Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

સંત સુરદાસ યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં ૯૪૭ દિવ્યાંગ વ્યકિતઓને અંદાજે રૂ.૫૪.૪૬ લાખના લાભ અપાયા

દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીના ખાતામાં માસિક રૂ. ૬૦૦ કરાય છે જમા

રાજકોટ, તા. ૧૦ : સંત સુરદાસ યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં એપ્રિલ ૨૦૨૧-થી જૂન ૨૦૨૧ સુધીમાં ૯૪૭ દિવ્યાંગ વ્યકિતઓને અંદાજે રૂ.૫૪.૪૬ લાખના લાભ અપાયા હતા.

આ યોજનાઓનો લાભ ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યકિતઓ લઇ શકે છે. ૭૯ વયથી ઓછી વયના અને ૮૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યકિતઓ આ યોજનાની લાભ લેવાની પાત્રતા ધરાવે છે. જેમાં દરેક લાભાર્થીને તેમના ખાતામાં મહિને ડી.બી.ટી. મારફતે રૂ. ૬૦૦ ચૂકવવામાં આવે છે.

અરજદારે વિકલાંગ ઓળખકાર્ડની નકલ, ઉંમરનો દાખલો, વિકલાંગતા દર્શાવતું ડોકટરી સર્ટીફિકેટ, વિકલાંગ વ્યકિતનું નામ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબના યાદીમાં સમાવિષ્ટ હોય તો તેનો દાખલો, આધાર કાર્ડની નકલ અને બેંક એકાઉન્ટની નકલ, અરજીપત્રક સંપૂર્ણ ભરીને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બહુમાળી ભવન, બ્લોક નં.પ, રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતે રજૂ કરવાનું રહે છે. તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મેહુલગીરી ગોસ્વામીની યાદીમાં જણાવાયું છે.

(11:40 am IST)