Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

હીરાસર એરપોર્ટ રન-વે, એઇમ્સનો રોડ, ડિસ્ટ્રીક કોર્ટ બિલ્ડીંગના પ્રોજેકટો સમયસર પૂર્ણ કરવા અરૂણ મહેશબાબુના પ્રયાસો

કલેકટર તંત્ર હસ્તકના પ્રોજેકટોની સમીક્ષા બેઠક યોજતા કલેકટર

રાજકોટ તા. ૧૦ : જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લાના અગ્રીમ પ્રોજેકટસની પ્રવર્તમાન સ્થિતિ અને પ્રકલ્પો વહેલી તકે સંપન્ન થાય તે માટે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકો યોજી જરૂરી એકસન પ્લાન તૈયાર કર્યો હતો.

ખાસ કરીને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના ડ્રિમ પ્રોજેકટ્સ હિરાસર ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ એઇમ્સ ઝડપભેર આગળ વધે તે માટે કાર્યરત એજન્સીઓ સાથે કલેકટરશ્રીએ મિટિંગ કરી હતી. પ્રોજેકટસ નિર્માણમાં તમામ અડચણો દૂર કરી ડેડલાઈન સાથે પૂર્ણ કરવા કલેકટરશ્રીએ વિશેષ ભાર મુકયો હતો. કલેકટરશ્રીએ કાર્યરત એજન્સીઓને એરપોર્ટ રનવે, એઇમ્સમાં કનેકિટવિટી રોડ, મુખ્ય બિલ્ડીંગ નિર્માણ કાર્યને અગ્રીમતા આપવા સૂચન કર્યું હતું.

કલેકટર અરૂણ મહેશ બાબુએ રાજકોટ ભાગોળે બનતી ડીસ્ટ્રીકટ કોર્ટની કામગીરી સંદર્ભે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી બિલ્ડિંગના કામ ઝડપી પૂર્ણ થાય તેમજ જરૂરી ઈંટેરીયર, રસ્તા સહિતના કામો પૂર્ણ કરવા સૂચના આપી હતી.

કલેકટરશ્રી દ્વારા ઈશ્વરીય પાર્ક ખાતે સાયન્સ સેન્ટર, પ્રેમ મંદિર પાસે આકાર પામતું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, માધાપર ચોકડી ખાતે ઓવર બ્રીઝ, જનાના હોસ્પિટલ, જૂની કલેકટર કચેરી ખાતે વિવિધ વિભાગના રીનોવેશન સહિતની કામગીરીની સમીક્ષા પણ આ તકે કરી હતી.

કલેકટર કચેરી ખાતે યોજાયેલ વિવિધ મિટિંગમાં પ્રાંત અધિકારી સર્વેશ્રી ચરણસિંહ ગોહિલ, સિદ્ઘાર્થ ગઢવી, વીરેન્દ્ર દેસાઈ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી નિતેષ કામદાર, સુરેન્દ્રનગર તેમજ ચોટીલાના અધિકારીશ્રીઓ, સિવિલના ડોકટર્સ તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રી અને કાર્યરત એજન્સીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:09 pm IST)