Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

કાલે નરેશભાઈ પટેલનો જન્મદિવસઃ રાજકોટ સહિત ૧૫ સ્થળોએ યોજાશે મહારકતદાન કેમ્પ

અમદાવાદ, વડોદરા, સુરત, જુનાગઢ, પાટણ, જસદણ, ભરૂચ અને તોરીમાં બ્લડ ડોનેશન કેમ્પઃ સરકારી ગાઈડલાઈન સહિતના નિયમોના પાલન સાથે કાર્યક્રમનું આયોજન

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સતત ૨૧મા વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ મહામારીની આ પરિસ્થિતિમાં રકતની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા  ૧૧ જુલાઈના રોજ શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે રાજકોટ શહેર સહિત કુલ ૧૫ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. રાજકોટ ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, જૂનાગઢ, પાટણ, ભરૂચ, જસદણ અને તોરીમાં પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

 હાલ આ મહામારીની પરિસ્થિતિમાં થેલેસેમિયા સહિતના રોગના દર્દીઓને રકતની જરૂરિયાત ઉભી થઈ રહી છે ત્યારે શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુકત ઉપક્રમે તા. ૧૧ જુલાઈના રોજ સવારે ૮ થી બપોરે ૧૨ વાગ્યા સુધી રાજકોટ શહેરના બે સ્થળે (૧) શ્રી સરદાર પટેલ ભવન, ન્યુ માયાણીનગર, ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે, મવડી (૨) પટેલ વાડી, બેડીપરા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાએલ છે.

આ ઉપરાંત સવારે ૮ થી ૧૨ વાગ્યા સુધી જૂનાગઢ શહેરના શિવમ પાર્ટી પ્લોટ, સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ વાગ્યા સુધી અમદાવાદમાં નિકોલ રોડ પર શ્રી ખોડિયાર મંદિર, પાટણમાં સવારે ૯ થી ૧ વાગ્યા સુધી જુના સિવિલ હોસ્પિટલ, સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ વાગ્યા સુધી ભરૂચના છિદ્રામાં, સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ વાગ્યા સુધી જસદણના પાટીદાર શૈક્ષણિક ભવન અને અમરેલીના તોરી ગામે સવારે ૮:૩૦ કલાકેથી બોરડ પરિવારના કુળદેવી માતાજીના મંદિરે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.

વડોદરા શહેરમાં પણ શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ દ્વારા સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન હરણી ગામ, વ્રજ કોમ્પલેક્ષ અને કરજણના કોઠાવ ગામે રાધાકૃષ્ણ મંદિર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે.

સુરત શહેરમાં પણ પાંચ અલગ અલગ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાનારા છે. જેમાં બપોરે ૨ થી સાંજના ૭ વાગ્યા દરમિયાન સરથાણામાં શ્રી ખોડલધામ કાર્યાલય, બપોરે ૧ થી સાંજના ૭ વાગ્યા દરમિયાન પુણાગામ ખાતે IMF માર્કેટ, સવારે ૯ થી ૨ વાગ્યા દરમિયાન કામરેજમાં યુનિટી પબ્લિક સ્કૂલ, બપોરે ૧ થી સાંજના ૭ વાગ્યા દરમિયાન યોગી ચોકના અભિષેક આર્કેડ અને સવારે ૮ થી ૨ વાગ્યા દરમિયાન કતારગામની અંકુર વિદ્યાલય ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.

શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે દર વર્ષે યોજાતા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રકતદાતાઓ ઉમટી પડે છે ત્યારે આ વર્ષે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન જરૂરી હોવાથી તમામ નિયમોનું પાલન થાય તે  પ્રકારે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રકતદાન કરવા આવનાર દરેક વ્યકિતએ ફરજિયાત માસ્ક પહેરીને જ આવવાની અપીલ કરાઈ છે.

(11:41 am IST)