Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

કુવાડવા રોડ ડી-માર્ટ પાછળ એપાર્ટમેન્ટના સાતમા માળેથી ઝંપલાવી વૃદ્ધા જમનાબેનનો આપઘાત

વૃદ્ધાએ માનસિક બિમારીથી કંટાળી પગલુ ભર્યુઃ એપાર્ટમેન્ટના સીસીટીવી ફુટેજમાં વૃદ્ધાની આત્મહત્યાની ઘટના નજરે પડતા અરેરાટી

રાજકોટ, તા. ૧૦ :. કુવાડવા રોડ પર ડી-માર્ટની પાછળ આવેલા ક્રિષ્ટલ કોમ્પલેક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધાએ સાતમાં માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી વિગત મુજબ કૂવાડવા રોડ પર ડી-માર્ટની પાછળ આવેલા ક્રિષ્ટલ કોમ્પ્લેક્ષમાં બીજા માળે રહેતા વૃદ્ધા જમનાબેન અરજણભાઈ સોલંકી (ઉ.વ. ૬૫) આજે સવારે પોતાના ઘરેથી નીકળી સાતમા માળે જઈ સીડીની લોબીમાં આવેલ ગેલેરીમાંથી ઝંપલાવી દીધુ હતું.

બનાવ બનતા દેકારો બોલતા એપાર્ટમેન્ટના રહેવાસીઓ એકઠા થઈ ગયા હતા. બાદ કોઈએ તાકીદે ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા વૃદ્ધાને ગંભીર ઈજા થવાના કારણે તેનુ મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા બી-ડિવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. હિતેષભાઈ તથા રાઈટર રાજાભાઈએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

મૃતક જમનાબેનને સંતાનમાં ત્રણ પુત્ર છે. જે અલગ રહે છે. તેને ઘણા સમયથી માનસિક તકલીફ હોય તેથી કંટાળી જઈ વૃદ્ધાએ આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે એપાર્ટમેન્ટના સીસીટીવી ફુટેજ જોતા વૃદ્ધા પોતાના ફલેટમાંથી નીકળી પગથીયા ચડીને સાતમા માળે લોબીની ગેલેરીમાં જઈ કુદકો મારતા જોવા મળ્યા હતા.આ બનાવના પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(3:12 pm IST)