Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

લોકડાઉન-કર્ફયુના દોઢ વર્ષ બાદ રાજકોટમાં પ્રથમ મેગા-લોક-અદાલત યોજાઇ

લોકડાઉન દરમ્યાન થયેલા જાહેરનામા ભંગના કેસોમાં નજીવો દંડ ફટકારી કેસોનો નિકાલ કરાયોઃ અકસ્માત વળતરના કેસોમાં કરોડોનું વળતર આપી સ્થળ ઉપર ચેક આપી દેવાયાઃ નેગોશીએબલના ૭પ ટકા કેસોનો બે કલાકમાંજ નિકાલ, પતિ-પત્નિ વચ્ચેના વિવાદી કેસોમાં સમાધાન કરાવી નિકાલ કરાયોઃ સમાધાનકારી વલણના કારણે બન્ને પક્ષકારોના ઘરમાં દિવો પ્રગટે છેઃ મુખ્ય સેસન્સ જજ ઉત્કર્ષ દેસાઇઃ કોરાના ગાઇડ લાઇનનું ચુસ્તપાલન કરાયુ઼

રાજકોટ : લોકડાઉન કર્ફયુના ૧૭ મહિના બાદ આજે રાજકોટમાં પ્રથમ મેગા-લોક-અદાલત યોજાઇ હતી. વિસ્તૃત તસ્વીરોમાં ઉપરોકત પ્રથમ તસ્વીરમાં મુખ્ય સેસન્સ જજ શ્રી યુ.ટી.દેસાઇએ દિપ પ્રાગટય કરાવતા બાદ પક્ષકારોના હસ્તે પણ દિપ પ્રાગટય કરાવ્યું હતું. બાજુની તસ્વીરમાં વકીલો ઉપરાંત વિમા કંપનીના અધિકારીઓ દર્શાય છે. કોરોના ગાઇડ લાઇનનું પાલન કરીને પક્ષકારોને પ્રમાણ પત્ર, ચેક અર્પણ કરતા ન્યાયાધીશો દર્શાય છે. નીચેની તસ્વીરમાં જજીસ, કલેઇમ બારના પ્રમુખ, જીલ્લા સરકારી વકીલ વિગેરે દર્શાય છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૦ :.. ભારતમાં કોરાનાની મહામારી દરમ્યાન છેલ્લા દોઢ વર્ષથી બંધ રહેલ અદાલતોના કારણે લાખોની સંખ્યામાં કોર્ટોમાં કેસોનો ભરાવો થયો છે.  ત્યારે તાજેતરમાં અદાલતો ખુલતા અને કોરાનાના કેસોમાં ઘટાડો થતાં લોકડાઉન અને કફર્યુ બાદ આજે સૌપ્રથમ સમગ્ર ગુજરાતભરમાં લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ ખાતે આજે સવારના ૧૦.૩૦ કલાકે ડીસ્ટ્રીકટ જજ શ્રી ઉત્કર્ષ દેસાઇએ અન્ય ન્યાયાધીશોની હાજરીમાં લોક અદાલતનું દિપ પ્રગટાવીને ઉદ્ઘાટન કર્યુ હતું. ત્યારબાદ લોક અદાલતમાં આવેલા પક્ષકારોના હસ્તે પણ દિપ પ્રાગટય કરાવીને પક્ષકારોનો ઉત્સાહ વધાર્યો હતો.

લોક અદાલતને ખુલ્લો મુકતાં મુખ્ય સેશન્સ જજ શ્રી ઉત્કર્ષ દેસાઇએ જણાવ્યું હતું કે, લોક અદાલતમાં સમાધાન થાય તેમાં બંને પક્ષકારોને લાભ મળે છે. કોઇની જીત  નહિ અને કોઇની હાર નહિ  પક્ષકારો વિવાદ મુકત બને છે. અને બંનેના ઘરમાં દિવો થાય છે. અંદરની કડવાસ દુર થતાં વૈયન્સ્યથી મુકિત મળે છે, તેમજ કેસનો ઝડપી નિકાલ થતાં અપીલ પણ થતી નથી આમ પક્ષકારોને લોક અદાલત ઝડપી, સસ્તો, અને સારો ન્યાય અપાઇ છે.

આ પ્રસંગે મુખ્ય સેશન્સ જજ શ્રી ઉત્કર્ષ દેસાઇ ઉપરાંત અધિક સેશન્સ જજ શ્રી પ્રશાંત જૈન, સીનીયર સીવીલ જ્જ એચ. એસ. દવે, ચીફ મેજીસ્ટ્રેટ એસ. પી. મન્સુરી એડી. સીવીલ જજ શ્રી ઓઝા વિગેરે ઉપસ્થિત  રહ્યા હતાં.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, છેલ્લે તા. ૮-ર-ર૦ ના રોજ લોક અદાલત યોજાઇ હતી. ત્યારબાદ ભારતમાં કોરોના ફેલાતા છેલ્લા દોઢ વર્ષથી અદાલતો બંધ હતી. અને તાજેતરમાં કોર્ટો ખુલતાં આજે રાજકોટમાં કફર્યુ લોક ડાઉન બાદ પ્રથમ મેગા લોક અદાલત યોજાઇ હતી.

