Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

રેસકોર્ષના બગીચા અને સ્ટેડીયમમાંથી અડધા કલાકમાં ચાર ઝેરી સર્પ પકડાયા

મુન્નાભાઈ નામના સામાજીક કાર્યકરે સાપને પકડી લોકોની ચિંતા હળવી કરીઃ લાઈટો રીપેર કરવા તેમજ લાઈટ આડે આવતી ઝાડની ડાળીઓ કાપી અજવાળા કરાવવા ગાર્ડનમાં વોકીંગ કરવા તથા ફરવા આવતા નાગરીકોની લાગણી અને માંગણી

રાજકોટ, તા. ૧૦ :. હાલમાં અસહ્ય ગરમી અને બફારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં રેસકોર્ષ ગાર્ડન અને સ્ટેડીયમમાં માત્ર અડધી કલાકમાં ચાર જેટલા નાના મોટા કોબ્રા પ્રજાતીના સાપ આંટા મારતા જોવા મળતા ગાર્ડનમાં વોકીંગ માટે અને બગીચામાં પરિવારના નાના મોટા બાળકો સાથે હરવા ફરવા આવતા તેમજ હાલમાં સોડીયમમાં બાળકોનો ક્રિકેટ કોચીંગનો કેમ્પ ચાલી રહ્યો છે તેમા ભયની લાગણી સાથે દોડધામ મચી ગઈ હતી.

ગઈકાલે શુક્રવારની સાંજના સુમારે સ્ટેડીયમના દરવાજા પાસે તેમજ ગાર્ડનમાં વોકીંગ ટ્રેક ઉપર અચાનક એક પછી એક એમ ચાર જેટલા કોબ્રા પ્રજાતીના ઝેરી સાપ નીકળતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

એકબાજુ વોકીંગ ટ્રેક ઉપર અમુક જગ્યાએ લાઈટો બંધ છે અને જ્યાં છે ત્યાં લાઈટની આજુબાજુ ઝાડની ડાળીઓ મોટી થઈને આડી આવી ગઈ હોવાથી લાઈટનો પ્રકાશ ફેલાતો નથી અને અમુક જગ્યાએ ઘોર અંધારૂ હોય છે તેવા સંજોગોમાં આ રીતે ઝેરી સાપ અચાનક જ અસહ્ય ગરમીના કારણે આવી ચડતા ભયનો માહોલ સર્જાયો છે.

નિયમીતપણે વોકીંગ કરવા આવતા મુન્નાભાઈ નામના એક સામાજિક કાર્યકરે આ ત્રણેય ઝેરી સાપને બોટલમાં નાખી પકડી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. મુન્નાભાઈના કહેવા મુજબ આ સાપ કોબ્રા પ્રજાતીના અત્યંત ઝેરી સાપના બચ્ચા છે. દોઢથી બે ફૂટની લંબાઈ ધરાવતા અને માત્ર અડધો કલાકમાં જ ત્રણ જેટલા ઝેરી સાપને પકડનાર મુન્નાભાઈનો મો. ૮૩૪૭૦ ૦૦૦૧૪ છે. તેઓ સેવાભાવી છે અને આ રીતે કોઈ વખત અચાનક આવી જરૂરીયાત ઉભી થાય તો મદદરૂપ થાય છે.

કોર્પોરેશનની બગીચા અને રોશની શાખા તાત્કાલીક ધોરણે રેસકોર્ષના બગીચામાં જેટલી પણ બંધ લાઈટો છે તે રીપેર કરી ચાલુ કરાવે અને બગીચા શાખાના કર્મચારીઓ સ્ટ્રીટ લાઈટ આડે જે કોઈ ઝાડની ડાળીઓ આવતી હોય તેને કાપીને વોકીંગ ટ્રેક અને બગીચામા પુરેપુરી લાઈટથી રસ્તો દેખાય તે રીતે કામગીરી કરે તે અત્યંત આવશ્યક અને જરૂરી હોવાની લાગણી વોકીંગ કરનારાઓએ વ્યકત કરી છે.

(3:14 pm IST)