથે લાખોની ઠગાઇઃ સાયબર ક્રાઇમ પોલીસની તપાસ

છેતરાયેલા લોકોને તુરત પોલીસ સ્‍ટેશને સંપર્ક કરવા પીઆઇ કે. જે. રાણાનો અનુરોધ

રાજકોટ તા. ૧૦: શહેરમાં અનેક લોકો નવી નવી તરકીબો મારફત સાયબર ફ્રોડનો ભોગ બનતાં હોય છે. આવી ફરિયાદો રોજબરોજ સાયબર ક્રાઇમ પોલીસને મળતી હોય છે. દરમિયાન હવે શહેરમાં ટીટીસી એપલીકેશન મારફત ઠગાઇ કરવાનુ઼ શરૂ થયું છે. સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી ટીટીસી એપમાં રોકાણ કરવાથી વધુ વળતર આપવાની લાલચ આપી અનેક શહેરીજનો સાથે લાખો રૂપિયાની ઠગાઇ કરવામાં આવી હોવાનું ખુલતાં સાયબર ક્રાઇમ પોલીસે તપાસ આરંભી છે. તેમજ લોકો આ પ્રકારની ઠગાઇનો ભોગ બન્‍યા હોય તો સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશને સંપર્ક કરવા જણાવ્‍યું છે.

જાણવા મળ્‍યા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફાયનાન્‍સીયલ ફ્રોડની અરજીઓ આવી હતી. જેની તપાસ થતાં આ ફ્રોડ ટીટીસી એપ્‍લીકેશન દ્વારા થયું હોવાનું જાણવા મળ્‍યું હતું. પોલીસે આ મામલે ઉંડાણપુર્વક તપાસ કરતા અનેક લોકો તેનો ભોગ બન્‍યા હોવાનું જાણવા મળ્‍યું હતું. પોલીસે જણાવ્‍યું કે ફાયનાન્‍સીયલ ફ્રોડની અરજીઓ મળતા તપાસ શરૂ કરાઇ હતી. જેમાં લાખો રૂપિયાની છેતરપિંડી થયાનું પ્રારંભીક તપાસમાં ખુલ્‍યું છે. હાલ ભોગ બનનારા દસ જેટલા લોકોએ પોલીસનો સંપર્ક કર્યો છે.

સાયબર ક્રાઇમ પોલીસે અરજીના આધારે ચારેક શખ્‍સોને પૂછપરછ માટે પણ પોલીસે બોલાવ્‍યા હતા. જેમાં ફ્રોડ કરનાર શખ્‍સો પ્રથમ સોશિયલ મીડિયા મારફતે ટીટીસી એપની જાહેરાત કરતા હતા. આ એપમાં રોકાણ કરવાથી વધુ વળતર આપવાનું જણાવી લોકોને શીશામાં ઉતારી રોકાણ કરેલી રકમમાંથી થોડી રકમ પરત આપી બાકીની રકમ ખાઇ જતાં હતાં. ટીટીસી એપ્‍લીકેશન મારફત છેતરાયા હોય તો સંપર્ક કરવા પીઆઇ કે. જે. રાણાએ જણાવ્‍યું છે.

(4:27 pm IST)