Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

આવતીકાલે ૫૧ સ્‍થળોએ ૫૦ હજાર પોલીસ કર્મચારીઓને સીપીઆરની તાલિમ અપાશેઃ અંગદાનનો લેવાશે સંકલ્‍પ

શાંતિ, સલામતિ અને સેવાની સાથે સાથે હવે સ્‍વાસ્‍થ્‍યનો રંગ પણ ખાખી શહેર પોલીસ માટે પીડીયુ સિવિલ હોસ્‍પિટલના નર્સિંગ હોલ ખાતે રવિવારે સવારે ૯ થી ૫ સુધી યોજાશે કેમ્‍પ : પોલીસ કર્મચારીઓ લીવર, કિડની, ફેફસા, નાનુ આતરડુ, હૃદય, ગર્ભાશય, સ્‍વાદુપિંડના દાનનો સંકલ્‍પ કરશે

રાજકોટ તા. ૯: કોરોના મહામારી બાદ ગુજરાતમાં ખાસ કરીને યુવાઓમાં હાર્ટએટેકનું પ્રમાણ વધી ગયું છે. આ ચિંતાજનક પ્રમાણ સામે રાજ્‍યની પોલીસ સજાગ બની છે. જે તે પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતાં કોઇ પોલીસ કર્મચારી કે લૉકઅપમાં રહેલા કેઈ આરોપીને હાર્ટ એટેક આવે અથવા તો તેના લક્ષણો દેખાય તો તે વ્‍યક્‍તિને તાકીદે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવે એ પહેલા તેને સીપીઆર આપવામાં આવે તો તેનો જીવ બચી શકે. આ માટે આવતીકાલે ૧૧મીએ ગુજરાત પોલીસના ઇતિહાસમાં પહેલી જ વખત ૫૧ સ્‍થળો પર ૫૦ હજારથી વધુ પોલીસ જવાનોને સીપીઆરની તાલિમ આપવામાં આવશે. સાથે સાથે આ દિવસે પોલીસ કર્મચારીઓ લીવર,  ફેફસા, કિડની, હૃયદ, ગર્ભાશય, સ્‍વાદુપિંડ,નાનું આંતરડું સહિતના અંગોનુ દાન કરવા માટેનો સંકલ્‍પ પણ કરશે.. રાજોટમાં શાંતિ સલામતી અને સેવાની સાથે સાથે હવે સ્‍વાસ્‍થ્‍યનો રંગ પણ ખાખી નજર પડશે.

આવતી કાલે રવિવારે ગુજરાતભરમાં ૫૧ સ્‍થળો પર ૫૦ હજારથી વધુ પોલીસ જવાનો સીપીઆર ટ્રેનીંગ મેળવશે. આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ તથા ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ મનુષ્‍યની જિંદગીને બચાવવા માટે અત્‍યંત મહત્‍વની ફર્સ્‍ટ એઇડ (પ્રાથમિક સારવાર) પ્રકારની સીપીઆર અંગેની માહિતી અને તાલીમ આપશે. આ તાલિમ મારફત તેઓ પ્રજાના અને આરોપીઓના જીવન બચાવવા માટેનો અનુરોધ કરાશે. આમ કરીને પોલીસ શાંતિ, સલામતિ, સેવાની સાથે સાથે સ્‍વાસ્‍થ્‍યને લગતી ફરજ પણ બજાવશે. આ ઉપરાંત ઉચ્‍ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં પ્રજાના હિતાર્થે અંગદાનને મહા અભિયાન બનાવવા માટે એક સાથે ૫૦ હજારથી વધુ જવાનો અંગદાન કરવાનો મહાસંકલ્‍પ કરશે.

રાજકોટ શહેર પોલીસ કર્મચારીઓને પણ સીપીઆરની તાલિમ આવતીકાલે આપવામાં આવશે. શહેર પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત રવિવારે સવારે ૯ થી સાંજે ૫:૦૦ સુધી પીડીયુ સિવિલ હોસ્‍પિટલના નર્સિંગ હોલ ખાતે શહેરના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ માટે સીપીઆર તાલિમ કેમ્‍પનું આયોજન કરાયું છે. હાલમાં હાર્ટએટેકના બનાવ વધી રહ્યા છે. ત્‍યારે પોલીસ સ્‍ટેશનમાં યુવાનથી માંડી વયોવૃધ્‍ધ એમ તમામ ઉમરના આરોપીઓ આવતાં હોય છે.  આ પૈકીના કોઇને જો હાર્ટએટેક આવે તો તેની ત્‍વરીત પ્રાથમિક સારવાર કરી શકાય, સીપીઆર આપી શકાય તે માટે આ તાલિમ ખુબ મહત્‍વની બની રહેશે. શહેરના પોલીસ સ્‍ટેશનોમાં સીપીઆર અંગેના પોસ્‍ટરો લગાવાયા હતાં. તેમજ અગાઉ પણ તાલિમ અપાઇ હતી. પોલીસ સ્‍ટેશનોમાં બ્‍લડપ્રેશર મશીન અને જરૂરી દવા પણ ઉપલબ્‍ધ રાખવામાં આવે છે. આવતી કાલે રાજ્‍યભરમાં ૫૦ હજાર જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સીપીઆરની તાલિમ લેવા સાથે અંગદાનનો સંકલ્‍પ કરશે તેમાં રાજકોટ પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ પણ સામેલ હશે. અંગદાન કરવા માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩૫૫૩૩ ઉપર સંપર્ક કરી શકાય છે.

(4:49 pm IST)