Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

કૈલાસધામ આશ્રમ યોજીત જગન્નાથજી રથયાત્રાનો રૂટ ટુંકાવાયો : મંદિર પરિસરમાં આખો દિવસ દર્શનનો લાભ

સોમવારે સવારે ૭.૩૦ વાગ્યે આરતી પૂજન : મહાનુભાવોની ઉપસ્થિતિમાં રથયાત્રાને પ્રસ્થાન અપાશે : નિયત રૂટ પર ફરી નીજ મંદિરમાં દર્શન ખુલ્લા મુકાશે : અનેરી રોશની

રાજકોટ તા. ૧૦ : છેલ્લા ૧૩ વર્ષથી રાજકોટમાં યોજાઇ રહેલ ભગવાની જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે કોરોના સંક્રમણની સ્થિતિ ધ્યાને લઇ ટુંકાવી દેવામાં આવી છે.

શ્રી જગન્નાથજી ભગવાન મંદિર કૈલાસધામ આશ્રમ નાનામૌવાની યાદીમાં જણાવ્યા મુજબ સરકારની ગાઇડ લાઇનને અનુસરીને યોજવામાં આવનાર આ રથયાત્રાનો રૂટ ટુંકાવી દેવાયો છે. જો કે મંદિર પરિસરમાં આખો દિવસ દર્શન ખુલ્લા રહેશે.

સવારે ૭.૩૦ વાગ્યે મંગળા આરતી, પૂજન બાદ શહેરના ઠાકોર સાહેબશ્રી માંધાતાસિંહજી જાડેજા, મેયર ડો. પ્રદીપભાઇ ડવ, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, નાનામૌવા ગામના અગ્રણીઓ, વોર્ડ નં. ૧૨ ના કોર્પોરેટરો, વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ, પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુ સાહેબ, મ્યુ. કમિશ્નર શ્રી અમિત અરોરાજી વગેરેની ઉપસ્થિતીમાં ૮.૩૦ વાગ્યે રથયાત્રાને પ્રસ્થાન કરાવાશે.

નીજ મંદિરથી નિકળી મોકાજી સર્કલ, સયાજી હોટલ, રાજહંસ પાર્ટી પ્લોટ, શાસ્ત્રીનગર ગેઇટ, નાના મૌવા રોડ, આશીર્વાદ મંડપ સર્વીસ થઇ ૧૦.૩૦ વાગ્યે રથયાત્રા નીજ મંદિરમાં પરત ફરશે. જયાં આખો દિવસ દર્શન ખુલ્લા મુકાશે. ભાવિકોએ સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્કના નિયમ પાલસ સાથે દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

આ વર્ષે મામેરાના યજમાન એસ. તિર્થવાણી છે. તેમના દ્વારા ભગવાન જગન્નાથજી, બહેન શ્રી સુભદ્રાજી અને ભાઇ શ્રી બલરામજીના વાઘા, શૃંગાર, સંતો મહંતોની પહેરામણીની વસ્તુઓ મામેરામાં અપાશે. મામેરા વિધિ નીજ મંદિરમાં જ સંપન્ન કરાશે. તેમ મંદિરના મહંતશ્રી ત્યાગી શ્રી મોહનદાસજી ગુરૂ રામકિશોરદાસજીની યાદીમાં જણાવાયુ છે.

(3:10 pm IST)