Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

૧૮ જૂન સુધીમાં રાજકોટના લોકમેળાનું ‘અફલાતૂન' નામ મોકલો

ઇનામો અપાશે : વધુમાં વધુ બે નામો મોકલી શકાશે : સૌરાષ્‍ટ્રની ભાતીગળ સંસ્‍કૃતિને અનુરૂપ નામ મોકલવા અપીલ

રાજકોટ તા. ૧૦ : રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં આગામી જન્‍માષ્ટમી નિમિત્તે ૫ થી ૯ સપ્‍ટેમ્‍બર દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા લોકમેળાનું આકર્ષક શીર્ષક મેળવવા માટે સ્‍પર્ધા યોજવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. આકર્ષક શીર્ષક આપનારા સ્‍પર્ધકને પુરસ્‍કારથી નવાજવામાં આવશે.ᅠરાજકોટ શહેરમાં પ્રતિવર્ષ પવિત્ર શ્રાવણ માસના રાંધણ છઠ્ઠથી લોકમેળો યોજવામાં આવે છે, જેનું સમગ્ર આયોજન લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા કરવામાં આવે છે. ૫ સપ્‍ટેમ્‍બર થી તા. ૯ સપ્‍ટેમ્‍બર સુધી યોજાનાર આ વર્ષ ના લોકમેળાનું શીર્ષક મેળવવા માટે સ્‍પર્ધા યોજવાનું નક્કી કરાયું છે. જેમાં કોઈપણ નાગરિક ટૂંકું, આકર્ષક, શિષ્ટ, મનોગમ્‍ય શીર્ષક મોકલી શકે છે. વધુમાં વધુ બે શીર્ષક મોકલી શકાશે. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્‍કૃતિ, પરિવેશ, રહેનસહેન, લોકજીવનને અનુરૂપ હોવું જોઇએ. સ્‍પર્ધકે પોતાની એન્‍ટ્રી પત્રથી અથવા ઇ-મેઇલથી મોકલવાની રહેશે.એન્‍ટ્રી મોકલનારા સ્‍પર્ધકે સુવાચ્‍ય અક્ષરમાં પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર લખવાનો રહેશે. ઇમેઇલથી મોકલનાર સ્‍પર્ધકે પણ સરનામુ અને સંપર્ક નંબર અચૂક લખવાનો રહેશે. આ એન્‍ટ્રી મોકલવાની છેલ્લી તારીખ - ૧૮/૦૬/૨૦૨૩ᅠ સુધીમાં મોકલી આપવાની રહેશે. આ સ્‍પર્ધામાં કોઇ પણ ભાગ લઇ શકશે. પ્રાપ્ત થયેલી એન્‍ટ્રીમાંથી લોકમેળા સમિતિ દ્વારા આખરી શીર્ષક પસંદ કરવામાં આવશે. પસંદગી બાબતે લોકમેળા સમિતિનો નિર્ણય આખરી ગણાશે. સ્‍પર્ધકોએ એન્‍ટ્રી મોકલવાનું સરનામું લોકમેળા અમલીકરણ સમિતિ, કલેકટર કચેરી, ખાસ શાખા, શ્રોફ રોડ, રાજકોટ. જયારે ઇ-મેઇલ આઇ.ડી.  collectorsbranch@gmail.com તથા Collector-raj@gujarat.gov.in ᅠઉપર મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલી એન્‍ટ્રી ધ્‍યાને લેવામાં આવશે નહીં. તેમ નિવાસી અધિક કલેક્‍ટરશ્રી એસ. જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.ᅠ

(4:42 pm IST)