લોક ડાઉન દરમ્યાન આઇ. પી. સી. ૧૮૮ જાહેરનામા ભંગ અને જાહેર આરોગ્યને જોખમમાં મુકવા અંગે આઇ. પી. સી. ર૬૯ હેઠળનાં કેસો હજારોની સંખ્યામાં રાજકોટ પોલીસે કર્યા હતાં. અને લાખોની રકમનો દંડ ફટકાર્યો હતો. સમગ્ર ગુજરાતમાંથી કહેવાય છે કે, કરોડોની રકમનો દંડ ઉઘરાવવામાં આવ્યો હતો. આ પ્રકારનાં કેસો પણ લોક અદાલતમાં મુકાયા હતો. અને નજીવી રકમનો દંડ કરીને તેનો નિકાલ કરાવ્યાનું જાણવા મળે છે.

અકસ્માત વળતરના કેસોમાં આજે વિમા કંપનીઓના સહયોગથી મોટી સંખ્યામાં  કેસોનો નિકાલ કરીને કરોડોની રકમનાં એવોર્ડ જાહેર કર્યા હતો. અને લોક અદાલતમાં જ પક્ષકારોને ચેક આપી દેવામાં આવ્યા હતાં.

નેગોશીયએબલ એકટ અન્વયેના ચેક રિટર્નના ૭પ ટકા કેસોનો પ્રથમ બે કલાકમાં જ નિકાલ કરાયો હતો અને લોકડાઉન જનતા કફર્યુ  દરમિયાન થયેલા કેસોના પક્ષકારોને ગઇકાલે કોર્ટમાં હાજર રખાવીને રૂ. ર૦૦ થી પ૦૦ ની રકમનો દંડ કરીને આ પ્રકારનાં કેસોનો નિકાલ કરાયાનું વકીલ વર્તુળોમાંથી જાણવા મળે છે.

આજની આ લોક-અદાલત દરમિયાન પાસ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. જયારે પતિ-પત્નિ વચ્ચેના દાંમ્યત્ય જીવનને લગતા ભરણ પોષણ, છુટાછેડા સહિતના તકરારી કેસોમાં મોટાભાગના કેસોમાં પતિ-પત્નિ વચ્ચે સમાધાન કરાવીને તેઓનું દામ્યત્ન જીવનને લોકઅદાલતના માધ્યમની મહેકનું કર્યુ હતું.

આ લોક-અદાલતને સફળ બનાવાવ, જીલ્લા કાનૂની સેવા સતા મંડળના અધ્યક્ષ  શ્રી એચ. વી. જોટાંગીયા અને પંચલીગલ વોરીયન્ટર  મિહિર દાવડા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટે, અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા આજે ૧૦ ના રોજ રાજકોટ જીલ્લાની રાજકોટ જિલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક - અદાલતનું આયોજન કરવામાં આવેલ હતી. સદર લોક અદાલતમાં દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલાં (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં આવેલ.

સદર લોક અદાલતમાં (૧) ફોજદારી સમાધાન લાયક કેસો, (ર) નેગોશોએબલ એકટની કલમ-૧૩૮ (ચેક રીટર્ન અંગેના કેસો) હેઠળના કેસો (૩) બેન્ક લેણાના કેસો (૪) મોટર અકસ્માત વળતરનો લગતા કેસો (પ) લગ્ન વિષયક કેસો (૬) મજૂર અદાલતના કેસો (૭) જમીન સંપાદન ને લગતા કેસો (૮) ઇલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો (૯) રેવન્યુ કેસીસ (૧૦) દિવાની પ્રકારના કેસો (ભાડા, સુખાધિકારના કેસો, મનાઇ હુકમના દાવા,  કરાર પાલનના દાવા) (૧૦) અન્ય સમાધાન લાયક કેસો મુકવામાં આવેલ હતાં.

જિલ્લાના કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન શ્રી તથા મુખ્ય જીલ્લા ન્યાયાધીશ ઉત્કર્ષ ઠાકોરભાઇ દેસાઇ દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ કે, લોક-અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણીત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભ કર્તા છે., બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઇનો વિજય નહી તેમજ કોઇનો પરાજય નહી તેવી પરીસ્થિતિ ઉદભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા વૈમનસ્યથી મુકત થવાય છે તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છૂટકારો મળે છે.

(3:13 pm IST)